રોમઃ ઇતિહાસના પ્રથમ લેટિન અમેરિકન પોન્ટિફ અને ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું ઇસ્ટર મન્ડેના પવિત્ર દિવસે નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા. પોપ ફ્રાન્સિસે વેટિકનના કાસા સાંત માર્ટા ખાતે સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર ફેલાતાં જ દુનિયાભરમાં વસતા કેથોલિક સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોપ ફ્રાન્સિસ લાંબા સમયથી બીમાર હતા. ઈસ્ટર પ્રસંગે લાંબા સમયે તેઓ લોકો સમક્ષ આવ્યા હતા. પોપ ફ્રાન્સિસ જેસુઈટ ઓર્ડરના પ્રથમ પોપ હતા. આઠમી સદી પછી યુરોપ બહારના પ્રદેશના હોય તેવા તેઓ પ્રથમ પોપ હતા. આર્જેન્ટિનાના બ્યુનોસ એર્સ ખાતે તેમનો જન્મ થયો હતો.
પોપ ફ્રાન્સિસને 1969માં કેથલિક પાદરી તરીકે નિમણૂક મળી હતી. 28 ફેબ્રુઆરી 2013ના રોજ પોપ બેનેડિક્ટ 16એ રાજીનામું આપ્યા બાદ પોપ સંમેલને કાર્ડિનલ બર્ગોગ્લિયોની તેમના ઉત્તરાધિકારી તરીકે વરણી કરી હતી. તેમણે 12 વર્ષ સુધી કેથલિક ચર્ચના વડાનું પદ સંભાળ્યું હતું. પોપ ફ્રાન્સિસનું નિધન થતાં 14 દિવસનો શોક પળાશે. આ પછી કાર્ડિનલ મસીહના નવા વિકરની પસંદગી માટે સંમેલન મળશે.
પરંપરા મુજબ 80 વર્ષથી નાની વયના 138 કાર્ડિનલ્સનું સંમેલન પોપ ફ્રાન્સિસના અનુગામીની પસંદગી કરશે. તેમાં 4 ભારતીય કાર્ડિનલ્સ જ્યોર્જ જેકોબ કુવકાડ, એન્થની પુલા, ક્લિમીસ બેઝેલિઓસ તેમ જ ફિલિપ નેરી ફરેરોનો સમાવેશ થાય છે. ભારતમાં કુલ 6 કાર્ડિનલ્સ છે, પરંતુ બે કાર્ડિનલ્સ 80 વર્ષથી વધુ વયના છે જેઓ મતાધિકાર ધરાવતા નથી.
ભારત પ્રત્યેનો પ્રેમ યાદ રહેશે: મોદી
પોપ ફ્રાન્સિસનું અવસાન થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કરીને પોપ ફ્રાન્સિસ સાથે થયેલી પોતાની મુલાકાતને પણ યાદ કરી હતી. વડાપ્રધાન મોદીએ પોપ સાથેની મુલાકાતની તસવીરો સાથે ટ્વિટ કરતાં એક્સ પર લખ્યું હતું કે, ‘પોપ ફ્રાન્સિસના અવસાનથી મને ખુબ દુ:ખ પહોંચ્યું છે. દુ:ખ અને સ્મરણની આ ઘડીમાં વૈશ્વિક કેથલિક સમુદાય પ્રતિ મારી સંવેદના પ્રકટ કરું છું.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ લખ્યું હતું કે, ‘તેમની સાથેની મુલાકાત મને બહુ સારી રીતે યાદ છે. સમાવેશી અને સર્વાંગી વિકાસ માટેની તેમની પ્રતિબદ્ધતાથી મને પ્રેરણા મળી છે. ભારતના લોકો તરફનો તેમનો પ્રેમ હંમેશાં યાદ રહેશે. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે.’
હાલ બધી જવાબદારી કૈમરલેંગોના શિરે
પોપ ફ્રાન્સિસના અનુગામીની પસંદગી થશે ત્યાં સુધી તમામ જવાબદારી - ફરજ કૈમરલેંગો સંભાળશે. પોપના નિધન સાથે જ કૈમરલેંગો (ખાસ અધિકાર ધરાવતા કાર્ડિનલ)ની જવાબદારી શરૂ થાય છે. કૈમરલેંગો દ્વારા તમામ માહિતી ભેગી કરીને પોપના અવસાનની જાહેરાત કરાય છે. ત્યારબાદ વેટિકનના કામચલાઉ અધિકારી તેઓ કાર્યભાર સંભાળે છે. નવા પોપની નિમણૂક ન થાય ત્યાં સુધી વેટિકનની અને અવસાન પામેલા પોપની અંતિમ વિધિ જેવી તમામ જવાબદારીઓ તેમના શીરે હોય છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં અમેરિકી કાર્ડિનલ કેવિન ફૈરેલ કૈમરલેંગો તરીકે ફરજ બજાવી રહ્યા છે. જાણકારોના મતે તેઓ પોપ ફ્રાન્સિસના સૌથી નજીકના અને વિશ્વાસપાત્ર વ્યક્તિ હતા. મેડિકલ ઓફિસર પાસેથી મૃત્યુનો મેડિકલ રિપોર્ટ મળ્યા બાદ કૈમરલેંગો મૃત્યુની ઔપચારિક જાહેરાત માટેનો મુસદ્દો તૈયાર કરે છે. પોપના નિધનની જાહેરાત થતાની સાથે જ પોપની બે વસ્તુઓને તાત્કાલિક નષ્ટ કરવામાં આવે છે. સૌથી પહેલાં પોપની વીંટી કે જેને ‘રિંગ ઓફ ફિશરમેન’ કહેવાય છે તે નષ્ટ કરાય છે. તેની સાથે પોપના સ્ટેમ્પ પણ નષ્ટ કરાય છે જેથી એકેયનો દૂરુપયોગ ન થાય. આ બન્ને વસ્તુઓને અન્ય કાર્ડિનલની હાજરીમાં હથોડી વડે તોડી નાંખવામાં આવે છે.