લંડનઃ કેન્ટના રહીશ અને ૫૨ વર્ષીય ખાલિદ મસુદે લંડનમાં હુમલો કર્યો તેના એક સપ્તાહ અગાઉ જ તેના પરિવારને આખરી ફોન દ્વારા પોતાના મૃત્યુની જાણ કરી હોવાનું મનાય છે. તેણે પરિવારજનોને જણાવ્યું હતું,‘ તમે ટૂંક સમયમાં જ મારા મૃત્યુના સમાચાર સાંભળશો. પરંતુ, ચિંતા કરશો નહિ. ખુશ થજો કારણકે હું વધુ સારી જગ્યાએ એટલે કે જન્નતમાં હોઈશ.’
હુમલાના દિવસે તેણે ફોન પર કરેલી વાતચીત પોલીસ માટે તપાસનો મુખ્ય વિષય રહેશે. તેણે પરિવારને જણાવ્યું હતું, ‘ હું મારે ખાતર તમને ખુશ જોવા માગું છું, તમે દુઃખી થાવ તેવું હું ઈચ્છતો નથી. મસુદે પરિવારજનોને ફોન પરની વાતચીત ખાનગી રાખવા જણાવ્યું હોવાનું મનાય છે. બર્મિંગહામમાં રહેતા મસુદને પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર પાસે આર્મ્ડ પોલીસ ઓફિસરે ઠાર માર્યો હતો. ડિટેક્ટિવોએ જણાવ્યું હતું કે તે ઘણાં નામનો ઉપયોગ કરતો હતો. બાળપણનું તેનું નામ એડ્રિયન રસેલ એજાઓ હતું.
મેટ પોલીસે જણાવ્યું હતું કે તે જેલમાં હતો ત્યારે ઉદ્દામવાદી બન્યો ન હતો અને આંતકી સંગઠન આઈ એસ સાથે તેને કોઈ સંબંધ ન હતો. મસુદે પાર્લામેન્ટ બહાર પોલીસ ઓફિસર કિથ પાલ્મર પર છૂરાથી હુમલો કર્યા અગાઉ વેસ્ટમિન્સ્ટર બ્રીજ પાસે પૂરઝડપે કારની અડફેટે પાંચ લોકોનું મોત નીપજાવ્યું હતું અને સંખ્યાબંધ લોકોને ઈજા પહોંચાડી હતી.