લંડનઃ કિંગ્સ કિચનના સીઈઓ મનુભાઈ રામજીએ બિઝનેસમાં 30 વર્ષના સીમાચિહ્નની ઊજવણી કરી હતી. તેમણે મહેમાનો સમક્ષ પોતાની ટીમની સખત મહેનત અને પ્રતિબદ્ધતા બદલ પ્રશંસા કરી હતી જેમાંના મોટા ભાગના ઘણા વર્ષોથી કંપની સાથે સંકળાયેલા છે. કંપનીની પ્રતિષ્ઠા જમાવનારા ગ્રાહકોને પણ તેમણે બિરદાવ્યા હતા. એક જ પરિવારની ઘણી પેઢીઓએ કિંગ્સના ફર્નિચરનો જ ઉપયોગ કર્યો છે. કિંગ્સ કિચન્સ ચેરિટી અને કોમ્યુનિટી કાર્યોમાં ગાઢપણે સંકળાયેલ છે.જ્યારે તમામ સંસ્કૃતિના લોકો ભેગાં મળીને કામ કરે છે ત્યારે ઉત્પાદકતા વધે છે તેમ માનનારી સંસ્થા વૈવિધ્યતા અને સમાવેશિતામાં ઈન્વેસ્ટ કરે છે.
લોર્ડ ધોળકીઆએ કિંગ્સ કિચન્સની સિદ્ધિઓને બિરદાવતો પત્ર પાઠવ્યો હતો. તેમણે લખ્યું હતું કે,‘ મારી હાજરી ન હોય ત્યારે મનુભાઈ દ્વારા કોઈ પ્રસંગ ઊજવાય તેવું બની જ ન શકે. તેમનું ઘર મારું બીજું ઘર છે જ્યાં તેમણે આયોજિત કરેલા ઈવેન્ટ્સની ઊજવણી કરવામાં મને ભારે ગર્વ અનુભવાય છે. આ વખતે હું અમદાવાદમાં નવરાત્રિની ઊજવણી કરી રહ્યો છું અને આપણી કોમ્યુનિટીના મહાન નિષ્ઠાવંત શ્રી સીબી પટેલ મારફત હું આ સંદેશો પાઠવી રહ્યો છું. તમારા પ્રત્યેક પ્રયાસોમાં સફળતાના અભનંદન. આપણાં ઘરોમાં ઘરવખરી ફર્નિચરમાં કિંગ્સ મજબૂત નામ છે. તેઓ આજે યુકેમાં પ્રાપ્ય શ્રેષ્ઠ ઉત્પાદનો પૂરાં પાડે છે. પતિ અને પત્નીની ટીમ દરેક મોટાં પ્રદર્શનોમાં હંમેશાં હાજર હોય છે અને તેમના પ્રોફેશનલ સ્ટાફની મદદ હંમેશાં મળતી રહે છે. તમને કોઈ જગ્યાએ સ્ટાફના કલ્યાણની બહેતર સિસ્ટમ જોવા નહિ મળે. બ્રિટિશ ઈન્ડસ્ટ્રી માટે ઘણું સારું ઉદાહરણ છે. મનુભાઈ અને સી બી પટેલ સહિત તેમની સાથે સંકળાયેલા તમામ લોકો આપણા તરફથી અભિનંદનને પાત્ર છે. ભવિષ્ય માટે શુભકામના સાથે ઉમેરવાનું કે તમારા સખાવતી કાર્યોને સહુ કોઈ બિરદાવી રહ્યા છે.’
ગુજરાત સમાચારના સીબી પટેલ કિંગ્સ માટે એડવર્ટાઈઝમેન્ટ બનાવનારા પ્રથમ વ્યક્તિ હતા અને આજે 30 વર્ષ પછી પણ તેઓ સ્ટેજ પરથી ઈવેન્ટના મહેમાનોને કંપની અને તેની પરોપકારિતા વિશે ગર્વપૂર્વક જણાવી રહ્યા છે.
આગામી વર્ષે કંપની સાથે 30 વર્ષ સુધી જોડાઈ રહેનારા ડાયરેક્ટર કાન્તિલાલે તેમના ભૂતકાળની કામગીરીના અનુભવ થકી કંપનીને ઘણું આપ્યું છે અને તેઓ ટીમને કોચિંગ આપી રહ્યા છે. અન્ય ડાયરેક્ટર પરબત કંપનીના આરંભથી જ તેની સાથે જોડાયેલા છે અને હજુ સહયોગ આપી રહ્યા છે.
મનુભાઈના પુત્ર અને ડાયરેક્ટર દીપક રામજીએ સંબોધનમાં જણાવ્યું હતું કે તેઓ તેમના પિતા જેવા બની રહેવા માગે છે જે ભવિષ્ય માટે તેમની પરિપક્વતા દર્શાવે છે.
