ઓટાવાઃ કેનેડામાં ફરી એક વાર ખાલિસ્તાની સમર્થકોએ શનિવારે રાત્રે હિન્દુ મંદિરની તોડફોડ કરી છે. બે વ્યક્તિઓ ચહેરો ઢાંકીને આવ્યા હતા અને મંદિરમાં તોડફોડ કરીને મંદિરનાં દરવાજે અને દીવાલો પર ભારતવિરોધી સૂત્રો લખેલા પોસ્ટર્સ લગાવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ સરેમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિરને ટાર્ગેટ બનાવ્યું હતું. કેનેડામાં હિન્દુ મંદિરમાં તોડફોડની આ વર્ષમાં ચોથી ઘટના છે. ખાલિસ્તાનીઓએ મૃતક નેતા હરદીપસિંહ નિજ્જરનાં પોસ્ટર્સ પણ મંદિરની દીવાલો પર ચીપકાવ્યા હતા. વડા પ્રધાન મોદીએ 2015માં તેઓ કેનેડા ગયા ત્યારે આ મંદિરમાં પ્રાર્થના કરી હતી.
ભારતનો ઉગ્ર વિરોધ
ભારત સરકારે આ ઘટનાઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવીને હુમલાખોરો સામે પગલાંની માગણી કરી છે. કેનેડામાં ગયા મહિને ખાલિસ્તાનીઓએ ભારતનાં રાજદ્વારીઓને કિલર્સ ગણાવતા પોસ્ટર્સ લગાવ્યા હતા અને હુમલાની ધમકી આપી હતી. આ પછી ખાલિસ્તાનીઓ સામે પગલા લેવા ભારતે કેનેડા, યુએસ, યુકેને તાકીદ કરી હતી.