પ્રકાશના પર્વ દિવાળીના આગમન સાથે જ વાર્ષિક દીપાવલિ અંકો જાણે આખાં વર્ષનું ભાથું લઈને આવતા હોય તેમ પ્રગટ થતા રહે છે. વાંચનરસિકો માટે તો તે ખરેખર માનસિક આહાર બની રહે છે. અવનવા માનવીઓ, અનેક વિચારધારાઓ, સંસ્કૃતિઓ, અભ્યાસલેખો, કાવ્યો, જાણે કે ગાગરમાં સાગર સમાવ્યો હોય તે પ્રકારના દીપાવલિ અંકો જોવાં મળે છે.
વર્ષ 1989માં સ્થાપિત વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા પ્રકાશિત ત્રિમાસિક સામયિક ‘વિશ્વમેળો’નો 66મો અંક સાચાં અર્થમાં ‘વિશ્વમેળો’ બની રહે છે અને દિવાળીપર્વે હર્ષના દીપક પેટાવે છે. મયંક રાવલ (પંચતત્વો જાગૃત કરતો દીપ), સ્વામી નિખિલેશ્વરાનંદ (સાચી શરણાગતિ), હેમંત વાળા (પ્રકાશના ઉત્સવનો ઉત્સાહ), રોહિત શાહ (ઉત્સવો અને અતિથિ....), ડો.મણિભાઈ પ્રજાપતિ (દેવ દિવાળી- ત્રિપુરોત્સવ), કપિલ ઠાકર (પ્રભાસક્ષેત્રઃ ધર્મ, સંસ્કૃતિ અને પુરાતત્વનું સમન્વય), સંજય થોરાત ‘સ્વજન’ (મનનાં માળિયાંની સાફસૂફી), લાલજી સર (રેડિયાનું રજવાડું), મુકેશ પારેખ (સંબંધોની ખાતાવહીને સમૃદ્ધ બનાવતો ઉત્સવ), હેમરાજ શાહ (સરદાર પટેલની 150મી જન્મજયંતી) અને પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સહિતના કલમના કસબીઓએ લેખિનીનાં કૌવતનો ઉજાસ પાથર્યો છે.
વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ કે.સી પટેલે દીપાવલિના પર્વના આગમન, આધ્યાત્મિક અને સ્થૂળ અર્થો, દેશવિદેશમાં તેની ઊજવણીઓ વિશે માહિતી આપવા સાથે સહુને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા છે.
લેખક, સાહિત્યકાર મયંક રાવલે દીપાવલિના અર્થમાં ભારતીય ઉત્સવો સાચી રીતે પરિવારોને જોડી રાખવાનું કાર્ય કરે છે તે સમજાવ્યું છે. દીપક પ્રગટાવવાની સાથે તેમાં પૃથ્વી, જળ, વાયુ, પ્રકાશ અને આકાશ સહિત જીવનના પાંચ તત્વો સમાયેલા છે અને તેનાથી જીવનમાં ઊર્જા પ્રગટે છે તેનું નિરુપણ કર્યું છે.સ્વામી નિખિલેશ્વરાનંદના લેખમાં ઈશ્વરની સાચી શરણાગતિ કેવી રીતે સાધી શકાય તેની લક્ષણો સાથે વાત સમજાવાઈ છે. ભક્ત દુઃખોમાં પણ ઈશ્વર પ્રતિ શ્રદ્ધા ન ગુમાવે અને ઈશ્વરનો દોષ કાઢ્યા વિના તેને ઈશ્વરેચ્છા માની સ્વીકારી લે તે જ સાચી શરણાગતિ ગણાય. હેમંત વાળાના લેખમાં પ્રકાશની સાર્વત્રિકતા દર્શાવાઈ છે. પ્રકાશની માત્રાની નોંધ પણ આપણે લઈ ન શકીએ તેવી હોય તેને અંધકારનું નામ અપાયું છે. પ્રકાશ ઉત્સાહપ્રેરક જ હોય છે. જીવન નિરાશામાં ગર્તામાં ડૂબેલું હોય ત્યારે પ્રકાશનું એક નાનું કિરણ પણ નવી ઊર્જાનો સંચાર કરે છે અને અંધકાર પ્રકાશમાં વિલીન થઈ જાય છે.
સાહિત્યકાર રોહિતભાઈ શાહે ‘ઉત્સવો અને અતિથિ આપણને આપણી મોજના સાચા સરનામે પહોંચાડે છે’ લેખમાં ઉત્સવના ઉત્સાહમાં આનંદ-મોજની પ્રાપ્તિ વિશે છણાવટ કરી છે. જિંદગીમાં ચડાવઉતાર, સુખ અને દુઃખ આવતા જ રહે છે અને રહેશે ત્યારે જીવનનો આનંદ માણવાનું ચૂકી ન જવાય તે માટે અવારનવાર ઉત્સવો ઉજવતા રહેવાની સલાહ આપી છે. પ્રકૃતિએ પણ માનવી મોજમાં રહી શકે તે માટે વૈવિધ્યસભર સામગ્રીનો ખજાનો લૂંટાવ્યો છે પરંતુ, માનવી સતત અજંપા અને અસંતોષમાં જીવતો રહે છે. પર્વો અને ઉત્સવો આપણને રિચાર્જ થવાની અનોખી તક પૂરી પાડે છે તે હકીકત નકારી શકાય જ નહિ. તેમણે ભારતીય સંસ્કૃતિમાં ‘અતિથિ દેવો ભવ’ની વિભાવના પર પણ પ્રકાશ પાથર્યો છે. ઉત્સવ અને અતિથિને આવકાર એ જ જીવનની સાચી મોજ છે તેમ કહેવા અને માનવામાં જરા પણ ખોટું નથી.
