લંડનઃ બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ કરનાર ડ્રાઈવર કૈલાશ ચંદર વિશે વારંવાર અપાયેલી ચેતવણીની અવગણના કરવા બદલ બસ કંપની મીડલેન્ડ રેડ (સાઉથ) લિમિટેડને ૨.૩ મિલિયન પાઉન્ડનો દંડ કરવામાં આવ્યો હતો. બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં બે દિવસ ચાલેલી સુનાવણી બાદ જજ પૌલ ફેરરે મીડલેન્ડ રેડ (સાઉથ) લિમિટેડ તેમજ કૈલાશ ચંદરને સજા કરી હતી. ચંદર સામે બે વર્ષનો મેડિકલ સુપરવિઝનનો ઓર્ડર થયો હતો.
૨૦૧૫માં આ ડ્રાઈવરે કોવેન્ટ્રીમાં બેદરકારીપૂર્વક બસ હંકારીને સેન્સબરી સ્ટોર્સમાં ઘૂસાડી દીધી હતી. આ અકસ્માતમાં સાત વર્ષના રોવાન ફિટ્ઝેરાલ્ડ અને ૭૬ વર્ષીય ડોરા હેનકોક્સનું મૃત્યુ થયું હતું. કંપનીએ હેલ્થ અને સેફ્ટીના નિયમોનો ભંગ થયો હોવાનું કબૂલ્યું હતું. ફેક્ટ ફાઈન્ડિંગ ટ્રાયલમાં જણાયું હતું કે ચંદર ભૂલથી બ્રેકને એક્સીલેટર સમજી લેતા આ દુર્ઘટના થઈ હતી.
ત્રણ વર્ષમાં ચાર અકસ્માત કરવા બદલ તેમને કંપનીએ ચેતવણી પણ આપી હતી. ડિમેન્શિયાથી પીડાતા લેમિંગ્ટન સ્પાના ભૂતપૂર્વ મેયર ૮૦ વર્ષીય કૈલાશ ચંદર ટ્રાયલમાં ઉભા રહી શકે તેવી સ્થિતિમાં ન હતા. સ્ટેજકોચ ગ્રૂપની આ બસ કંપનીએ ચંદરને એક અઠવાડિયામાં ૭૦ કલાકથી વધુ કામ કરાવતી હોવાનું કબૂલ્યું હતું.