ગુજરાત સમાચાર - એશિયન વોઈસ પરિવારના ત્રણ વિદુષી નારીરત્નોનું સન્માન

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ સહિત અનેક મહેમાનોની ઉપસ્થિતિ

- અચ્યુત સંઘવી Wednesday 26th February 2025 06:30 EST
 
 

ABPL ગ્રૂપના ન્યૂઝવીક્લીઝ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વર્ષોથી સંકળાયેલા ત્રણ નારીરત્નો જ્યોત્સનાબહેન શાહ, કોકિલાબહેન પટેલ અને માયાબહેન દીપકને સન્માનવાનો વિશેષ કાર્યક્રમ શનિવાર 8 ફેબ્રુઆરીની સાંજે અમદાવાદના સિંધુભવન વિસ્તારમાં આવેલી કોર્ટયાર્ડ બાય મેરિયોટ હોટેલ ખાતે યોજાયો હતો. આ સમારંભની વિશેષતા એ રહી હતી કે કાવ્ય સંધ્યા કાર્યક્રમમાં ગુજરાતના નામાંકિત કવિજનોએ કાવ્યોના કામણ પાથર્યા હતા અને સૌથી વધુ દાદ તો બાળકવિ શબ્દ ગોસ્વામી લઈ ગયા હતા.
ABPL ગ્રૂપ સાથે વર્ષોથી સંકળાયેલા કાર્યક્રમના સંચાલક તેમજ લેખક-વક્તા શ્રી તુષારભાઈ જોષીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેની તેમને કલ્પના પણ ન હતી.
શ્રી તુષારભાઈએ કાર્યક્રમના આરંભે ભાવવાહી રજૂઆત કરતા કહ્યું હતું કે આ વાસંતી વાતાવરણ છે અને ઝાલરટાણું છે. આ જાગરણની રાત, સાધનાની રાત છે. જેમણે સતત સાધના કરી છે એવાં નારીશક્તિનાં ત્રણ પ્રતીકોને સન્માનવાનો આ સમય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સી.બી. પટેલ સાહેબ આપણી સાથે ઝૂમ મારફત જોડાયા છે. આપ સહુ જાણો છો તેમ સી.બી. પટેલ પૂર્વ આફ્રિકા અને ત્યાંથી યુકે પહોંચી અનેક વ્યવસાયો સાથે સંકળાયા હતા. સી.બી. પટેલે 50 વર્ષ પહેલા પિતાજીની ઈચ્છા અને આદેશને અનુસરી જ્ઞાનયજ્ઞ-સેવાયજ્ઞની આહલેક જગાવી છે.
 આ કાર્યક્રમમાં આપણું ગુજરાતી ગૌરવ એવાં માયાબહેન દીપક, સમાજ સાથે સતત જોડાયેલા રહેલા આપણા પૂર્વ મુખ્યમંત્રી અને હાલ રાષ્ટ્રીય તખતા પર કાર્યરત મુખ્ય મહેમાન શ્રી વિજયભાઈ રુપાણી, એવું જ ગૌરવશાળી વ્યક્તિત્વ એટલે લોકકલા અને લોકભાષાના ક્ષેત્ર સાથે વર્ષોથી સંકળાયેલા કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત નેશનલ સંગીત નાટક એકેડેમીના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત શ્રી જોરાવરસિંહ જાદવ આપણી સાથે જોડાયેલા છે તે આપણું અહોભાગ્ય છે.
સુપ્રસિદ્ધ ગાયિકા અને ગુજરાતનું ગૌરવ ગણાયેલાં માયાબહેન દીપક દ્વારા પ્રાર્થના સ્વરૂપે પુનિત મહારાજના ભજન ‘મળી છે કાયા માનવની, જગતમાં ધૂપસળી થાજો...’ની ભાવવાહી પ્રસ્તુતિ સાથે કાર્યક્રમનો પુનિત આરંભ કરાયો હતો.
માયાબહેનની કોકિલકંઠી ભજન પ્રસ્તુતિ પછી સમારંભના મુખ્ય અતિથિ પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા શ્રી વિજયભાઈ રુપાણીનું સ્વાગત એબીપીએલ પરિવાર સભ્ય એવા જાણીતા ઓન્કોલોજિસ્ટ ડો. ભાવેશભાઈ બી. પારેખ અને એબી પબ્લિકેશન્સ (ઇંડિયા) પ્રા.લિ.ના ડિરેક્ટર ડો. ઉર્વીબહેન પારેખના હસ્તે ખેસ અને સ્મૃતિભેટ સાથે કરાયું હતું.
મુખ્ય અતિથિ શ્રી વિજયભાઈ રુપાણી દ્વારા ABPL ગ્રૂપની પ્રકાશન યાત્રામાં 40 કરતાં વધુ વર્ષોથી જોડાયેલાં બે નારીરત્નો જ્યોત્સનાબહેન શાહ અને કોકિલાબહેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ નારીરત્નો આપણા ગુજરાતનું ગૌરવ છેઃ વિજયભાઇ રુપાણી

પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે આપણે સહુ ત્રણ નારીરત્નો -જ્યોત્સનાબહેન શાહ, કોકિલાબહેન પટેલ અને માયાબહેનનું સન્માન કરવા અહીં એકત્ર થયા છીએ. ત્રણે બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. તેઓ આપણા ગુજરાતનું ગૌરવ છે. છેલ્લાં 40-50 વર્ષથી યુકે-લંડનમાં રહીને બંને બહેનોએ પત્રકારત્વના ક્ષેત્રમાં અને માયાબહેને સંગીતના ક્ષેત્રમાં જે યોગદાન આપ્યા છે તે નોંધપાત્ર છે.
શ્રી વિજયભાઇએ કહ્યું હતું કે શોર્ટ કટ બધે જ ચાલે છે. ફક્ત રાજકારણમાં જ શોર્ટ કટ નથી. (તેમનો સંદર્ભ આ જ દિવસે જાહેર થયેલા દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામોમાં ‘આપ’ના પરાજય અને ભાજપના વિજય સંદર્ભે હતો.)
આજે તો સોશિયલ મીડિયાનો પ્રભાવ છવાયો છે. આવા સંજોગોમાં યુકેમાં રહીને આપણા પટેલ સાહેબ સમાજને સાચી દિશા ચીંધવાના પત્રકારત્વ, મૂલ્યો સાથે જોડાયેલા છે.
હું સૌપહેલા 1996માં લંડન ગયો હતો ત્યારે સી.બી.ને પહેલી વખત તેમની ઓફિસમાં મળવાનું થયું હતું. પરંતુ, ત્યાં બેઠા બેઠા સતત ગુજરાતની ચિંતા અને ગુજરાત પ્રત્યે તેમનો પ્રેમ નિહાળ્યો છે. આજે પણ વીડિયો કોન્ફરન્સથી તેમની સાથે વાત થઈ તો દિલ્હીના સમાચારથી તેઓ એટલા ખુશ જણાયા હતા. તેઓ દેશની ચિંતા કરે છે અને લોકો સાથે જોડાયેલા છે. આવા સી.બી. પટેલ સાથે વર્ષો સુધી જોડાયેલા રહીને જ્યોત્સનાબહેન શાહ અને કોકિલાબહેન પટેલ ઘડાયાં છે. એ પણ એમનું સદ્ભાગ્ય છે કે તેમણે આટલાં વર્ષ સળંગ કામ કર્યું.
તેમણે વધુમાં કહ્યું કે મને જ્યોત્સનાબહેને આમંત્રણ આપ્યું કે અમારો કાર્યક્રમ છે, ખાસ ઉપસ્થિત રહેજો, અને મને પણ બહુ આનંદ થયો આવા શુભ પ્રસંગે નિમિત્ત બનવાનો મને મોકો મળ્યો તે મારા માટે આનંદની વાત છે. હું આ બંને બહેનો હજુ પણ શેષજીવન પત્રકારત્વના ક્ષેત્રમાં વધુ અને વધુ લોકોની સેવા કરતાં રહે તેવી શુભકામના પાછવું છું. આ પછી, વિજયભાઈ રુપાણી અને જોરાવરસિંહ જાદવના હસ્તે માયાબહેન દીપકનું સન્માન કરવામાં આવ્યું હતું.
બાદમાં, માયાબહેનના હસ્તે જ્યોત્સનાબહેન શાહ અને કોકિલાબહેન પટેલનું સ્મૃતિભેટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

