લંડનઃ ક્રિસમસના તહેવારમાં લોકો ઉજવણીમાં મસ્ત હોય છે ત્યારે ચોરીનું પ્રમાણ વધી જાય છે. મેટ્રોપોલીટન પોલીસે આ ગાળામાં ચોરીથી પોતાના ઘરનું રક્ષણ કરવા લોકોને સલાહ આપી છે. ગત વર્ષે લંડનમાં ક્રિસમસની પૂર્વ સંધ્યાએ ૧૮૯ ચોરી થઈ હતી. ઘરમાં ચોરી ન થાય તે માટે પોલીસે લોકોને બારીમાંથી જોઈ શકાય તે રીતે ઘરેણા અને મૂલ્યવાન ચીજવસ્તુઓ ન રાખવા તથા તમારા ઘરમાં કોઈ રહે છે તેનો ભ્રમ સર્જવા ટાઈમરથી લાઈટ અથવા ટેલિવિઝન ચાલુ-બંધ થાય તેમ કરવાની સલાહ આપી છે.
તમે શિયાળાની રજાઓમાં બહારગામ જવાના છો કે હાલ બહાર છો તેવું પોસ્ટિંગ સોશિયલ મીડિયા પર કરશો નહિ. ક્રિસમસ પછી બોક્સીસ અને કચરાનો નિકાલ કોઈની નજરમાં આવે તે રીતે કરવો ન જોઈએ, જેથી તમારા ઘરમાં મૂલ્યવાન વસ્તુઓ છે તેની જાણ ન થાય. છેલ્લે, ઘરની બહાર આવેલ વ્યક્તિની ઓળખ અંગે પૂરતો સંતોષ ન થાય ત્યાં સુધી પ્રવેશદ્વાર ખોલશો નહિ.