કંપનીએ અનેક પડકારો અને નિષ્ફળતાઓ ઝેલી છે પરંતુ, મનુભાઈ પીછેહઠ કરવામાં માનતા નથી અને દરેક પડકારને એક તક તરીકે ઝીલે છે. મનુભાઈ ખેડૂત કોમ્યુનિટીમાંથી આવે છે. ઘણી નાની વયથી તેમના કામકાજી જીવનની શરૂઆત થઈ હતી જ્યારે તેઓ ભારતથી તેમના પિતા પાસે નાઈરોબી આવી પહોંચ્યા હતા. તેઓ 10 બાય 10 ફૂટના પતરાના શેડમાં રહેતા હતા. નાણાકીય મુશ્કેલી હોવાથી અભ્યાસની કોઈ તક મળી ન હતી.
તેઓ કહે છે કે પિતાના એક જ વાક્ય ‘મારા દીકરા, હું તને નભાવી નહિ શકું’ની સાથે તેમનું જીવન બદલાઈ ગયું હતું. આના પછી તેઓ સ્વતંત્ર અને અસ્તિત્વ ધરાવનારા બની ગયા હતા. તેઓ 14 વર્ષના હતા ત્યારે તેમણે જંગલમાં મટિટો એન્ડેઈમાં મસ્જિદ બાંધી હતી જેમાં કોઈ આર્કિટેક્ટ્સ કે ઈજનેરો સંકળાયેલા ન હતા. તેમણે જીવનના થોડાં વર્ષ કિસુમુ અને ટુરબોમાં બિલ્ડિંગ સાઈટ્સ પર જીવવામાં ગાળ્યા હતા.
તેમની મુલાકાત કાન્તાબહેન સાથે થઈ અને તેમણે લગ્ન કરી લીધા. તેઓ 1984માં સ્થળાંતર કરી યુકેમાં આવ્યા હતા અને નવદંપતીએ વિલ્સડેનમાં એક રૂમ ભાડે રાખ્યો હતો. યુકે આવ્યાના બીજા જ દિવસથી તેમણે સુથારીકામ શરૂ કરી દીધું હતું. થોડા મહિના પછી ચાર ટાઈલ શોપ ધરાવતા તેમના સાળાએ નોકરીની ઓફર કરી હતી. મનુભાઈએ સાળાની વેસ્ટ ડ્રાયટોન ટાઈલ શોપ ખરીદી લીધી અને 18 મહિના પછી તેને વેચી નાખી હતી.
આ પછી, તેમણે માન્ચેસ્ટરમાં બંધ થઈ રહેલી કંપની પાસેથી કિચનની સાધનસામગ્રીનો મોટો સ્ટોક ખરીદ્યો હતો અને આ સાધનસામગ્રીને સ્ટોર કરવા નિસડનમાં એક ગેરેજ ભાડે લીધું હતું અને આ રીતે કિંગ્સ કિચન્સનો જન્મ થયો હતો. આ પછી તો તેમણે કદી પાછા વળીને જોયું નથી. તેઓ ભારે મહત્ત્વાકાંક્ષી હતા અને બિઝનેસને વધારવા લાગ્યા હતા. તેમણે 1989ના અરસામાં યુરોપનો પ્રવાસ કરવાની શરૂઆત કરી જ્યાં તેઓ આ બિઝનેસ માટે ઘણા યુવાન હોવાથી લોકો તેમને રમૂજભરી દૃષ્ટિએ નિહાળતા હતા. તેમને યુરોપમાં ઘણા સહયોગીઓ મળ્યા અને તેમના પ્રવાસો વધતા જ ગયા.
આ બધું સહેલું ન હતું પરંતુ, તેઓ શીખવા અને પોતાની ડિઝાઈન્સ તૈયાર કરવા ઘણા ઉત્સુક રહેતા હતા. યુકેમાં તેમની આસપાસના લોકો તેમના પ્રવાસોને વખોડતા પરંતુ, તેઓ મક્કમ રહ્યા જેના પરિણામે તેઓ આજના સ્થાને પહોંચી શક્યા છે. બિઝનેસ વધવાની સાથોસાથ વિલ્સડેન અને હેન્ડનમાં શોરૂમ્સ ખોલવામાં આવ્યા. કિંગ્સ હાલ ત્રણ મજલાની ઈમારતના પાર્ક રોયલ એસ્ટાબ્લિશમેન્ટમાંથી વેપાર કરે છે જ્યાં વિશાળ શોરૂમ, ઉત્પાદન એરિયા અને ઓનસાઈટ પાર્કિંગ સાથે વિશાળ સ્ટોરેજ ફેસિલિટી છે.
મનુભાઈના શબ્દો અને જીવન ઉભરતી પેઢી માટે પ્રેરણાસમાન છે. તેઓ કહે છે,‘ સાચી મહાનતા કદી એકલા હાંસલ કરી શકાતી નથી, તેના માટે સામૂહિક પ્રયાસ જરૂરી બને છે.’ તેઓ પ્રત્યેક દિવસના આરંભને પોતાના માટે શૂન્ય માને છે અને દિવસના અંતે પ્રથમ ક્રમે બની રહેવાનું લક્ષ્ય રાખે છે.
આપણે સહુ તેમની અને તેમના અનુભવોમાંથી ઘણું શીખી શકીએ છીએ પરંતુ, સફળતાનો મીઠો સ્વાદ માણતા પહેલા કડવા સ્વાદ માણવાનું શીખી લેવું જોઈએ.