‘ઓળખાણની ખાણ છે સી.બી.’ઃ ભાવિનીબહેન જાની

તુષારભાઈએ કાર્યક્રમને આગળ ધપાવતા જણાવ્યું હતું કે અહીં શબ્દ અને સ્વરના સાધકોનું સન્માન થયું છે. ચલચિત્ર પણ ચરિત્ર નિર્માણ કરી શકે છે તેમ જણાવી તેમણે રંગમંચ અને ફિલ્મોના અભિનેત્રી ભાવિનીબહેન જાનીને પ્રતિભાવ આપવા આમંત્રિત કર્યા હતા.
ભાવિનીબહેને જણાવ્યું હતું કે કલા અને સંસ્કૃતિનું જતન નાની વાત નથી. સન્માન કરાયેલાં ત્રણે બહેનો મારાં મિત્ર છે અને આપ સહુને મળવાનો મને ઘણો આનંદ છે. સી.બી. સાહેબની વાત કરું તો, ભાદરણના મગ અને સી.બી.ના પગ. આ જમાનામાં આપણી સાથે રહેનારા કોણ છે તેને પણ સાથે રહેનારા ઘણી વખત ઓળખતા નથી, તેમને ટાળે છે ત્યારે સી.બી. સાહેબ આપણને જોજનો દૂરથી જોઈ રહ્યા છે. તેઓ કેટલા બધાને ઓળખે છે, જાણે છે. સી.બી.ની સાથે થોડો સમય રહીએ, મળીએ ત્યારે તેઓ પોતીકા બની જાય છે, બધા તેમનો પરિવાર બની જાય છે. ઓળખાણની ખાણ જેવા સી.બી. છે. વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને સી.બી. સાહેબ જીવીને બતાવે છે.

કાવ્યસંધ્યા એટલે સર્જકોની કાવ્યસૃષ્ટિમાં એક લટાર

તુષારભાઈએ કાર્યક્રમને આગળ વધારતા હવે કાવ્યસંધ્યામાં કાવ્યપઠનનો સમય આવી ગયાનું કહ્યું હતું અને સૌપ્રથમ જાણીતા કવયિત્રી, સંગીત અને સાહિત્યના કલાસાધક રક્ષાબહેન શુક્લને ગીત અને ગઝલ સંભળાવવા આમંત્રિત કર્યા હતા. રક્ષાબહેને દુષ્કર્મ પર લખેલી કવિતા ‘એક સસલીએ પાડી ચીસ...’, ‘વોટ્સએપના દરિયામાં...’ કૃતિનું પઠન કર્યું હતું.
આ પછી, તુષારભાઈએ જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામીને કાવ્યોની રજૂઆત માટે આમંત્રિત કરતા કહ્યું હતું કે ‘અમથાં અમથાં રાત્રે ફરતા, એક દીવો પ્રગટાવી દેજો, અંધારાનો કોસવા કરતા એક દીવો પ્રગટાવી દેજો’ કવિ ગોસ્વામીની ખૂબ જાણીતી રચના છે.
કવિ ગોસ્વામીએ સૌ પહેલા તો નારીશક્તિના સન્માનના કાર્યક્રમ બદલ સહુને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એક ગીત ‘ચાલ વતનમાં પાછા જઈએ...’ અને ‘લગન કરી લે યાર... ’ કૃતિઓ રજૂ કરીને મહેમાનોની ભરપૂર દાદ મેળવી હતી.
આ પછી, બિલ્ડર અને સિવિલ એન્જિનિયર હોવા સાથે કવિજીવ શ્રી પારસ પટેલ પોતાની રચનાઓનું પઠન કરવા આવ્યા હતા. તેમણે ‘હવા ફરફરીને તમે યાદ આવ્યા, શમા થરથરીને તમે યાદ આવ્યા...’ રચનાથી શરૂઆત કરી હતી. બાદમાં તેમણે ‘આ ગઝલને કોઈ આપે દાદ તો જલસા પડે...’ ગઝલ રજૂ કરી હતી. તો બાદમાં તેમણે વાસંતી વાતાવરણને યાદ કરવા સાથે ગાયું હતું કે ‘તમે આવો અને મહેંકી ઉઠે મોસમ, તમારા સમ...’ રજૂ કરી હતી.
કવિ પારસભાઈએ કહ્યું હતું કે આપણામાંથી ઘણાએ જન્મભૂમિ કે વતન છોડી જવાનું બનતું હોય છે ત્યારે આ વતનનો ઝૂરાપો અનુભવાય છે. આ સાથે તેમણે ‘અમે ઘરબાર છોડીને કમાવા શહેરમાં આવ્યા...’ રચના રજૂ કરી હતી.
આ પછી કવિ ડો. જિતેન્દ્રભાઈ જોષી ‘અમે આજ પછી કાજળ નહીં આંજીએ...’ અને ‘આજ સૂરજ ના ઉગે તો સારું...’ કૃતિઓ રજૂ કરીને છવાઇ ગયા હતા.

