વડોદરાઃ વલ્લભસૂરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધૂરંધર સૂરીશ્વરજી મહારાજ અને તેમની સાથે 22 શ્રાવકો સોમવારે પાકિસ્તાનમાં લાહોરના સરકારી મ્યુઝિયમમાં પહોંચ્યા હતા અને જૈનોના તમામ ગચ્છના આચાર્ય આત્મારામજી મહારાજની ચરણ પાદુકાના દર્શન કર્યાં હતાં. પાદુકાના સ્પર્શ સાથેના દર્શન કરીને આચાર્યે જણાવ્યું કે, આજે પાદુકાના દર્શન કરીને મન પ્રફુલ્લિત થઈ ગયું છે. આઝાદીનાં 75 વર્ષ પછી પહેલી કોઈ જૈન સાધુ વિહાર કરીને પાકિસ્તાનમાં પહોંચ્યાં છે.
આ શરીર, દિલ અને અવાજ તમારા છેઃ જૈનાચાર્ય
આઝાદીનાં 75 વર્ષ બાદ પહેલી વખત વલ્લભસૂરિ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય સૂરીશ્વરજી મહારાજ સાહેબ પગપાળા વિહાર કરતાં કરતાં સોમવારે લાહોર પહોંચ્યા હતા. લાહોરમાં તેમણે સરકારી મ્યુઝિયમમાં આત્મારામજી મહારાજની ચરણ પાદુકાના દર્શન કર્યા હતા.
આચાર્ય સૂરીશ્વરજી મહારાજ સાહેબે લાહોર યુનિવર્સિટીમાં રાત્રિ રોકાણ કર્યું છે. નોંધનીય છે કે, 28 મેના રોજ આત્મારામજી મહારાજની 128મી પુણ્યતિથિ છે. આ દિવસે જૈનાચાર્ય આત્મારામજીના સમાધિ મંદિરમાં દર્શન કરીને માંગલિક ફરમાવશે. રવિવારે તેઓ અટારી વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશ્યા ત્યારે તેમની સાથે સંતો-ભગવંતો સહિત 22 શ્રાવકો જોડાયા હતા.
ગુજરાનવાલામાં સમાધિ મંદિર
આત્મારામજી મહારાજ કે જેઓ વિજયાનંદજી મહારાજ તરીકે પણ ઓળખાય છે, તેઓ હાલ જૈનોના જેટલા ગચ્છો છે તેના મુખ્ય આચાર્ય હતા. 128 વર્ષ પહેલાં પાકિસ્તાનના ગુજરાનવાલામાં આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા હતા, જ્યાં હાલ સમાધિ મંદિર બનેલું છે.
‘હું બધા વતી વંદના કરીશ’
આચાર્ય મહારાજે લાહોર ખાતે વિહાર શરૂ કરતાં પહેલાં જણાવ્યું હતું કે, આ શરીર, દિલ અને અવાજ તમારા છે, એવું માનીને હું ગુરુજી મહારાજ સાહેબને તમારા બધા તરફથી પણ વંદના કરીશ. હું ગુરુજીને વિશ્વાસ અપાવીશ કે તમે જે માર્ગ બતાવ્યો છે એના પર અમે સદાય ચાલતા રહેવાનો પ્રયાસ કરતા રહીશું.
ઉલ્લેખનીય છે દેશના ભાગલા પડ્યા તે વેળા ગુરુદેવ વલ્લભસૂરી મહારાજ પાકિસ્તાનમાં હતા. આ સમયે દેશના તત્કાલીન ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલે આર્મીનો સુરક્ષા બંદોબસ્ત મોકલીને વલ્લભસૂરી મહારાજને પાકિસ્તાનથી હિન્દુસ્તાન પરત લાવ્યા હતા.