ખેડૂત-સર્જક-સમાજસેવકઃ અશોકપુરી ગોસ્વામી

આપણા અતિથિ

Saturday 17th August 2024 07:02 EDT
 
 

ગુજરાતની વિદ્યાનગરી વલ્લભ વિદ્યાનગરમાં વસતા શ્રી અશોકપુરી ગોસ્વામી ગુજરાતી સાહિત્યવિશ્વમાં નવલકથાકાર, વાર્તાકાર, કવિ તરીકે મોખરાનું નામ ધરાવે છે. સાદગીથી શોભતા આ લેખક પર સરસ્વતી માતાની અસીમ કૃપા છે એમ કહી શકાય. પ્રતિષ્ઠિત ભારતીય સાહિત્ય અકાદમી પારિતોષિકથી સન્માનિત તેમની નવલકથા ‘કૂવો’નો લગભગ બધી જ ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે. ખેડૂત - સાહિત્યસર્જક અને સમાજસેવક આગવી નામના ધરાવતા અશોકભાઇનો જન્મ 17 ઓગસ્ટ 1947ના રોજ આણંદ જિલ્લાના બોરસદ ખાતે કૈલાસભારતીજી અને કમળાબહેનને ઘેર થયો હતો. તેમનું વતન પેટલાદ નજીકનું અશી ગામ. આણંદના નાવલી ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. નબળી આર્થિક સ્થિતિને કારણે બીએસસીનો અભ્યાસ અધૂરો છોડ્યો અને ગામમાં ખેતી શરૂ કરી.
એસએસસીમાં અભ્યાસ કરતી વેળા તેમણે પ્રથમ કવિતાના સર્જન સાથે તેમના લેખનયાત્રા શરૂ થઇ તે આજ સુધી અવિરત ચાલે છે. તેમની ગઝલો પ્રથમ ‘કવિલોક’માં પ્રકાશિત થઈ હતી, અને ત્યાર પછી ‘કુમાર’, ‘શબ્દસૃષ્ટિ’, ‘નવનીત સમર્પણ’ સહિત અનેક ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં તેમની રચનાઓ પ્રકાશિત થઈ હતી.
‘અર્થાત્’ (1990) અને ‘કલિંગ’ (2005) એ તેમના ગઝલસંગ્રહ છે. ‘મૂળ’ નામની તેમની પ્રથમ નવલકથા 1990 માં પ્રકાશિત થઈ હતી, ત્યારબાદ ‘કૂવો’ (1994), ‘નિંભાડો’ (1995), ‘વેધ’ (1999), ‘અમે’ (2015) અને ‘ગજરા’ પ્રકાશિત થઈ . ‘રવરવાટ’ (1994) તેમણે ગામડાગામમાં માણેલા જીવનનું આત્મકથન રજૂ કરે છે. તેમણે ‘વિણેલા મોતી’ (1995) નામે વાર્તાસંગ્રહનું સંપાદન કર્યું છે. બિન-નિવાસી ભારતીયો માટે પ્રકાશિત સાહિત્યિક સામયિક ‘સેતુ’ (2004) અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલા અધિવેશન પ્રસંગે ચરોતર વિદ્યા મંડળ દ્વારા પ્રકાશિત ‘રૂપ લબ્ધી’ (2005)નું પણ સંપાદન કર્યું. અશોકભાઇને તેમની નવલકથા ‘કૂવો’ (1994) માટે ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત થયો છે તો 1995માં ગોવર્ધનરામ ત્રિપાઠી એવોર્ડ અને 1996માં તેમની નવલકથા ‘નિંભાડો’ (1995) માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ પુસ્તકનો પુરસ્કાર અપાયો હતો. આ સિવાય પણ અનેક પારિતોષિક-પુરસ્કારથી સન્માનિત શ્રી અશોકભાઇ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય આયોજનોમાં ભાગ લઇ ચૂક્યા છે.
હાલ બ્રિટનના પ્રવાસે આવેલા શ્રી અશોકપુરી ગોસ્વામીને આવકારતા ગુજરાત સમાચાર અત્યંત આનંદ અનુભવે છે.
સાહિત્યરસિકો-લેખકો વધુ વિગત માટે શ્રી અશોકપુરી ગોસ્વામીનો ફોન નં. +44 7777 644367 અથવા ઇમેઇલઃ [email protected] પર સંપર્ક સાધી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter