સૌથી વધુ કિંમતી ગણાતી ધાતુ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે આપણા ભારતીય જ્વેલરોના શોરૂમ પર લૂંટારાઓએ આતંક મચાવી દિલધડક લૂંટ કર્યાના સમાચારો ચિંતાજનક જણાય છે. એક જમાનામાં વેમ્બલીનો ઇલીંગ રોડ આફ્રિકાથી આવેલા જ્વેલરોના શો રૂમ્સથી ઝળહળી ઊઠતો હતો ત્યાં આજે ગણ્યાગાંઠ્યા આપણા જ્વેલર્સ રહ્યા છે. પરંતુ આસમાન આંબતા સોનાના ભાવને લીધે ચોરી અને લૂંટફાટના બનાવો વધતા જાય છે. તાજેતરમાં એવી એક ખોફનાક ઘટના "કેન્યા જવેલર્સ" સાથે બનવા પામી છે
ઇલીંગ રોડ અને ચેપ્લીન રોડના કોર્નર ઉપર છેલ્લા ૪૨ વર્ષથી કેન્યા જ્વેલર્સ શો રૂમ આવ્યો છે ત્યાં ગયા રવિવારે (૧૪ નવેમ્બર)ની વહેલી પરોઢીયે ૩.૨૫ વાગ્યે સનસનાટીભરી લૂંટનો વિડિયો અને સમાચારો જાણી ભલભલા સ્તબ્ધ થઇ ગયા છે. અમને પણ સોમવારે આ વિડિયો દ્વારા સમાચાર સાંપડ્યા. વિડિયોમાં ચેપ્લીન રોડ પર થઇને આવેલી બે મોટરગાડીઓમાં સૌ પહેલાં એક ઔડી કાર કેન્યા જવેલર્સના ફૂટપાથ પર થઇને એની બાજુની શોપ બહાર પાર્ક કરી દેવાય છે ત્યારબાદ બ્લેક કલરની મોટી લેન્ડ રોવર કેન્યા જવેલર્સના દરવાજા તરફ રિવર્સ કરી થોડી ક્ષણ થોભે છે અને રોડ પરથી પસાર થતી ગાડીઓ જવા દે છે એ પછી તક જોઇને એ રોવર કારને તીવ્ર ગતિએ રિવર્સ કરી કેન્યા જવેલર્સની અંદર ઘુસાડી દેવાય છે. જવેલરના શો રૂમનું લોખંડનું શટર અને દરવાજા તોડી જેવી લેન્ડ રોવર અંદર ઘૂસી જાય છે ત્યાં જ ઔડી કાર અને લેન્ડ રોવરમાંથી ચાર-પાંચ કાળા હૂડવાળા કોટ પહેરેલા માણસો વારાફરતી કાળા ડસ્ટબીન જેવા પીપમાં જ્વેલરીના બોક્સ ભરી ભરીને ઔડી કારમાં લઇ જતા વિડિયોમાં જોઇ શકાય છે.
આ દિલધડક લૂંટને જોઇ અમે 'કેન્યા જ્વેલર્સ"ના ભાઇઓ અજીતભાઇ તથા કમલેશભાઇનો સંપર્ક કર્યો. મંગળવારે સવારે અજીતભાઇ મૂલજીએ "ગુજરાત સમાચાર"ના મેનેજીંગ એડિટરને આપેલી માહિતી મુજબ આ લૂંટારા ચોરેલી નંબર પ્લેટવાળી ઔડી અને લેન્ડ રોવર લઇને આવ્યા હતા. પૂર્વ તૈયારી સાથે આવેલા લૂંટારાઓએ શો રૂમ પર એટલા જોરથી લેન્ડ રોવર ભટકાવી હતી કે શટર સાથે બે દરવાજા સાથેનું શોપ ફ્રંટ ફ્રેમમાંથી જ કાઢી નાંખ્યું હતું. શો રૂમનું એલાર્મ તરત જ શરૂ થઇ ગયું હતું એટલે ત્વરિત ગતિએ ડસ્ટબીનો ભરીને જતા લૂંટારાઓને જોઇ ત્યાંથી પસાર થતી બસના ડ્રાઇવરે પણ આ દ્રશ્ય જોયું. એ વખતે વેમ્બલી હાઇરોડ પર ફોનની દુકાન ધરાવતા મનુભાઇ ઉપાધ્યાય એમના સ્વજનોને એરપોર્ટ પર મૂકવા જઇ રહ્યા હતા એમણે આ દ્રશ્ય જોઇ ત્યાં કાર થોભાવી તો લૂંટારાઓએ બૂમો પાડીને બન્ને હાથ હલાવી તેઓને ત્યાંથી જતા રહેવા જણાવ્યું હતું.”
