લંડનઃ ગઈ ૨૯ જુલાઈએ કિંગ્સક્રોસ સ્ટેશન પર નોટ ફોર પ્રોફિટ સંસ્થા 'ઈન્સ્પાયરીંગ ઈન્ડિયન વિમેન'ના કલાકારોએ ભારતના ૭૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ રાજ્યોના લોકનૃત્યોનો ભાતીગળ કાર્યક્રમ યોજીને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.
દોઢ કલાકના આ કાર્યક્રમનું સંચાલન જાણીતા કોરિયોગ્રાફર જય કુમારે સંભાળ્યું હતું. સંસ્થાના રશ્મિ મિશ્રા અને આરતી બેસિઆનો પટ્ટની, ક્રિસ્ટિના શીજુ જ્યોર્જ, સૌમ્યા જે. ક્રિશ સહિત હોદ્દેદારોના અથાગ પ્રયાસથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દર્શકોએ લંડનના આ હાર્દસમા વિસ્તારમાં 'ભારતમાતા કી જય' અને 'જય હો'ના નારા લગાવીને વાતાવરણને ભારતમય બનાવી દીધું હતું.
પ્રથમ વખત સેન્ટ્રલ લંડનમાં ભારતની ઝાંખી કરાવતા આ કાર્યક્રમમાં કાશ્મીરની ૧૪ વર્ષીય જીયા સુદે ભૂમરો રજૂ કર્યું હતું. શિલ્પા ચૌધરી અને મિનલ શાહે હરિયાણા, રશ્મિ શર્મા, રૂપાલી શેલનકરે ઉત્તરાખંડ, અલકનંદા મહાપાત્રાએ ઓડિશા, અનાસ્મિતા શાહે આસામના લોકનૃત્ય રજૂ કર્યા હતા. તમિળનાડુની સરિતા ચૌધરીએ વિવિધ મુદ્રાઓ સાથે ભરતનાટ્યમ નૃત્ય દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેલંગાણાની ૧૧ વર્ષની અંકિતા સોમીસેટ્ટીએ કુચીપૂડી નૃત્ય રજૂ કર્યું હતું. પૂજા ત્રિવેદી, આનંદ શાહ, મિલિન્દ કટુડિયા, કવિતા ગુપ્તા, ગુંજન ખન્ના અને મોહિત જૈનના ગ્રૂપે વિવિધ સ્ટાઈલ અને સ્ટેપમાં ગુજરાતની ઓળખસમા દાંડિયા રાસ રજૂ કર્યા હતા.