ડો.મણિભાઈ પ્રજાપતિએ ‘દેવ દિવાળી (ત્રિપુરોત્સવ) લેખમાં દીપાવલિ પર્વ અને દેવતાઓની દિવાળી તેમજ ધરતીલોક અને દેવલોકના સમન્વય, ભગવાન શિવના હસ્તે ત્રિપુરનો નાશ, વિષ્ણુપ્રિયા તુલસી સાથે સંકળાયેલી કથાઓ પીરસી છે. જ્યારે કપિલ ઠાકરના ‘પ્રભાસક્ષેત્રઃ ધર્મ, સંસ્કૃતિ અને પુરાતત્વનું સમન્વય’ લેખમાં ભારતીયો અને ગુજરાતીઓના જીવન સાથે વણાયેલા જ્યોતિર્લિંગોમાં મુખ્ય સોમનાથના પ્રભાસક્ષેત્ર વિશે ધાર્મિક, પૌરાણિક અને સામાજિક કડીઓને સાંકળી તેનું વિશેષ મહત્ત્વ સમજાવ્યું છે.
એક સમય એવો હતો કે રેડિયામાં વહેલી સવારની કર્ણપ્રિય ધૂન સાથે આપણા દિવસનો આરંભ થતો હતો. જીવનનું અભિન્ન અંગ બની રહેલા ‘રેડિયોનું રજવાડું’ ક્યાં ક્યાં સુધી ફેલાયેલું હતું તેનું શબ્દચિત્ર સામાજિક કાર્કર લાલજી સરે ઉપસાવ્યું છે. રેડિયો પ્રસારણની 1906માં શરૂઆત થયાં પછી લોકજીવનમાં તેણે સર કરેલા સીમાડાની રોમાંચક કથા આપણને આ લેખમાંથી સાપડે છે. મુકેશ પારેખનો ‘સંબંધોની ખાતાવહી..’લેખ ભારતીય સંસ્કૃતિના ઉત્સવો માનવીય સંબંધોને બાંધવા, તાજા કરવા અને નિભાવવાની સમજ પૂરી પાડે છે તેની છણાવટ કરે છે. માનવી સામાજિક પ્રાણી છે ત્યારે સંબંધો બાંધવા જીવનનું અભિન્ન અંગ બની રહે છે અને ઉત્સવો આ સંબંધોમાં પ્રાણ ઉમેરે છે.
વિશ્વ ગુજરાતી સમાજના વરિષ્ઠ ઉપપ્રમુખ હેમરાજભાઈ શાહે ભારતના અનન્ય અને અજોડ નેતા, ગુજરાતના પનોતા પુત્ર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જન્મજયંતીએ યથોચિત આદરાંજલિ આપી છે. બાળપણથી જ તેમના નેતૃત્વનો પહેલા પાઠથી માંડી બારડોલી સત્યાગ્રહમાં ભજવેલી સરદારની ભૂમિકા, મહાત્મા ગાંધીના શિષ્ય બનવાથી કોંગ્રેસ અને ભારતના શિરમોર નેતા બનવા સુધીની સફર તેમણે આલેખી છે.
વિશ્વ ગુજરાતી સમાજના મહામંત્રી પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ ગુજરાતની અસ્મિતા વિશે સુંદર સમાલોચના કરી છે. સાહિત્યકાર અને રાજકારણી કનૈયાલાલ મુનશીની નવલકથાઓમાં ગુજરાતની અસ્મિતાની સંવેદના વહેતી થયા પછી તમામ ગુજરાતીઓના જીવનમાં તે વણાઈ ગયેલી છે. ગુજરાતી પ્રજાએ સાહસ અને શ્રીની સાથોસાથ સંસ્કૃતિનો પણ સતત પ્રસાર કર્યો છે. દેશદેશાવરમાં કોઈ પણ સ્થળે વસતા ગુજરાતીએ અસ્મિતાનો ધબકાર સતત વહેતો રાખ્યો છે તે આપણે બધાએ અનુભવ્યું છે.
આમ દરેક રીતે ‘કોડિયું ઉત્સાહનું લઈ દીપક પેટાવ્યા હર્ષનાં, ઝગમગે જો ઊર્મિનો ઉજાસ તો હર પળ દિવાળી’ના ગાન સાથે‘વિશ્વમેળો’વિચારો, શબ્દો, ઈતિહાસ, અધ્યાત્મ અને માહિતીનો રસથાળ બની રહ્યો છે.