લંડનઃ શનિવાર, ૧૦ નવેમ્બરથી રેન્ડેલ રોડ પરના પોતાના નિવાસેથી રાત્રિના નવ વાગ્યા પછી લાપતા થયેલા પરેશ પટેલના પરિવારની યાતના તરફ ધ્યાન ખેંચવા લેસ્ટરના બેલગ્રેવ વિસ્તારમાં આયોજિત પદયાત્રામાં લેસ્ટર ઈસ્ટના સાંસદ કિથ વાઝ ૩૦૦ લોકો સાથે જોડાયા હતા. આ પછીની બેઠકમાં કિથ વાઝે સ્થાનિક કોમ્યુનિટીના તમામ સભ્યોને પરેશ પટેલને શોધવાનો પ્રયાસ અને મદદ કરવા અપીલ કરી હતી. પરેશ પટેલ ૧૦ નવેમ્બરે લાપતા થયા પછી જોવામાં આવ્યા નથી.
કિથ વાઝે જણાવ્યું હતું કે, ‘પરેશના લાપતા થવાથી તેમના પરિવારના સભ્યો ચિંતિત છે. પરેશ ઘણા સારા પતિ, પુત્ર અને પિતા હતા અને તેઓ ક્યાં હશે તેના વિશે દરેકને ચિંતા છે. પરિવાર પરેશને શોધવામાં પ્રયાસ કરી રહેલા લેસ્ટરના ચીફ કોન્સ્ટેબલ સિમોન કોલ અને તેમની ટીમનો ખાસ આભારી છે. તમામ રીતે તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ, કોમ્યુનિટીના લોકો જાતે લાપતા પરેશને શોધવાના પ્રયાસમાં આગળ આવે તે જરુરી છે. મને આશા છે કે પરેશને શોધવાના પ્રયાસમાં દરેક પોતાનાથી બનતું તમામ કરી છુટશે.’
જો તમારી પાસે કોઈ પણ જાતની માહિતી હોય તો મહેરબાની કરીને ફોન નંબર0116 222 2222 અથવા 101પર લેસ્ટશાયર પોલીસનો તત્કાળ સંપર્ક કરશો.