લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સની કેથોલિક શાળાઓના એડમિશન ફોર્મ્સમાંથી માતા અને પિતાના ઉલ્લેખની કોલમ દૂર કરવામાં આવ્યા છે. સાઉથ-વેસ્ટ લંડનના વોન્ડ્સવર્થની હોલી ઘોસ્ટ રોમન કેથોલિક પ્રાઇમરી સ્કૂલને એડમિશન ફોર્મ્સમાંથી ‘મધર’ અને ‘ફાધર’નો ઉલ્લેખ હટાવવા આદેશ કરાયો છે.
એડમિશન ફોર્મમાં મધર અને ફાધર શબ્દોથી દત્તક લેવાયેલા કે સાવકા સ્ટુડન્ટ્સ અને સજાતીય વાલીઓના સંતાન હોય તેવા સ્ટુડન્ટ્સ સાથે ભેદભાવ થતો હોવાની સત્તાવાળાને ફરિયાદના પગલે આ નિર્ણય લેવાયો છે.
હોલી ઘોસ્ટ રોમન કેથોલિક પ્રાઇમરી સ્કૂલમાં હાલ સુધી એડમિશન ફોર્મ્સમાં ‘મધર/ગાર્ડિયન’ અને ‘ફાધર/ગાર્ડિયન’ વિગતો માગવામાં આવતી હતી. એક સ્થાનિક પેરન્ટે આ અંગે સ્કૂલ્સ એડજ્યુડિકેટરને એડમિશન ફોર્મ્સમાં મધર અને ફાધર શબ્દોથી દત્તક, સાવકા અને સજાતીય વાલીઓના સંતાનો સાથે ભેદભાવ થતો હોવાની ફરિયાદ કરી હતી. આના પગલે એડજ્યુડિકેટર પીટર ગોરિન્ગેએ ઓક્ટોબરના અંતે ચુકાદો આપ્યો હતો કે પેરન્ટ શબ્દની ગેરહાજરીમાં માતા અને પિતા શબ્દ સ્કૂલ તેની વ્યાખ્યા મર્યાદિત બનાવતી હોવાનો અર્થ ઉભો થાય છે.
બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સની એજન્સી ધ કેથોલિક એજ્યુકેશન સર્વિસ દ્વારા ઇંગ્લેન્ડ અને વેલ્સની તમામ ૨,૨૩૦ સ્કૂલોને એડમિશન ફોર્મ્સમાં મધર કે ફાધરના બદલે ‘ધ ફેમિલી’ શબ્દનો ઉપયોગ કરવા સલાહ આપી છે. સેંકડો શાળાઓએ માતા અને પિતાના સ્થાને ‘પેરન્ટ ૧’ અને ‘પેરન્ટ ૨’ અથવા ‘પેરન્ટ્સ’ ટાઈટલ મૂક્યું છે.