લંડનઃબ્રિટન દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સૌથી મોટા સંકટ કોરોના વાઇરસ સામે લડી રહ્યું છે ત્યારે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં રહેવા માટેની અપીલ કરે છે. હાલમાં જ તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર સૌ કોઈના દિલ જીતી લે તેવી ૭ વર્ષની છોકરીની પોસ્ટ કરી છે. કોરોનાને લીધે બર્થડે પાર્ટી રદ કરનારી હેમ્પશાયરની બાળા જોસેફાઈન બૂથને અંગત પત્ર લખી વડા પ્રધાને આભાર માન્યો હતો. વડા પ્રધાનનો અંગત પત્ર મળતા જોસેફાઈન અને તેની ૩૪ વર્ષની માતા ફિલિપા બૂથ આનંદથી સ્તબ્ધ થઈ ગયાં હતાં.
જોસેફાઈને ઘેર રહેવાની વડા પ્રધાનની સલાહ સાંભળ્યા પછી તેમને પત્ર લખ્યો હતો. તેણે પત્રમાં સ્વહસ્તે લખી જણાવ્યું હતું ,‘ ડીઅર પ્રાઈમ મિનિસ્ટર, મેં તમને જણાવવા લેટર લખ્યો છે કે, આજે મારો જન્મદિવસ છે. તમે બધા લોકોને ઘરે રહેવા માટે કહ્યું છે એટલે હું પણ ઘરે જ છું. કદાચ આ જ કારણથી મારા મમ્મી-ડેડીએ મારી બર્થડે પાર્ટી પણ કેન્સલ કરી દીધી છે. મને પાર્ટી કેન્સલ થવાનો કોઈ અફસોસ નથી, કારણકે દરેક લોકો સ્વસ્થ રહે તેમ હું ઈરછું છું. શું તમે સમયાંતરે હાથ વોશ કરો છો? લોટસ ઓફ લવ ફ્રોમ-જોસેફાઈન.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પ્રાઈમરી સ્કૂલમાં અભ્યાસ કરતી ૭ વર્ષની આ નાનકડી બાળાને જોસેફાઈનની ચિંતા જોઈ ૧૨૫ શબ્દોમાં પ્રત્યુત્તર પણ પાઠવ્યો હતો. જ્હોન્સને ઉત્તરમાં લખ્યું હતું કે, ‘હું ખુશ છું કે તમે પરિવાર સાથે ઘરે જ છો, પરંતુ તમારી બર્થડે પાર્ટી કેન્સલ થવા બદલ દિલગીર પણ છું. તમે અન્ય માટે એક મહાન ઉદાહરણ બનાવ્યું છે. એક વખત કોરોના વાઇરસનો ખતરો જતો રહે તે પછી તમે ચોક્કસથી ફ્રેન્ડસ સાથે પાર્ટી કરી શકશો. હું દર ૨૦ સેકન્ડે સાબુ અને પાણીથી મારા હાથ વોશ કરું છું.’
વડા પ્રધાને આ પત્ર હેશટેગ #BelikeJosephine and #StayHomeSaveLives કરીને શેર કર્યો છે. લોકો પણ સાત વર્ષની જોસેફાઈનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.