બાળકવિ શબ્દ ગોસ્વામી આવ્યા અને છવાઇ ગયા

દિગ્ગજ સર્જકો બાદ જે કવિ આવ્યા તેનાથી બધાને ભારે આશ્ચર્ય અને આનંદની લાગણી થઈ હતી. માત્ર સાત વર્ષના અને SGVP-છારોડીમાં પહેલાં ધોરણમાં અભ્યાસ કરતા શબ્દ ગોસ્વામીએ પોતાનો પરિચય આપવા સાથે જોશભેર કેટલીક રચનાઓનું પઠન કર્યું હતું અને ઉપસ્થિત લોકોની ભારે દાદ મેળવી હતી. મોરના ઈંડાને ચીતરવા ના પડે તેમ કવિ હરદ્વાર ગોસ્વામીના પુત્ર શબ્દ ગોસ્વામી ત્રણ ભાષા પર કાબુ ધરાવે છે.
બાળકવિ શબ્દ ગોસ્વામીએ સૌપહેલા બાપુભાઈ ગઢવીની ‘તમને સમય નથી અને મારો સમય નથી...’ ગઝલ રજૂ કરીને ભરપૂર પ્રશંસા મેળવી હતી.
શબ્દ ગોસ્વામીએ અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટની પ્રખ્યાત કવિતા Stopping by Woods on a Snowy Eveningનું પઠન કર્યું હતું. જેમાં, ‘આઈ હેવ પ્રોમિસીસ ટુ કીપ એન્ડ માઈલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ’ના શબ્દોએ જનમાનસ પર ભારે અસર ઉપજાવેલી છે.
ભાઈ શબ્દએ એક્શન અને આરોહ અવરોહ સાથે સાથે કવિ રામ દરશ મિશ્રાની સુપ્રસિદ્ધ કવિતા ‘બનાયા હૈ મૈંને યે ઘર ધીરે ધીરે...’નું પઠન કર્યું હતું.
તુષારભાઈએ લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક અને લોકકલાના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શ્રી જોરાવરસિંહ જાદવ સાહેબનો પરિચય આપતા જણાવ્યું હતું કે તેમણે ગુજરાત અને ભારતના લોકકલાકારોને વિશ્વભરની લટાર મરાવી છે. તેમની ઓળખ કરાવી છે. કલાની માવજત અને જતન કરવા સાથે 100થી વધુ પુસ્તકો લખ્યા છે.
તુષારભાઈએ આ સમયે ગુજરાતમાં પત્રકારત્વના ક્ષેત્રે પ્રતિષ્ઠિત અને ABPL ગ્રૂપ સાથે આરંભથી સંકળાયેલા અને પારિવારિક સંબંધ ધરાવતા
સ્વ. ભૂપતરાય પારેખનું સ્મરણ કર્યું હતું અને તેમના પુત્ર અને પ્રખ્યાત ઓન્કોલોજિસ્ટ ડો. ભાવેશભાઈ બી.પારેખને આમંત્રિત કર્યા હતા. ડો. ભાવેશભાઈ અને તેમના પત્ની ડો. ઉર્વીબહેન પારેખના હસ્તે ખેસ પહેરાવીને જોરાવરસિંહ જાદવનું સન્માન કરાયું હતું.

