લંડનઃ વ્હાઈટહોલમાં યોજાયેલી રિમેમ્બરન્સ સન્ડે પરેડમાં ભાગ લેવા જઈ રહેલા ૬૮ વર્ષીય નિવૃત્ત આર્મીમેન એન્થની ડેવિસને કારની અડફેટે લઈને નાસી ગયેલા ૩૦ વર્ષીય બિઝનેસમેન રવિ રૂપારેલિયાને ૨૨ મહિનાની જેલ ફરમાવાઈ હતી. તે ઉપરાંત, ૧૮ મહિના સુધી ડ્રાઈવિંગ માટે મનાઈ ફરમાવવામાં આવી હતી અને ડેવિસને વળતર પેટે ૫૦૦૦ પાઉન્ડ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો હતો.
ગયા વર્ષે ૧૨મી નવેમ્બરે બનેલી આ ઘટનામાં ૧૩૦,૦૦૦ પાઉન્ડની મેકલોરેન 540C કૂપે કાર હંકારીને જઈ રહેલા હર્ટ્સના બુશીના રવિ રૂપારેલિયાએ અચાનક કાર પરનો કાબૂ ગુમાવતા તે રેડ લાઈટ પાર કરીને ડેવિસને ટકરાઈ હતી. ટક્કર વાગતા તેઓ બેભાન થઈ ગયા હતા અને તેમના પગમાં ફ્રેક્ચર થયું હતું. રૂપારેલિયા તેમને મદદ કરવાને બદલે ત્યાંથી જતા રહ્યા હતા. બાદમાં તેમને થોડા સમય સુધી વ્હીલચેરનો જ સહારો લેવો પડ્યો હતો અને સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ પણ કરી શક્યા ન હતા. હોટલ અને કેટરિંગ ફર્મ્સ ચલાવતા રૂપારેલિયાને જોખમી ડ્રાઈવિંગ દ્વારા ગંભીર ઈજા પહોંચાડવાના અને અકસ્માત કર્યા બાદ ઘટનાસ્થ્ળે ન રોકાવાના ગુના બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
જજ માર્ટિન બેડોએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી નાસી જવાનો રૂપારેલિયાનો નિર્ણય ખોટો હતો.