કેનેડાના ઓન્ટારિયો સહિત ઘણા પ્રાંતોમાં આ વર્ષે 17 ફેબ્રુઆરી 2025 સોમવારે ફેમિલી ડેની ઊજવણી કરવામાં આવી હતી. આ વર્ષનો વિષય જનરેશન્સ ગેપ્સના સેતુ બની રહેવા તથા એકસંપ અને શાંતિમય વિશ્વની રચના માટે વિવિધ કોમ્યુનિટીઓ વચ્ચે સંપર્ક ઉભાં કરવાનો હતો.
કેનેડામાં શિયાળો ઘણો લાંબો અને ઘણી વખત ભારે બરફવર્ષા સાથે કઠોર બની રહે છે. હાડ થીજાવતી અતિશય ઠંડી, સૂસવાટા મારતા પવનો સહિત ઠંડી આબોહવાના લીધે તાપમાન માઈનસ 40થી 50 જેટલું નીચે જાય છે. ઘણા લોકો લાંબા અને કઠોર શિયાળાના કારણે વિન્ટર બ્લુ- વિષાદનો શિકાર બને છે. પહેલી જાન્યુઆરીએ નવા વર્ષની સત્તાવાર રજા હોય છે અને ઈસ્ટર હોલીડેઝ છેક એપ્રિલ મહિનામાં આવે છે. આથી ઘણા પ્રાંતોએ તેમના કામકાજ કરનારા લોકોને શિયાળાના મધ્ય મહિના ફેબ્રુઆરીના ત્રીજા સોમવારને ફેમિલી ડે નામથી સત્તાવાર રજા આપવાનો નિર્ણય લીધો છે.
પરિવાર અને ઘરના મૂલ્યોને મહત્ત્વપૂર્ણ ગણાવતા આલ્બર્ટાના સ્થાપકોએ કામદારોને તેમના પરિવાર સાથે સમય વીતાવવાની તક મળે તે માટે ફેમિલી ડે રાખ્યો હતો. મોટા ભાગના પ્રાંતોમાં ફેબ્રુઆરી મહિનાના ત્રીજા સોમવારને પ્રાંતિય સત્તાવાર રજા રાખવામાં આવે છે. સમગ્ર કેનેડામાં આધુનિક ફેમિલી ડે રજા લોકપ્રિય બની રહી છે. આ રજા પ્રેસિડેન્ટ ડેની અમેરિકાની રજા સાથે સુસંગત રહે તેમ પસંદ કરાઈ છે. અમે વસવાટ કરીએ છીએ તે ઓન્ટારિયો પ્રાંતમાં પ્રીમિયર ડાલ્ટન મેક્ગ્વિન્ટીના વડપણ હેઠળની લેબર સરકારે 2008માં તેમની સરકાર પુનઃ સત્તા પર આવી ત્યારે ફેમિલી ડેની પ્રથા ચાલુ કરી હતી. તેમણે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ‘પરિવારો સાથે સમય વીતાવે તેનાથી મૂલ્યવાન કશું જ નથી. આમ છતાં, આપણામાંથી ઘણાં એટલું વ્યસ્ત જીવન જીવે છે કે તેમના માટે આ ઘણી મુશ્કેલ બાબત છે.’ પારિવારિક મૂલ્યોનો કેટલો સુંદર અને અર્થસભર વિચાર છે.
વર્તમાનમાં ઘણા પરિવારો અહંકાર, તુમાખીપણા, પારિવારિક સંયુક્ત મિલકતો, પારિવારિક જમીનો, બિઝનેસીસનાં કારણે અલગ પડી રહ્યા છે અને કેટલાક તો કાયદેસર તેમના હિસ્સાનું ન હોય તેના પર પણ યેનકેનપ્રકારેણ પોતાનો કબજો જમાવવાની માનસિકતા ધરાવે છે. ગ્રામ પંચાયત, મ્યુનિસિપલ લેન્ડ ટ્રાન્સફર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓની મદદથી બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવી લે છે. ઘણા NRIs આવા અનુભવોમાંથી પસાર થાય છે કારણકે તેઓ પરદેશમાં રહેતા હોય છે અને તેમના વતનના દેશમાં શું ચાલી રહ્યું છે તેની જાણ પણ તેમને હોતી નથી. આવી સમસ્યાઓના કારણે લોહીની સગાઈ ધરાવતા સગાંમાં પણ સમાધાન ન થઈ શકે તેવી તિરાડો પડે છે અને એકબીજા સાથે બોલવાનો વહેવાર અને કોઈ પ્રકારનો સંપર્ક પણ રહેતો નથી. પારિવારિક મૂલ્યો ફરી સધાય નહિ તેવા ખરાબે ચડી ગયા હોય છે.
તાજેતરમાં મારા દિવંગત ભત્રીજા મુકેશભાઈના પુત્ર જિનાગના લગ્ન ગુજરાતના વલ્લભ વિદ્યાનગર ખાતે થયા હતા. તેઓ મિત્રો સાથે નેધરલેન્ડ્સથી આવ્યા હતા. અમારા પરિવારનું સૌથી મોટું પુનર્મિલન થયું હતું. વિશ્વના અનેક વિસ્તારોમાંથી અમારા પરિવારના સભ્યો અને સગાંસંબંધીઓ લગ્નમાં આવ્યા હતા જેમની સાથે અમે પહેલી વખત મળ્યા હતા. અમે સાથે વીતાવેલો પારિવારિક સમય કદી ન ભૂલાય તેવો અવિસ્મરણીય બની રહેશે.
હવે 26 ફેબ્રુઆરી 2025ના દિવસે હિન્દુઓ માટે સૌથી પવિત્ર ‘મહા શિવરાત્રિ’ના દિવ્ય અને પવિત્ર તહેવાર નિમિતે અમે સહુને સુખી અને શાંતિપૂર્ણ જીવનની શુભેચ્છા પાઠવીએ છીએ. ઈશ્વર સહુનું કલ્યાણ કરે. તંદુરસ્ત અને સલામત રહો. તમારા પરિવારો સાથે શક્ય બને તેટલો મૂલ્યવાન અને સ્મરણીય સમય વીતાવો.
મારખમ, કેનેડા