લેસ્ટરઃ ૩૬ વર્ષીય ચાલાક કેર વર્કર નિશા સુધેરાએ ૧૦૧ વર્ષીય મહિલા સહિત વૃદ્ધ રહીશોના ઓળખપત્રો અને બેંક વિગતો ચોરી લઈને તેનાથી ૬,૭૦૦ પાઉન્ડની ઓનલાઈન ખરીદી કરી હતી. વડીલો, મૃત્યુ નજીક પહોંચેલા લોકો અને દિવ્યાંગોને આ ઠગ મહિલા પોતાનો શિકાર બનાવતી હતી. સુધેરાએ માર્ચ ૨૦૧૮થી ગત જાન્યુઆરી સુધીના ગાળામાં ૧૩ ફ્રોડ અને કોમ્પ્યુટર ટેબ્લેટની ચોરીના ગુના કબૂલ્યાં હતા. લેસ્ટર ક્રાઉન કોર્ટે તેને ૧૬ મહિનાની સસ્પેન્ડેડ જેલ અને ૧૦૦ કલાક વિના વેતન કામની સજા ફરમાવી હતી.
ગયા વર્ષે જાન્યુઆરીમાં તેના ક્યૂ ડ્રાઈવ, વિગ્સ્ટનના જૂના ઘરેથી તેની ધરપકડ કરાઈ હતી. ઓડબીના જેમી માર્કસ વેમાં રહેતી નિશાએ તમામ ગુનાની કબૂલાત કરવાં સાથે પોલીસને જણાવ્યું હતું કે તેણે આ ગુનો કરવાનું ચાલુ રાખ્યું હતું. જજ ઈબ્રાહિમ મુનીએ જણાવ્યું હતું કે તે બે બાળકોની સિંગલ માતા હોવાથી તેને તાત્કાલિક જેલમાં મોકલવામાં આવી નથી. નિશાએ જેમની બેન્કની વિગતો અને ઓળખો ચોરી હતી તેમને પત્ર લખી પોતાના ગુનાની માફી માગી હતી.
લેસ્ટર ક્રાઉન કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે નિશાએ તેમના ઘરોની મુલાકાત લઈને ૪૫થી ૧૦૧ વર્ષની વય વચ્ચેના ૧૩ પીડિતો સામે સુઆયોજીત ગુનો આચર્યો હતો. તેણે પોતાના બે સહકર્મીઓની બેંકિંગ વિગતો પણ ચોરી હતી. અન્ય લોકોના ૬,૭૦૦ પાઉન્ડ વાપર્યા પછી પણ તેણે વધુ લગભગ ૪,૦૦૦ પાઉન્ડ મેળવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તેણે એમેઝોન, આર્ગોસ અને કપડાંના સ્ટોર્સ તેમજ એક પરફ્યુમ વેબસાઈટ પરથી ખરીદી કરી હતી.
પ્રોસિક્યુટર એન્ડ્રયુ પીટે જણાવ્યું હતું કે ૨૦૧૮ના માર્ચથી ડિસેમ્બર વચ્ચે નિશાએ લેસ્ટરમાં હેલ્પ એટ હોમ માટે કોમ્યુનિટી કેરર તરીકે કામ કર્યું હતું. તેની કામગીરી મુખ્યત્વે સીધા જ વડીલોના ઘરે જઈને તેમની સંભાળ લેવાની હતી. આ વડીલો પૈકી કેટલાંક દિવ્યાંગ હતા. મોટાભાગના પીડિતો નિર્બળ, હલનચલન કરી ન શકે તેવા અથવા મૂંઝાયેલા હતા. કેટલાંક જીવનના અંત સમયની સંભાળ મેળવી રહ્યા હતા અને અત્યાર સુધીમાં જે કેટલાંક પીડિતોના મૃત્યુ થયા છે તેમાં સૌથી વૃદ્ધ ૧૦૧ વર્ષીય મહિલા હતાં.
હેલ્પ એટ હોમ છોડ્યા પછી નિશાએ તરત જ વિમેન્સ એઈડમાં આવી જ નોકરી મેળવી હતી. આ સંસ્થા ઘરેલુ હિંસાનો ભોગ બનેલી અતિ નિર્બળ મહિલાઓને સહાયનું કામ કરે છે. નિશાએ બે સહકર્મીઓના પર્સમાંથી ઓળખપત્રો અને બેંકિંગ વિગતોની ચોરી કરતાં ૨૧ જાન્યુઆરી,૨૦૧૯ના રોજ તેને વિમેન્સ એઈડમાંથી પણ કાઢી મૂકવામાં આવી હતી.