હેરોઃ નોર્થોલ્ટ રોડ પર આવેલી Mama's Kitchen ફાસ્ટફૂડ શોપના પ્રિમાઈસીસમાંથી ઉંદરની લીંડીઓ, સડેલી કાકડી અને ટામેટાનો જથ્થો મળી આવતા વિલ્સડન મેજિસ્ટ્રેટ્સ કોર્ટે માલિકોને શોપ ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે ફૂડ હાઈજીનના ભંગના સાત કાઉન્ટ માટે માલિક હેરોના કલ્પના અશોકકુમારને દોષિત ઠેરવીને ૨૪,૯૦૫ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો.
ફૂડ ઈન્સ્પેક્ટરોને શોપની ઓચિંતી મુલાકાત દરમિયાન કિચન, સ્ટોર રૂમ અને ભોજન બનવાના સ્થળે ઉંદરની લીંડીઓ અને સડેલાં શાકભાજી મળી આવ્યા હતા. દરવાજાના ગેપ વચ્ચેથી, ખૂલ્લી ડ્રેનેજ અને તૂટેલી સીલિંગ પેનલ વાટે ઉંદરો ત્યાં અવરજવર કરી શકતા હતા. શોપમાં ખૂબ જ ગંદકી હતી અને જીવજંતુ હતા.
કોર્ટને જણાવાયું હતું કે હેરો કાઉન્સિલને પ્રથમ વખત ૨૦૧૨માં હાઈજીન સંબંધી સમસ્યાઓ ધ્યાન પર આવી હતી. બચાવમાં કલ્પના અશોકકુમારે જણાવ્યું હતું કે સુધારા કરવામાં આવ્યા છે. પરંતુ, છેલ્લાં ચાર વર્ષથી તે બાળકોમાં ખૂબ વ્યસ્ત રહેતી હોવાથી આ ગંદકી પર તેનું ધ્યાન ગયું ન હતું. કોર્ટે ઠેરવ્યું હતું કે બિઝનેસ માલિક તરીકે શોપની જવાબદારી અને નિષ્ફળતા તેની થાય. કોર્ટે તેમને બિઝનેસ છોડી દેવા અને મેનેજમેન્ટમાં ફેરફાર તથા મહત્ત્વના સુધારા નહીં કરાય તો શોપ બંધ કરી દેવાની ચેતવણી આપી હતી.