લેસ્ટરઃ ગુજરાતના પ્રખ્યાત કવિ સ્વ. સુરેશ દલાલનું એટલું જ પ્રખ્યાત કાવ્ય ‘કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..!’ લેસ્ટરના ૯૧ વર્ષીય માઈકલ ઈંગ્લેન્ડ અને તેમના ૮૮ વર્ષીય પત્ની જિલિયન ઈંગ્લેન્ડને બરાબર લાગુ પડે છે. ૬૦ વર્ષથી વધુની લગ્નજીવન ગાળનારા દંપતીએ એક સાથે કોરોના વાઈરસને હરાવ્યો છે અને હોસ્પિટલમાં ત્રણ સપ્તાહ વીતાવ્યા પછી ઘેર રવાના થયા છે.
માઈકલ અને જિલિયન ઈંગ્લેન્ડને શુક્રવાર ૧૭ જુલાઈએ લેસ્ટર રોયલ ઈન્ફર્મરીમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ દંપતીએ હોસ્પિટલમાં કોરોના વાઈરસની ત્રણ સપ્તાહની સારવાર મેળવી હતી. આ ગાળામાં તેઓ એકબીજાને હિંમત આપતા રહ્યા અને ભોજન પણ સાથે લેતા હતા. તેઓ હોસ્પિટલમાં ચા પીતા ત્યારે પણ એકબીજાના હાથમાં હાથ પરોવી રાખતા હતા.
વોર્ડ સિસ્ટર લૌરા લોમાસે આ દંપતી વિશે કહ્યું હતું કે,‘મિ. ઈંગ્લેન્ડ સવારે થેરાપિસ્ટ ટીમ આવે તે પહેલા ઉઠી તૈયાર થઈ જતા અને પોતાની કસરતના સમયે પત્ની પાસેથી પસાર થવાની ચોકસાઈ રાખતા હતા. મિસિસ ઈંગ્લેન્ડ હંમેશાં પતિના સ્વાસ્થ્યની પૂછપરછ કરતાં અને મિ. ઈંગ્લેન્ડ આવે ત્યારે તેમની સાથે પથારીમાં બેસી હાથમાં હાથ રાખી ચા પીતાં હતાં.’ આ ઉપરાંત, હોસ્પિટલનો સ્ટાફ પણ બંને તેમનું ભોજન સાથે જ લે તેવી ચોકસાઈ રાખતો હતો.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા પછી માઈકલ ઈંગ્લેન્ડે જણાવ્યું હતું કે,‘હું સાજો થવા માગું છું જેથી સૌ પહેલા મારી પત્નીની દરકાર- સારસંભાળ રાખી શકું. હું હોસ્પિટલમાં હતો ત્યારે મને કશાંની ખોટ જણાઈ ન હતી કારણકે જિલિયન પાસે હતી અને હું તેને રોજ મળી શકતો હતો. બંનેને એક જ દિવસે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા તે પણ મહત્ત્વનું છે કારણકે અમે સાથે જ રિકવરીની યાત્રા કરી હતી.’ લેસ્ટરના દંપતી સાથે રહી શકે અને એક જ વોર્ડમાં સારવાર મેળવે તે માટે હેલ્થ વર્કર્સે ખાસ કાળજી લીધી હતી. આ બદલ મિ. ઈંગ્લેન્ડે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઈંગ્લેન્ડ દંપતીના એક પુત્ર રસેલના જણાવ્યા અનુસાર તેના પિતા માઈકલની હાલત ઉંમરના કારણે વધુ ખરાબ હતી. એક સમયે તેઓ માત્ર ૪૮ કલાક જીવી શકશે તેમ પણ કહી દેવાયું હતું. તેમણે ત્રણ પુત્રને ‘ગુડબાય’ પણ કહી દીધું હતું પરંતુ, માન્યામાં ન આવે તે રીતે તેમની તબિયત સુધરવા લાગી હતી. માતાપિતાને લેવા હોસ્પિટલ આવેલા એક પુત્રે દંપતીની સંભાળ લેનારા સ્ટાફ મેમ્બર્સને ગિફ્ટ્સ પણ ઓફર કરી હતી.