એડમંટનઃ કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોએ ફરી એક હિન્દુ ધર્મસ્થાનને નિશાન બનાવ્યું છે. એડન્ટનમાં બનેલી મંગળવારે બનેલી આ ઘટનામાં કટ્ટરવાદી ખાલિસ્તાની સમર્થકોએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરીને દિવાલો પર ભારતવિરોધી ચિતરામણ કર્યું હતું. વાનકુંવર સ્થિત ભારતીય કોન્સલ જનરલે ટ્વિટર પર એક નિવેદનમાં આ કૃત્યને આકરી શબ્દોમાં વખોડી કાઢતાં લખ્યું હતું કે એડમન્ટનમાં ફરી એક વખત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર ભારતવિરોધી સૂત્રો લખવાના કૃત્યને આકરા શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અમે કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને જવાબદારો સામે પગલાં લેવા અનુરોધ કર્યો છે.
કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યાએ પણ સ્વામિનારાયણ મંદિર પર ભારતવિરોધી સૂત્રો લખવાની ઘટના અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે ‘છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રેટર ટોરોન્ટો એરિયા, બ્રિટિશ કોલંબિયા સહિત કેનેડામાં અન્ય સ્થળોએ હિન્દુ ધર્મસ્થાનો પર ચિતરામણ કરીને નિશાન બનાવાયા છે.’
સાંસદ આર્યાએ પોતાની પોસ્ટમાં ખાલિસ્તાની કટ્ટરવાદીઓને આ દેશમાં મળેલા છૂટા દોર સામે પણ આંગળી ચીંધી છે. તેમણે કહ્યું હતું, ‘શીખ્સ ફોર જસ્ટિસના ગુરુપતવંત સિંહ પનુને ગયા વર્ષે જાહેરમાં હિન્દુઓને કેનેડા છોડી જવા ધમકાવ્યા હતું. ખાલિસ્તાન સમર્થકોએ બ્રેમ્પટન અને વાનકુંવરમાં વડાપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યાની ખુલ્લેઆમ ઉજવણી કરી હતી. આ બધું જોતાં હું એક વાર ફરીથી કહેવા માગું છું કે હિંદુ કેનેડિયન ખરેખર ચિંતિત છે. હું ફરીથી કેનેડાની કાયદાપાલક એજન્સીઓને કહેવા માગું છું કે ઉશ્કેરણીજનક નિવેદનો હિન્દુ કેનેડિયનો પરના હુમલામાં પરિણમે તે પહેલાં પગલાં લો.’
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે વિંડસરમાં એક હિંદુ મંદિરને ભારતવિરોધી સૂત્રો લખીને નુકસાન કરાયું હતું. તે સમયે પણ હિન્દુ સમુદાયે તેની આકરા શબ્દોમાં ટીકા કરીને કેનેડિયન અને ભારતીય સત્તાધિનો આ મામલે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.