લંડનઃ બ્રિટનના સૌથી વરિષ્ઠ જજ લોર્ડ ન્યુબર્ગરે મહિલાઓને કોર્ટ્સમાં બુરખા પહેરવાની પરવાનગી નહિ આપવા જણાવ્યું છે. પુરાવાને પડકારાયો હોય કે સાક્ષી તરીકે વિશ્વસનીયતાનો પ્રશ્ન હોય ત્યારે સાક્ષીઓને ચહેરો ઢાંકવા દેવાય નહિ તેમ લોર્ડે ન્યુબર્ગરે એક અખબારી મુલાકાતમાં કહ્યું હતું. તેમણે શરીઆ કાયદાની સમીક્ષા મુદ્દે હોમ સેક્રેટરી થેરેસા મેને જાહેર સમર્થન આપ્યું હતું.
લોર્ડે ન્યુબર્ગરે સ્પષ્ટતા કરી હતી કે તેમણે ભૂતકાળમાં કોર્ટમાં સ્ત્રીઓને બુરખા પહેરવા અંગે ટેકો આપ્યો ત્યારે તેમના માટે ગેરસમજ કરાઈ હતી. બુરખો પહેરવા વિશે ન્યાયિક નીતિનો નિર્ણય દરેક કેસ અનુસાર અલગ રહે છે. ઘણા કેસમાં જજ સ્ત્રીઓને બુરખો પહેરવાની પરવાનગી આપે છે કારણકે તેની જુબાની સામે કોઈ પડકાર હોતો નથી અને તેનાથી જ્યુરીના મત પર કોઈ અસર ઉભી થતી નથી.
એજ્યુકેશન સેક્રેટરી નિકી મોર્ગને અગાઉ એવી દલીલ કરી હતી કે શિક્ષણ આપવામાં વ્યક્તિનો ચહેરો દેખી શકાય તેનું પણ મહત્ત્વ હોય છે. આના પગલે લોર્ડ ન્યુબર્ગરે કોર્ટમાં સાક્ષીનો ચહેરો જોવા મુદ્દે આ ટીપ્પણી કરી હતી.