સન્માનના રૂડા અવસરથી અંતરમાં આનંદ છેઃ જોરાવરસિંહજી

શ્રી જોરાવરસિંહ જાદવે સન્માનનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ‘ત્રણે બહેનાનાં સન્માનનાં આ રૂડા અવસરે અમારા અંતરમાં આનંદ છવાયો છે. આવા રૂડા અવસરે એબીપીએલ ગ્રૂપે મને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું તેનો મેં સહર્ષ સ્વીકાર કર્યો હતો.’
તેમણે જણાવ્યું હતું કે, ‘હું લોકકલાનો સંઘયાત્રી છું. કલાકારોના અશ્રુને સીંચવા કલાકારોને પ્લેટફોર્મ આપ્યું છે. આજે ગુલાબો તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ છે તે કલાકારને પણ અમે પ્લેટફોર્મ આપ્યું છે. તેઓ પુષ્કરના મેળામાં રસ્તામાં નૃત્ય દર્શાવતાં હતા અને તેમની કલાને પ્રસિદ્ધિ અપાવવાનું કાર્ય અમે ઉપાડી લીધું. 1985માં ફ્રાન્સમાં તેમને કલાપ્રદર્શન માટે લઈ ગયા અને ત્યારથી તેમણે પ્રસિદ્ધિનાં શિખરો સર કર્યા છે. લોકકલા ફાઉન્ડેશને વિચરતી જાતિના કલાકારોને પ્લેટફોર્મ આપ્યું છે. કાર્યક્રમો આપ્યા છે. કલાકારને તક મળે એ જરૂરી છે. આજે ફાઉન્ડેશન સાથે 5000થી વધુ કલાકારો જોડાયેલા છે. કલાકારોના આશીર્વાદ હંમેશાં મારી સાથે રહ્યા છે.’

જતીનભાઇ પારેખના હસ્તે સર્જકોના પોંખણા

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે સુદીર્ઘ નાતો ધરાવતા જાણીતા બિઝનેસમેન ટ્રાઇડેન્ટ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર
શ્રી જતીનભાઈ પારેખના હસ્તે કવિજનો હરદ્વાર ગોસ્વામી, રક્ષાબહેન શુક્લ, પારસભાઈ પટેલ, જિતેન્દ્રભાઈ જોષી અને બાળકવિ શબ્દ ગોસ્વામીનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી જતીનભાઈએ કવિજનો અને ખાસ કરીને બાળકવિ શબ્દ ગોસ્વામીને બિરદાવતા કહ્યું હતું કે ‘આ બધા થકી ગુજરાતી ભાષા, ગીતો અને ગઝલો સમૃદ્ધ બની રહ્યા છે અને હજુ પણ બની રહેશે. તુષારભાઈએ કહ્યું તેમ ‘શબ્દને ભલે શબ્દની સમજ નહિ હોય પરંતુ તેની ભાવના અને પ્રસ્તુતિ વિશિષ્ટ છે.’

