લંડન, કેપ ટાઉનઃ બ્રિટિશ યુગાન્ડન દોડવીર ડેઓ કાટો રેસિઝમ વિશે જાગરૂકતા કેળવવાના મિશન સાથે સાઉથ આફ્રિકાના કેપ ટાઉનના ‘લોંગ માર્ચ ટુ ફ્રીડમ’ સ્મારકથી દોડતા દોડતા રવિવાર 22 ડિસેમ્બરે વેસ્ટ લંડનના હેમરસ્મિથ ખાતે આવી પહોંચ્યો ત્યારે સેંકડો સમર્થકોએ તેને વધાવી લીધો હતો. કાટોને કેપ ટાઉનથી 8,230 માઈલ્સ (13,245 કિલોમીટર)નું અંતર કાપી લંડન પહોંચવામાં 518 દિવસ લાગ્યા હતા. તેણે આ યાત્રામાં સહરા સહિતના રહણવિસ્તાર, યુદ્ધક્ષેત્રોમાંથી પસાર થવા, ગંભીર બીમારી, જેલમાં કેટલાક સપ્તાહ તેમજ યુરોપ પહોંચ્યા પછી રોજિંદા રેસિયલ એબ્યુઝનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તેણે કહ્યું હતું કે અન્ય અનુભવોથી માનવતામાં તેની શ્રદ્ધા પુનઃસ્થાપિત થઈ હતી. કેપ ટાઉનથી કાટોની દોડની શરૂઆત 24 જુલાઈ 2023થી થઈ હતી.
લંડનસ્થિત ડેઓ કાટોએ માનવ સ્થળાંતરના ઈતિહાસને દર્શાવવા તેમજ ઘણા બ્લેક આફ્રિકન્સને સહન કરવા પડતા ભેદભાવ સામે જાગૃતિ ઉભી કરવા આ મહાદોડનો વિચાર કર્યો હતો. જોકે, યુરોપ પહોંચ્યા પછી તેણે પોલીસ અને લોકો દ્વારા રોજિંદા ધોરણે રેસિઝમનો સામનો કરવો પડ્યો હતો. તેણે આ મહાદોડ દરમિયાન માઉન્ટ એવરેસ્ટની 11 વખત ઊંચાઈ થાય તેટલી ઊંચાઈ સર કરી હતી. રસ્તામાં બોટ્સવાનાના કાલાહરી હાઈવે તથા કેન્યામાં બાળકોએ પણ થોડો સમય દોડમાં તેને સાથ આપ્યો હતો.
તેણે 15 દેશોમાંથી પસાર થયેલી દોડના માર્ગમાં વિઝાની સમસ્યા સહિત ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. યુગાન્ડામાં જ તેને વાહનનો સપોર્ટ ગુમાવવો પડ્યો હતો અને દોડ માટેનું ભંડોળ પણ ખતમ થઈ ગયું હતું. તેના માર્ગોમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, સુદાન અને ઉત્તર ઈથિયોપિયા જેવા સંઘર્ષરત પ્રદેશો પણ આવ્યા હતા. સાઉથ સુદાનમાં પોલીસે તેની ધરપરકડ કરી હતી અને ત્રણ સપ્તાહ સુધી જેલમાં રાખ્યો હતો. ક્રોએશિયામાં તેની સાથે ગેરકાયદે માઈગ્રન્ટ જેવો વ્યવહાર કરાયો હતો.