જયશ્રી શાહ દ્વારા લિખિત “Whispers of my Heart” પ્રેરણાદાયી અને વિશેષ કાવ્યસંગ્રહ છે જે તમારી આંખોમાં વેદના અને પ્રસન્નતાના આંસુ લાવે છે પરંતુ સાથેસાથે કુદરત, બ્રહ્માંડની સફર સાથે ખિસકોલીઓ, મેઘધનુષોની શબ્દયાત્રા કરાવે છે. આ કાવ્યપઠન દ્વારા તમે તમારા અંતરાત્મા સાથે મુલાકાત કરી શકો છો.
જયશ્રી શાહ દ્વારા તેમના સ્વર્ગસ્થ માતૃશ્રીની સ્મૃતિમાં સૌપ્રથમ વિશેષ પુસ્તક લખવામાં આવ્યું છે. પુસ્તક શબ્દોના સામર્થ્યનો કરાર છે. આ રચનાત્મક કવિતાઓ પ્રેરણા અને સાહજિકતાનો સ્ત્રોત બની શકે છે. આ પુસ્તક આપણને આત્મખોજ અને માનવતાની યાદ અપાવે છે.
એનએચએસના મેડિકલ જીપી તરીકે નિવૃત થયેલા જયશ્રી શાહને 10 વર્ષ પહેલાં કવિતા સાથે પ્રેમ થયો હતો. તેઓ દ્રઢપણે માને છે કે દરેક વ્યક્તિમાં રચનાત્મકતા કેદ હોય છે જે સાહસ અને આનંદની ચાવીઓ વડે મુક્ત થવાની રાહ જૂએ છે. તેઓ તેમની નિવૃત્તિનો સમય સામાજિક પ્રવૃત્તિઓ, પ્રવાસ, સખાવત માટે ભંડોળ એકત્ર કરવા અને કુદરતના ખોળે ભમવામાં વીતાવે છે.
લેન્કેશાયર, સ્વીડન અને ભારતમાં મોટા ભાગનું જીવન વીતાવ્યા બાદ હવે તેઓ લંડનમાં તેમના પતિ અને નિવૃત્ત કન્સ્લ્ટન્ટ એનેથેટિસ્ટ ડો. રજનીકાંત શાહ, બે પુત્ર પુત્રવધૂ અને પૌત્રો સાથે વસવાટ કરે છે. ડો. રજનીકાંત શાહ અને ડો. જયશ્રી શાહ તથા તેમના મિત્રોએ આંખોના રોગો સામે લડવા ભારતમાં વિવિધ સામાજિક પ્રવૃત્તિઓને ટેકો આપતાં નવેમ્બર 1987માં પોઝિટિવ સાઇટ નામની એનજીઓનો યુકેમાં પ્રારંભ કર્યો હતો. તેમની આ સંસ્થા ગુજરાતના અમદાવાદમાં સ્થિત એનજીઓ બ્લાઇન્ડ પીપલ એસોસિએશન સાથે સંકળાયેલી છે જે દિવ્યાંગો મધ્યે કામ કરે છે. પોઝિટિવ સાઇટ સંસ્થા ક્લાઇમ્બિંગ, ટ્રેકિંગ, વોક, રાફેલ્સ, ઓક્સન, ચેરિટી ઇવેન્ટ તેમજ વ્યક્તિગત તથા સંસ્થાગત દાનો દ્વારા ભંડોળ એકઠું કરે છે.
27 મે 2023ના રોજ ‘ગુજરાત સમાચાર’ - Asian Voice દ્વારા આયોજિત મહિલા સશક્તિકરણ અને સિદ્ધી કાર્યક્રમ (ઝૂમ ઇવેન્ટ)માં તેમના પુસ્તકનું વિમોચન કરાશે. આ પુસ્તકના વેચાણમાંથી થનારી આવકનો ઉપયોગ ગ્રામીણ ભારતમાં અત્યંત ગરીબ લોકોના મોતિયાના ઓપરેશન અને દ્રષ્ટિ આપવા માટેની સારવારમાં કરાશે. (વધુ વિગત માટે જુઓ પાન નંબર 21)