લંડનઃ ક્રિશ કુમાર સુરેશચંદ્ર રાવલ OBEનો હાઉસ ઓફ લોર્ડ્સમાં બર્ટફોર્ટશાયરની કાઉન્ટીમાં બેરોન રાવલ ઓફ હર્ટ્સમીઅર તરીકે સત્તાવાર પરિચય કરાવાયો તે ક્ષણ ભારે ગૌરવપૂર્ણ બની રહી હતી. ઐતિહાસિક સમારંભનો આરંભ વિધિવત્ અને ઔપચારિક રીતે સત્તાવાર ઘોષણા સાથે કરવામાં આવ્યો હતો જેના થકી બેરોન રાવલના આજીવન ઉમરાવ સ્વરૂપે નવા દરજ્જાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ ઘોષણામાં બ્રિટનની પાર્લામેન્ટરી અને પબ્લિક એસેમ્બલીઝના સભ્ય તરીકે તેમના અધિકારો, જવાબદારીઓ અને વિશોષાધિકારો પર ભાર મૂકાયો હતો.
આ ઘોષણા કરાયા પછી લોર્ડ રાવલે નિષ્ઠાના શપથ લીધા હતા તેમજ કિંગ ચાર્લ્સ તૃતીય, તેમના વારસદારો અને અનુગામીઓ પ્રત્યે વફાદારીનો સંકલ્પ ઉચ્ચાર્યો હતો. ભગવદ્ ગીતા પર શપથ લેનારા લોર્ડ રાવલની આજીવન ઉમરાવપદ તરીકે ઉન્નતિ કોર્પોરેટ સેક્ટરમાં નેતૃત્વ વિકાસમાં તેમના અભૂતપૂર્વ યોગદાન તેમજ સામુદાયિક સંવાદિતાને પ્રોત્સાહન આપવાના અવિરત પ્રયાસોની લિખિત ઘોષણા છે. લાઈફ પીઅરેજ એક્ટ ઓફ 1958 હેઠળની તેમની આ નિયુક્તિ એકતા અને સામાજિક પ્રગતિને આગળ વધારવાની નિષ્ઠાની કદર કરવા સાથે તેમને હાઉસ ઓફ લોર્ડ્સમાં બેઠક આપે છે.
ફેઈથ ઈન લીડરશિપના ડાયરેક્ટર, લેબર ઈન્ડિયન્સના અધ્યક્ષ તેમજ કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે ચર્ચિલ લીડરશિપ ફેલોઝના પૂર્વ ડાયરેક્ટર લોર્ડ રાવલનો વિધિવત્ સમારંભમાં પરિચય જ્યુઈશ અને મુસ્લિમ ઉમરાવો, લોર્ડ મેન્ડેલસોહ્ન ઓફ ફિન્ચલી અને મિનિસ્ટર ઓફ ફેઈથ લોર્ડ ખાન ઓફ બર્નલી દ્વારા કરાવાયો હતો જે બ્રિટનની વૈવિધ્યપૂર્ણ કોમ્યુનિટીઓના નેતાઓ વચ્ચે ગાઢ સંપર્ક અને સહભાગી મૂલ્યોનું શક્તિશાળી સૂચક છે.
માતાપિતાને આદરાંજલિ અને વિનમ્ર પ્રારંભ
લોર્ડ રાવલના પરિવાર માટે આ પ્રસંગ ભારે લાગણીસભર બની રહ્યો હતો. તેમના પેરન્ટ્સ સુરેશભાઈ અને પદ્માબહેન રાવલે તેમના પુત્રે બ્રિટનના લોમેકર્સ વચ્ચે સ્થાન સંભાળ્યું તે ક્ષણને ગર્વપૂર્વક નિહાળી હતી જે બલિદાન, નિર્ણાયકતા અને સેવાના દાયકાઓનું પ્રતીક બની રહી હતી. તેમની પેઢીના ઘણા ઈમિગ્રન્ટ્સની માફક તેઓ પણ 1970ના દાયકામાં તેમની સાથે મૂડી, મક્કમ નિર્ધાર, આસ્થા અને મજબૂત કાર્ય નીતિમત્તા સાથે યુકે આવ્યા હતા
લોર્ડ રાવલે તેમના સંઘર્ષોને હૃદયપૂર્વકની આદરાંજલિ અર્પવા સાથે તેમના પેરન્ટ્સે 30 કરતાં વધુ વર્ષ ડ્રાય ક્લીનિંગ બિઝનેસ ચલાવ્યો હોવાનું યાદ કર્યું હતું. દિવસોના દિવસો, તેઓ 10 કલાકની શિફ્ટ્સમાં કામ કરતા, લાંબી અવરજવર સહન કરતા અને તેમ છતાં, તેમની માતા પરિવાર માટે દરરોજ તાજું ગુજરાતી ભોજન તૈયાર કરતાં હતાં. લોર્ડ રાવલે કહ્યું હતું કે,‘ આ પ્રકારના બલિદાનો રાષ્ટ્રનું નિર્માણ કરે છે.’ સેવા, આસ્થા અને અટલ દૃઢતાના તેમના મૂલ્યોએ તેમની યાત્રાનું ઘડતર કર્યું હતું અને આખરે આ ઐતિહાસિક ક્ષણ તરફ તેમને દોરી ગયાં હતાં.
