ચીનો હિલ્સ (કેલિફોર્નિયા)ઃ અમેરિકાના કેલિફોર્નિયામાં ચીનો હિલ્સ ખાતે હિન્દુ મંદિર પર કેટલાક અજાણ્યા લોકો દ્વારા હુમલો કરીને ભારે તોડફોડ કરવામાં આવી છે. હિન્દુ મંદિર પર હુમલો કરવાના કૃત્ય સામે ભારત દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. સાથે સાથે જ હુમલાખોરોને પકડીને તેમની સામે કડકમાં કડક પગલાં લેવા માંગણી કરવામાં આવી છે.
મંદિરની દીવાલો પર હિન્દુ સમુદાય અને મોદી વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે. હિન્દુ મંદિર પર હુમલો કરીને તેને અપવિત્ર કરવામાં આવતા હિન્દુઓ નારાજ થયા છે. આ હુમલો હિન્દુઓ વિરુદ્ધ વધતી જતી હિંસા દર્શાવે છે. અમેરિકાની પોલીસ હિન્દુ મંદિરોની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગઈ છે. આમ અમેરિકાની પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
BAPS પબ્લિક અફેર્સ દ્વારા એક્સ પર લખવામાં આવ્યું છે કે કેલિફોર્નિયામાં વધુ એક હિન્દુ મંદિરને અપવિત્ર કરાયું છે. હિન્દુ સમુદાય તેની સામે ફેલાવવામાં આવતી નફરતનો ઉગ્ર વિરોધ કરે છે.
ભારત સરકારની ઉગ્ર પ્રતિક્રિયા
મંદિર પર કરાયેલા હુમલાનો ભારત સરકાર દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે આ ઘૃણાસ્પદ કૃત્યની આકરી નિંદા કરી છે. અમેરિકાનાં કાયદા મંત્રાલય સમક્ષ આવું અઘટિત કૃત્ય કરવા માટે જવાબદાર લોકો સામે આકરાં પગલાં લેવા અને પૂજા સ્થળોની યોગ્ય સુરક્ષા કરવા માગણી કરાઈ છે.
ઊંડી તપાસની માગણી ઉત્તર અમેરિકામાં હિન્દુ ધર્મ માટે કામ કરનાર સંગઠન કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા એ પણ હિન્દુ મંદિર પરનાં હુમલાની ઊંડી તપાસ કરવાની માગણી કરી છે. ચીનો હિલ્સમાં બીએપીએસનાં મંદિરને ટાર્ગેટ બનાવાયું હોવા છતાં મીડિયા અને શિક્ષણવિદ્દો હજી એવું જ ગાણું ગાયા કરશે કે હિન્દુઓ વિરુદ્ધ કોઈ નફરત ફેલાવવામાં આવતી નથી.
અગાઉ પણ મંદિર પર હુમલા થયા હતા
અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલાની આ કોઈ પહેલી ઘટના નથી. સપ્ટેમ્બરમાં કેલિફોર્નિયાનાં સેક્રોમેન્ટો ખાતે BAPSનાં હિન્દુ મંદિરની તોડફોડ કરાઈ હતી. તે વખતે દીવાલો પર હિન્દુઓ વાપસ જાઓનાં નારા લગાવાયા હતા. થોડા મહિના પહેલા ન્યૂયોર્કનાં મેલવિલે ખાતે પણ હિન્દુ મંદિરને અપવિત્ર કરાયું હતું.
મંદિરની દીવાલ પર સૂત્રો લખાયાં
હુમલાખોરો દ્વારા મંદિરની દીવાલ પર હિન્દુઓ વિરોધી સુત્રો લખાયા હતા. ‘મોદી- હિન્દુસ્તાન મુર્દાબાદ’ એવા સૂત્રો લખાયા હતા. મોદી માટે અભદ્ર ભાષા લખવામાં આવી હતી. લોસ એન્જલસમાં જ્યારે ખાલિસ્તાન જનમત સંગ્રહનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે આ હુમલો કરાયો છે. 2022થી અત્યાર સુધીમાં અમેરિકાના જુદાજુદા રાજ્યોમાં 10 હિન્દુ મંદિરો પર હુમલા કરાયા છે.