લંડનઃ પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ તાજેતરમાં યુકેમાં પંજાબ સરકારની વૈશ્વિક પહેલ ‘કનેક્ટ વીથ યોર રૂટ્સ’નો પ્રારંભ કરાવવા માટે લંડનમાં હતા. તેનો ઉદેશ વિશ્વમાં રહેતા ૧૬થી ૨૨ વર્ષના મૂળ પંજાબી વિદ્યાર્થીઓને પોતાની પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડવાનો છે. તેમાં ક્યારેય ભારત ન ગયા હોય અને જેમને ભારતની મુલાકાત લેવાની અને પંજાબની યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા માગતા હોય તેમને સાંકળવામાં આવશે. કોંગ્રેસના સિનિયર નેતાઓએ પંજાબ મૂડીરોકાણ માટે આકર્ષક બની રહ્યું હોવાનું જણાવ્યું હતું. અમરિન્દરસિંહે જણાવ્યું હતું કે જેમને પંજાબમાં ઉદ્યોગ સ્થાપવો હોય તેમને માત્ર ચાર દિવસમાં સિંગલ વિન્ડો ક્લીયરન્સ અપાશે.
CYR હેઠળ રાજ્ય સરકાર ૧૫ વિદ્યાર્થીઓના ગ્રૂપ માટે દર બે મહિને પંજાબની ૧૫ દિવસની ટૂરનું આયોજન કરશે. ઉપસ્થિતોને પંજાબીમાં સંબોધતા તેમણે ઉમેર્યું હતું કે જે યુવાનોએ પંજાબ વિશે માત્ર વાતો જ સાંભળી છે અથવા ટીવી પર જ પંજાબ જોયું છે તેઓ પંજાબને જાણે જેને 'પંજાબીયત' કહીએ છીએ તેના વિશે તે જાણે તેવી ઈચ્છા છે. અમે તેમને આજના પંજાબ વિશે જાતે જ નિર્ણય લેવા અને તેમના સમકક્ષોની અપેક્ષાઓ પણ સમજે તેવું માગીએ છીએ.
તેના પહેલા તબક્કામાં કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન સંઘના સભ્ય દેશોને આવરી લેવાશે. શરૂઆતના છ મહિનાના પ્રથમ ત્રણ ગ્રૂપ યુકેના હશે. ભારત જવા-આવવાની ટિકિટનો ખર્ચ પસંદગી પામેલા વિદ્યાર્થી ભોગવશે અને બાકીનો ખર્ચ પંજાબ સરકાર કરશે. હાઈ કમિશનર વાય કે સિંહાના જણાવ્યા મુજબ ભારતીય હાઈ કમિશન બ્રિટિશ પંજાબી કોમ્યુનિટીમાં CYRની પ્રસિદ્ધિ કરશે અને જરૂર જણાય ત્યાં મદદ કરશે.
દરેક ગ્રૂપ માટે ટેલરમેડ આઈટનરી હશે અને તેમાં ગોલ્ડન ટેમ્પલ, જલિયાંવાલા બાગ અને વાઘા બોર્ડર સહિત પંજાબના ઐતિહાસિક સ્થળો તેમજ ગ્રૂપના વિદ્યાર્થીઓના વતન સહિત તેમણે સૂચવેલા સ્થળોની મુલાકાત કરાવવામાં આવશે.