સમારંભમાં ઉપસ્થિત તેમના નિકટના કઝીન નવીન જસવંત ઠાકરે જણાવ્યું હતું કે,‘ક્રિશ કુમાર સુરેશચંદ્ર રાવલ OBEનો બેરોન રાવલ ઓફ હર્ટ્સમીઅર તરીકે સત્તાવાર પરિચય કરાવાયો અને હાઉસ ઓફ લોર્ડ્સમાં ભગવદ્ ગીતા પર શપથ લેતા તેમને નિહાળવાની ક્ષણ અમારા પરિવાર માટે ગર્વની પળ હતી. તેમની માતા લાગણીથી એટલાં ગદ્ગદ્ થઈ ગયાં હતાં કે આનંદના આંસુ પણ રોકી શક્યાં ન હતાં.’
લીડરશિપ એજ્યુકેશન અને સામુદાયિક સુમેળનો ઉત્સવ
આ ટુંકા અને હૃદયસ્પર્શી સમારંભમાં પરિવારજનો, મહાનુભાવો તેમજ પાર્લામેન્ટના બંને ગૃહના સભ્યો આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા એકત્ર થયા હતા. ઉપસ્થિતોમાં લોર્ડ રાવલના બાળપણના મિત્ર તેમજ તેમના ગુરુદેવ અને વિશ્વભરમાં 100થી 150 મિલિયન અનુયાયીઓ ધરાવતી આધ્યાત્મિક કોમ્યુનિટી ગાયત્રી પરિવાર મૂવમેન્ટના સ્થાપક પંડિત શ્રીરામ શર્મા આચાર્યના ગ્રાન્ડસન ડો. ચિન્મય પંડ્યાનો સમાવેશ થયો હતો. લોર્ડ રાવલે તેમનામાં લોકોની સમાવેશિતા, સેવા અને નોન-જજમેન્ટાલિઝમના મૂલ્યો સ્થાપિત કરવાનો યશ પંડિત શ્રીરામ શર્મા આચાર્યના ઉપદેશોને આપ્યો હતો. લોર્ડ રાવલે બે નાના સંતાનો લક્ષ્મી અને સીતાની જવાબદારી નિભાવવાની સાથોસાથ તેમની સમગ્ર યાત્રામાં શક્તિસ્તંભ બની રહેવામાં પત્ની ડો. ધ લેડી લ્યૂસી રાવલના સપોર્ટને બિરદાવ્યો હતો.
સમારંભ પછી, જાણીતા ઈન્વેસ્ટર અને ફીલાન્થ્રોપિસ્ટલોર્ડ મેન્ડેલસોહ્ન ઓફ ફિન્ચલીએ લોર્ડ રાવલના માનમાં ટી પાર્ટીની યજમાની કરી હતી જેમાં બિઝનેસ, ફેઈથ અને પોલિટિક્સના વગશાળી મહાનુભાવોએ હાજરી આપી હતી. ઈવેન્ટમાં લોર્ડ ચીફ વ્હીપ લોર્ડ રોય કેનેડી, સાંસદો કનિષ્ક નારાયણ અને જીવન સાંધેર સહિત બંને પાર્લામેન્ટ હાઉસીસના વિવિધ સભ્યોએ લોર્ડ રાવલને મુબારકબાદી આપી નવી ભૂમિકામાં આવકાર્યા હતા.
ભવિષ્યના વિઝનની રૂપરેખા
લોર્ડ રાવલે કેમ્બ્રિજમાં તેમના મેન્ટર પ્રોફેસર ડેવિડ ફોર્ડ, તેમની ફેઈથ ઈન લીડરશિપની ટીમ અને 10, ડાઉનિંગ સ્ટ્રીટમાં તેમના સમર્થકો સહિત તેમની યાત્રામાં સાથ-સહકાર આપનારા સહુ કોઈનો આભાર માન્યો હતો. તેમણે નવી પાર્લામેન્ટરી ટીમને આવકારી તેમના મિત્ર અને સાથી બની રહી વિશ્વાસ હાંસલ કરવાની ખાતરી ઉચ્ચારી હતી. લીડરશિપ એજ્યુકેશન અને કોમ્યુનિટી સંવાદિતામાં અનુભવની સંપત્તિ તેમજ ભારત સાથે દ્વિપક્ષી સંબંધો ગાઢ બનાવવાના ભારે રસ સાથે લોર્ડ રાવલ હાઉસ ઓફ લોર્ડ્સમાં અનોખું અને મહત્ત્વનું પરિમાણ લાવશે તેવી અપેક્ષા છે.
તેમણે પોતાની કલ્પનાદૃષ્ટિની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે,‘ મારો નિર્ધાર સહુ માટે કામ કરવાનો અને આપણે ભારતીયો હંમેશાં કરવા તત્પર રહીએ છીએ તેમ તમામ કોમ્યુનિટીઓની સેવા અને ચોકસાઈ સાથે તેમના હિતોનું સંતુલિત પ્રતિનિધિત્વ કરવાનો છે. હું એવી ખાતરી આપવા પણ ઈચ્છું છું કે હું બોટલનેક નહિ પરંતુ, આપણા ડાયસ્પોરા અને અન્ય કોમ્યુનિટીઓના પ્રતિનિધિત્વ કરવા સાથે સેતુ બની રહીશ. હું જ્યારે દરેકનું પ્રતિનિધિત્વ કરું છું ત્યારે ભારતીય કોમ્યુનિટીની મારી જાગરૂકતાનો અર્થ એ છે કે મારી જવાબદારી અન્યો સાથે મળીને કામ કરવાની છે જેથી તેમની બહુમૂલ્ય પ્રતિભા પાછળ રહી ના જાય.’