સી.બી.એ મને ચિનગારી આપી ને જ્યોત પ્રગટી છેઃ કોકિલાબહેન

આ પછી, નારીરત્ન સન્માનથી પોંખાયેલાં શ્રીમતી કોકિલાબહેન પટેલે સન્માનના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, ‘મારાં માટે અહીં બોલવાનું એક સરપ્રાઈઝ છે. પરંતુ, ABPL પરિવાર સાથે મારો સંબંધ ચાર દાયકાથી પણ વધુ જુનો છે. મારી સુદીર્ઘ કારકિર્દી દરમિયાન મેં બોલીવૂડના કલાકારો, વિશિષ્ટ વ્યક્તિત્વો, રાજકારણીઓ સાથે મુલાકાતો કરી છે તથા મારાં વતન અને ઘડતર વિશેની બાબતો મારાં પુસ્તક ‘એક જ દે ચિનગારી’માં આવરી લેવાઈ છે. આ ઉપરાંત, લોકપ્રિય બનેલી ‘રમૂજ ગઠરિયા’ કોલમમાં રમૂજ પીરસવાનો પ્રયાસ કર્યો છે. કોરોનાકાળમાં વાંચકોને રમૂજ મળે તેવો અમારો ખાસ પ્રયાસ હતો જેને ભારે સફળતા મળી હતી. મારો અભ્યાસ બી.એ (ઓનર્સ વિથ પોલિટિક્સ)નો રહ્યો છે પરંતુ, મેં જર્નાલિઝમની ડીગ્રી લીધી નથી કે કોર્સ કર્યો નથી. મારો જ્યોત્સનાબહેન અને તેમના પતિ ડી.આર. સાથે સારો ઘરોબો હતો. એક દિવસ જ્યોત્સનાબહેને આંગળી પકડી અને સી.બી. સાહેબ પાસે લઈ ગયાં અને ABPL ગ્રૂપ સાથે મારી યાત્રાનો આરંભ થયો. મેં જર્મન લાઈનોટોપ મશીન પર કામગીરી ચાલુ કરી દીધી. આ પછી, સી.બી.એ મને લખવાની ઓફર કરી અને મેં મારાં જીવનનાં અનુભવોને ધ્યાનમાં લઈ ‘દહેજનું દૂષણ’ તેમજ ‘નારી તું નારાયણી’ નામે લેખ લખ્યાં. સી.બી. સાહેબને લેખો ગમી ગયા અને તંત્રીમંડળ સાથે મારી યાત્રા શરૂ થઈ હતી. કોમ્પ્યુટર પર ગુજરાતી લેખન અઘરું લાગતું હતું. અમે સમાચારો લખતાં, અનુવાદો પણ કરતાં ત્યારે સી.બી.એ અમને સધિયારો આપ્યો ને સારી રીતે અનુવાદનું શીખવ્યું હતું. આમ, સી.બી. સાહેબે પત્રકારત્વ ક્ષેત્રે અમારું ઘડતર કર્યું છે.’
તેમણે ઉમેર્યું હતું કે, ‘1985માં જ્યોત્સનાબહેન ભારત ગયા ત્યારે મારાં શિરે મેનેજિંગ એડિટર તરીકે જવાબદારી મૂકવામાં આવી હતી. કામગીરી શરૂ કર્યાં પછી 30થી 32 કોલમ્સ શરૂ કરી હતી. મારી કારકિર્દી દરમિયાન, મેં એક પુસ્તક પણ લખ્યું છે જેનું નામ ‘એક જ દે ચિનગારી’ છે. આ પુસ્તક સી.બી., પુષ્પાબહેન અને વરિષ્ઠ ડાયરેક્ટર સરોજબહેનને અર્પણ કરેલું છે. પુસ્તકનું નામ ચિનગારી રાખવા પાછળનું પણ કારણ છે. સી.બી. સાહેબે મને સ્પાર્ક-ચિનગારી આપી અને જ્યોત પ્રગટી છે.’

