લંડનઃ કિંગ્સબરી સ્વામીનારાયણ મંદિર યુકેમાં કોવિડ વેક્સિનેશન સેન્ટર શરૂ કરનારું પ્રથમ મંદિર બન્યું છે. આ સેન્ટરનું સંચાલન ૨૦ જીપીના હાર્નેસ કેર ગ્રૂપ દ્વારા કરવામાં આવશે તેનો હેતુ દરરોજ ૧,૩૦૦થી વધુ લોકોને વેક્સિન આપવાનો છે.
મંદિરના ચેરિટી અને કોમ્યુનિટી પ્રવૃત્તિના ભાગરૂપે ‘જાત પહેલા સમાજ’ના આચાર્ય સ્વામીશ્રી મહારાજના સિદ્ધાંતને અનુસરીને મંદિરે ખૂબ મહત્ત્વના પ્રોજેક્ટ માટે પુરુષોત્તમ મહલના ઉપયોગની પરવાનગી આપી છે. વધુમાં, કોમ્યુનિટીના સભ્યો હાર્નેસ કેરને આઈટી, લોજિસ્ટિક્સ અને લોકોની દેખરેખ રાખવા સહિતની સહાય કરી રહ્યા છે.
જીપી અને હાર્નેસ કેરના ચેરમેન તથા ડો. સચિન પટેલે જણાવ્યું,‘ રસી સુરક્ષિત અને માન્ય છે તેવો સંદેશો આ સેન્ટર હિંદુઓ અને વ્યાપક સાઉથ એશિયન સમુદાયને આપશે. મંદિર જે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તેના માટે અમે શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરીના આભારી છીએ.’
કોરોના મહામારીના સમગ્ર સમય દરમિયાન મંદિરે લોકલ ફૂડ બેંક માટે ડોનેશન એકત્ર કર્યું હતું, એનએચએસ ફ્રન્ટલાઈન સ્ટાફને અને અને જરૂરતમંદોને આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડી હતી. વધુમાં, કોરોના મહામારી દરમિયાન બ્લડ ડોનેશન સેશન્સ તથા તમામ જરૂરી સેવાઓ ચાલુ રાખી હતી. હવે લોકલ કોમ્યુનિટીને સલામત રાખવામાં મદદરૂપ થવા તેમજ એનએચએસ પરનું ભારણ ઘટાડવા માટે પોતાની જગ્યા વેક્સિનેશન સેન્ટર માટે આપીને મંદિર મહત્ત્વની કામગીરી કરી રહ્યું છે.
મંદિરના ટ્રસ્ટી ડો. મહેશ વરસાણી સેલ અને જેન થેરેપીમાં ઈમ્યુનોલોજિસ્ટ અને સંશોધક છે. તેમણે જણાવ્યું,‘ આપણે સૌ જાણીએ છીએ કે વેક્સિન સલામત અને અસરકારક છે અને તેનો કોઈપણ ભાગ અથવા ઉત્પાદન પ્રક્રિયા હિંદુ સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરતી નથી. તેમણે કહ્યું કે વેક્સિન અંગે વોટ્સએપ ગ્રૂપ અને સોશિયલ મીડિયામાં ઘણા ખોટા મેસેજિસ ફરી રહ્યા છે. તેમણે વેક્સિન વિશે કોઈને પણ પ્રશ્ર હોય તો તે જણાવવા અનુરોધ કરીને ઉમેર્યું કે તેઓ તેના અંગે ધ્યાન આપશે.
મંદિર સેન્ટરમાં વેક્સિન આપવાની કામગીરી કરી રહેલા વેક્સિન પ્રોગ્રામ મેનેજર દર્શના પટેલ જણાવ્યું કે લોકો આ રસી લેવા માટે હા કહે તે માટે પ્રોત્સાહિત કરવા આ કામગીરી કરી રહ્યા છે.
હાર્નેસ ગ્રૂપ કોમ્યુનિટીને ગુણવત્તાયુક્ત કેર અને આરોગ્ય સુધારણા માટે પ્રતિબદ્ધ પ્રાઈમરી હેલ્થકેર સંસ્થા છે.