લંડનઃ બ્રિટન ભારતીય ડીરેકટર આસિફ કાપડિયાને ભારે પ્રશંસા પામેલી ડોક્યુમેન્ટરી ‘એમી’ માટે બાફ્ટા એવોર્ડ મળ્યો છે. લંડનના રોયલ ઓપરા હાઉસ ખાતે આયોજિત ભવ્ય એવોર્ડ સમારંભમાં કાપડિયાને પ્રતિભાશાળી ગાયિકા એમી વાઇનહાઉસ વિશેની ફિલ્મને બેસ્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ અપાયો હતો. આ ડોક્યુમેન્ટરીએ સ્પર્ધામાં રહેલ અન્ય ફિલ્મો ‘કાર્ટેલેન્ડ, હી નેમ્ડ મી મલાલા, લીસન ટુ મી માર્લન અને શેરપાને પરાજીત કરી હતી.
આસિફ કાપડિયાએ અગાઉ ૨૦૧૨માં સેના માટે બેસ્ટ ડોક્યુમેન્ટરી તેમજ ૨૦૦૩માં બેસ્ટ બ્રિટિશ ફિલ્મ તરીકે ‘ધ વોરિયર’ માટે પણ એવોર્ડ મેળવ્યો હતો. તેમાં ભારતીય અભિનેતા ઈરફાન ખાને ભૂમિકા કરી હતી. વધુ આનંદની વાત એ છે કે બાફ્ટા ઇવેન્ટ અગાઉ આ ફિલ્મને બેસ્ટ મ્યુઝિક ફિલ્મ ગ્રેમીનો એવોર્ડ પણ મળ્યો છે.
આ ફિલ્મમાં અસાધારણ સંગીતપ્રતિભા એમી વાઇનહાઉસની ચડતી અને પડતી, આલ્કોહોલ અને ડ્રગ્સ સાથેનો સંઘર્ષ તેમજ ૨૦૧૧માં માત્ર ૨૭ વર્ષની વયે મૃત્યુની કથા વણી લેવાઈ છે.