અજીતભાઇએ વધુમાં જણાવ્યું કે, “દિવાળીનો સમય હતો એટલે રોજ જ્વેલરી ડિસ્પ્લે કરવાનો સમય બહુ જતો એટલે અમે બધી જ્વેલરી સેફમાં મૂકી ના હતી. આ કોઇએ જોઇને પ્રી પ્લાન લૂંટ કરી હોવી જોઇએ. અમારા શો રૂમનું એલાર્મ ઓન થાય ત્યાં થોડી સેકન્ડમાં જ શો રૂમમાં ગાઢ ફોગ જેવું વાતાવરણ સર્જાય એવું મશીન મેં ફીટ કર્યું છે. વિડિયોમાં એ ધૂમાડા જેવું જોઇ શકાય છે. એ ગાઢ ફોગી માહોલમાં લૂંટારા કશું જોઇ શકતા નહતા. કદાચ એ લોકોને થયું હશે કે આગ લાગી છે એમ સમજી તેઓ ત્રણ ખાલી ડસ્ટબીનો છોડી ઔડીમાં બેસીને ભાગી છૂટ્યા હતા. પરંતુ રાઇટ સાઇડે વોલ ઉપર અને નીચેના કાઉન્ટરોમાં ડિસ્પ્લે કરેલી બધી ગોલ્ડ જવેલરી ટ્રે સાથે જ ઉપાડી ગયા છે. આ બનાવની જાણ થતાં ત્રણ મિનિટમાં જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે, “લૂટારા અલ્પર્ટન થઇને 406 તરફ ભાગી છૂટ્યા હતા. છોડી ગયેલા ત્રણ ડસ્ટબીનમાં એક બીન હેઇઝથી ખરીધ્યું હતું.” અજીતભાઇએ કહ્યું કે, “૧૯૮૦થી આ જગ્યાએ અમારો આ શો રૂમ ચાલે છે પણ કયારે અમને આવો હતપ્રભ કરી દે તેવો અનુભવ થયો નથી. ૨૦૧૫માં પણ શો રૂમ પર લૂંટારાઓએ એટેક કર્યો હતો. ત્યારે હથોડા મારીને પહેલો દરવાજો તોડયો હતો પણ બીજો દરવાજો તોડી શક્યા નહતા. અત્યારે તો શો રૂમને તદન દ્વંશ કરી નાખ્યો હોવાથી પાટિયાં મારીને બંધ રખાયો છે. પોલીસ વધુ જાંચતપાસ કરી રહી છે. સાથે સાથે વેલ્યુએશન માટે લોસ એડજેસ્ટર સાથે અમારી મિટીંગ ચાલુ છે.”
સનાતન ધર્મપ્રેમી અજીતભાઇ મૂલજીએ "હરેકૃષ્ણ-વોટફોર્ડ મંદિર" ઝુંબેશની કમિટીમાં તંત્રીશ્રી સી.બી. પટેલ સાથે ખૂબ સહયોગ આપ્યો હતો એમ પણ જણાવ્યું.