આ અમારું નહીં, અમારા કાર્યક્ષેત્રનું સન્માનઃ જ્યોત્સનાબહેન

આ પછી, સન્માનિત નારીરત્ન જ્યોત્સનાબહેન શાહે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવને પ્રણામ સાથે પ્રતિભાવાત્મક સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘જેમ વ્યક્તિની ખુશી મિત્રોમાં સમાઈ છે તેમ એમ્પ્લોઈની ખુશી સારા એમ્પ્લોયરમાં સમાયેલી હોય છે. મારી 42 વર્ષની સુદીર્ઘ કારકિર્દીની કદર આજે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ તથા સવિશેષ આપણા તંત્રીશ્રી સી.બી. પટેલના અમારા પ્રત્યેના અહોભાવ એ જ આજના પ્રસંગનું મોરપીચ્છ છે. કલમની તાકાતની કદર છે. પૈસો અને સફળતા કરતાં સંબંધો વધુ મહત્ત્વના છે. આજે મારાં કે કોકિલાબહેન કે માયાબહેનનું સન્માન નહિ, અમારાં કાર્યક્ષેત્રનું સન્માન છે. અમારી સફળ અને લાંબી કારકિર્દીનો યશ મહદ્ અંશે સી.બી. પટેલનું નેતૃત્વ, પ્રેરણા, કામ કરવા મોકળું મેદાન પુરું પાડવાને જાય છે.’
મારાં અતીતના પાના ફેરવું તો પતિ દિનેશ (ડી.આર.) શાહની લંડનમાં બદલી થવા સાથે જીવનમાં નવો વળાંક આવ્યો અને 1982માં વિદેશની વાટ પકડી હતી. 27 નવેમ્બર 1982ના દિવસે પાંચ જણના પરિવારે યુકેના હીથ્રો એરપોર્ટ પર ઉતરાણ કર્યું. ચારે કોર અજાણી ભૂમિ, અજાણી હવા અને અજાણ્યા લોકો. સૂરજના ઉગવા સાથે ઉઠવાની ટેવવાળાને લંડનમાં સૂરજદેવના દર્શન પણ દુર્લભ હતા. શરૂઆતમાં ભારે મૂંઝવણ અને વ્યાકૂળતા અનુભવાતાં હતાં અને સ્વદેશમાં સ્વજનોને છોડીને આવ્યાંનો ગમ હતો. મનને મનાવ્યું, મક્કમ બનાવ્યું અને લંડનમાં જીવન સાથે કદમ મિલાવવાની શરૂઆત થઈ. ધીરે ધીરે ત્યાંના વાતાવરણમાં સેટલ થયાં.
ડી.આર. તેમની ઓફિસમાંથી ગુજરાત સમાચાર સાપ્તાહિક ઘેર લાવ્યા ત્યારે તેને વાંચતાં સ્વજનને મળ્યાંનો અનુભવ થયો, અંતરનો ખાલીપો દૂર થયો. એવાંમાં જ ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવતા પત્રકાર જોઈએ છેની જાહેરાત આવી. મારી પાસે પત્રકારત્વની ડીગ્રી નથી પરંતુ, ગુજરાતીમાં એમ.એ, બી.એડની ડિગ્રી કદાચ કામયાબી અપાવે તેવી આશા સાથે અરજી કરી. ગુજરાત સમાચારની ઓલ્ડસ્ટ્રીટમાં આવેલી ઓફિસમાં ઈન્ટરવ્યૂ આપવાં ગઈ. લંડનમાં નોકરી માટે પ્રથમ પ્રયાસ અને અનુભવ હતો, અનેક પ્રશ્નો હતા પરંતુ, તંત્રીશ્રી સી.બી. પટેલના આત્મીય ભાવથી, આવકારથી ભય/મૂંઝવણ દૂર થયાં. સી.બી. પટેલના સ્વભાવની આ ખાસ ખૂબી. માત્ર મારાં માટે જ નહિ, તેમના સંપર્કમાં કોઈ પણ આવે તે સહુને આવો જ અનુભવ થાય છે.
ઈન્ટરવ્યૂ પછી પત્રકારત્વની પા પા પગલીના શ્રીગણેશ થયા. કરત કરત અભ્યાસની જેમ અનુભવની પાઠશાળામાં નીતનવા પાઠ શીખતાં શીખતાં મેનેજિંગ એડિટર સુધીની રોમાંચક યાત્રા રહી. 2010માં મેનેજિંગ એડિટર તરીકે રાજીનામું આપ્યું પરંતુ, પત્રકારત્વનો જીવ ઝંપીને બેસે જ નહિ અને કન્સલ્ટિંગ એડિટર તરીકે પ્રવૃત્ત રહી છું. ઓફિસમાં અન્નપૂર્ણા પુષ્પાબહેન તેમજ વરિષ્ઠ ડાયરેક્ટર સરોજબહેનનું યોગદાન પણ ખૂબ જ અગત્યું રહ્યું છે.
જ્ઞાનયજ્ઞ અને સેવાયજ્ઞના પાયા પર ચાલતા અમારા સાપ્તાહિકો યુકેમાં લોકપ્રિય બન્યાં છે તેમાં વાચકોનો વિશ્વાસ, પ્રેમસંપાદન અને સાથસહકાર અમારી વિકાસયાત્રાના મહત્ત્વના પરિબળો છે. વડીલ શ્રી સી.બી. પટેલે અમને કદી કર્મચારી તરીકે સંબોધ્યા નથી, હંમેશાં સાથીઓ જ કહ્યા છે. સમાજ પ્રત્યેની અમારી ફરજ અને કર્તવ્યનિષ્ઠાએ જ લોકપ્રિયતા અપાવી છે.
તેમણે જણાવ્યું હતું કે, ‘જીવનની ખાટીમીઠી, પત્રકારત્વના અનુભવોને શબ્દદેહ આપવાના પુરુષાર્થ થકી મારું પ્રથમ પુસ્તક ‘જીવન એક, સૂર અનેક’ સાકાર થયું. 496 પેજીસના આ દળદાર પુસ્તકમાં, વૈવિધ્યપૂર્ણ લેખો, મુલાકાતો, સંસ્થાકીય કે વ્યક્તિગત અહેવાલો આવરી લેવાયા છે જે યુકેમાં ગુજરાતી સમાજની આરસી સમાન છે. વડોદરામાં માર્ચ 2020માં પદ્મશ્રી ડો. વિષ્ણુભાઈ પંડ્યાના હસ્તે તેનું વિમોચન કરાયું હતું. મારા પતિ ડી.આર.ને પ્રકાશિત પુસ્તક વિશે ભારે ગર્વ અને ગૌરવ હતા. લંડનમાં તેનું શાનદાર લોકાર્પણ કરાવવાની તેમની ઈચ્છા હતી પરંતુ, કુદરતની ઈચ્છા સામે માનવી હંમેશાં લાચાર રહે છે. ખુશીના આ ઉત્સવ પછી, મારા પતિ ડી.આરની અણધારી ચિરવિદાય થઈ. પતિ ડી.આર.ને શ્રદ્ધાંજલિ સ્વરૂપે બીજાં પુસ્તક ‘તમારા વિના’નું સર્જન થયું જેમાં તેમનો સંવેદનાત્મક વિચારવૈભવ, ડાયરી, પત્રો તેમજ આત્મીયજનોના મનોભાવોને આવરી લેવાયા છે. ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પુસ્તક અર્પણ કર્યું હતું. મારાં પુસ્તકોની લોકાર્પણવિધિ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ તેમજ નવનાત વણિક સમાજના સૌજન્ય થકી કરાઈ હતી.’
‘શ્રી વિજયભાઈ રુપાણીએ અમારા આમંત્રણનો સ્વીકાર કરી અમારા સન્માન સમારંભનું ગૌરવ વધાર્યું. તેઓશ્રી, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને કવિજનોના અમે ઋણી છીએ. માયાબહેન દીપકે ખાસ જહેમત ઉઠાવી તેમજ શ્રી તુષારભાઈએ એન્કરિંગ સાથે કાર્યક્રમની શોભા વધારતી પ્રસ્તુતિ કરી તે બદલ ધન્યવાદને પાત્ર છે. અમારા અમદાવાદ કાર્યાલયની ટીમના સહુ સભ્યોનો આભાર વ્યક્ત કરું છું.’

