લંડનઃ મેગા લોટરી જીતવા ૧૯ વર્ષના ડાનયાલ હુસૈને શેતાન સાથે સોદો કર્યો અને બેરહમીથી પોતાની બે બહેનનું બલિદાન આપ્યું હોવાના અંધશ્રદ્ધાની હદ વટાવતા કિસ્સાએ સમગ્ર બ્રિટનમાં સનસનાટી ફેલાવી છે. હુસૈને ગત વર્ષે છઠ્ઠી જૂને વેમ્બલી ઉત્તર-પશ્ચિમ લંડનના ફ્રીયેન્ટ કન્ટ્રી પાર્કમાં ૪૬ વર્ષીય બીબા હેનરીનો જન્મદિવસ ઉજવ્યા બાદ બીબા અને ૨૭ વર્ષીય નિકોલ સ્મોલમેનને ચાકુના જીવલેણ ઘા માર્યા હતા. સાઉથ-ઈસ્ટ લંડનના બ્લેકહીથના હૂસૈને હત્યા કરી હોવાનું નકાર્યું છે.
ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ પ્રોસીક્યુશને જણાવ્યું હતું કે આ બહેનોનાં મૃતદેહ હત્યા પછીના દિવસે વેમ્બલી પાર્કમાંથી મળ્યા હતા. બીબા હેન્રીને ચાકુના આઠ ઘા કરાયા હતા જ્યારે નિકોલ સ્મોલમેનને ૨૮ વખત ઘા કરાયા હતા. પ્રોસીક્યુટર ઓલિવર ગ્લાસગો QCએ જણાવ્યું હતું કે દાનવ સાથે સોદો કરવાનું આરોપી માટે લાભકારક નીવડ્યું ન હતું. તે લોટરી તો જીત્યો નથી, પરંતુ અંધવિશ્વાસને કારણે તેણે બે બહેનોની હત્યા પણ કરી નાખી હતી. પોલીસે તમામ પૂરાવાની ઓળખ કરી લીધી છે. જેમાં તેની સંડોવણી પૂરવાર થાય છે.
પ્રોસીક્યુટર જણાવ્યું હતું કે બહેનોએ બીબાના જન્મદિનની હર્ષોલ્લાસથી પાર્ટી કર્યા પછી ત્યાં જ રોકાઇ જવાનો નિર્ણય કર્યો હતો. પાર્ટીમાંથી મિત્રોએ વિદાય લીધા પછી પણ બંને બહેનોએ લાઈટ્સ, મ્યુઝિક સાથે ડાન્સ કર્યા હતા. હુમલો કરાયો તે અગાઉ બંને બહેનોએ લાઈટ્સ સાથે ડાન્સ કરતી હોય તેવા ફોટો પણ જ્યુરીના સભ્યોને દર્શાવાયા હતા. તેઓ ઘેર ન પહોંચવાથી મિત્રો અને પરિવાર પાર્કમાં તેમની શોધખોળ કરવા નીકળ્યા હતા. તેમને ઘાસમાં લોહીથી ખરડાયેલું એક ચાકુ મળ્યું અને તે પછી બહેનાના મૃતદેહો પણ મળી આવ્યા હતા.
હુસૈનની ઓળખ DNA અને CCTV ફૂટેજથી થઈ હતી. તેણે લીધેલા ચાકુનું મેચિંગ પણ હત્યાના શસ્ત્ર સાથે થયું હતું. પોલીસને ડાનયાલના બેડરુમની તપાસ દરમિયાન શેતાન સાથે મહિલાઓના બલિદાનનો કરાર થયાનું જણાવતી ચોંકાવનારી હસ્તલિખિત નોંધ પણ મળી આવી હતી. શેતાનને લખેલી નોટમાં આરોપીએ મેગા મિલિયન્સ સુપર જેકપોટ જીતવા માટે દર છ મહિનામાં છ મહિલાનું બલિદાન આપવાના ઇરાદાને વ્યક્ત કર્યો હતો. આરોપીએ કેટલીક લોટરી ટિકિટ્સ ખરીદી હતી અને તેના રુમમાંથી મળેલી નોંધમાં ત્રણ ટિકિટ વાળીને રખાયેલી હતી. હુસૈને આવી કોઈ નોટ લખ્યાનો કે શસ્ત્ર ધરાવવાનો ઈનકાર કર્યો છે. હત્યાની ટ્રાયલ ચાલી રહી છે.