ABPL સાથે પત્રકાર પિતાના સમયથી નાતોઃ ડો. ભાવેશભાઇ

ડો. ભાવેશભાઈ પારેખે આભાર પ્રસ્તાવ સંબોધન કરતા જણાવ્યું હતું કે કોકિલાબહેન, જ્યોત્સનાબહેન અને માયાબહેન જેવાં નારી રત્નોનું સન્માન, સન્માનીય વિજયભાઈ રૂપાણી અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવની ઉપસ્થિતિ, જાણીતા કવિઓ દ્વારા કાવ્યપઠન તેમજ ખાસ કરીને શબ્દ ગોસ્વામીની રજૂઆત થકી આ કાર્યક્રમ ખરેખર શાનદાર સફળ રહ્યો છે. મારા પ્રતિષ્ઠિત પત્રકાર પિતા ભૂપતભાઈ પારેખ વર્ષો સુધી ABPL ગ્રૂપ સાથે સંકળાયેલા રહ્યા અને મારા પત્ની ડો. ઉર્વી પારેખ પણ ગ્રૂપના ડાયરેક્ટર તરીકે સંકળાયેલા છે. આ કાર્યક્રમને ભારે સફળતા અપાવવા બદલ હું સહુનો આભાર માનું છું.
ગુજરાત સમાચારે ઘણા કલાકારોને ઓળખ આપી છેઃ માયાબહેન
માયાબહેન દીપકે સન્માનનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે ‘રોયલ આલ્બર્ટ હોલમાં ગાયકને ગાવાનું ફાવે, બોલવાનું ન ફાવે. આ સરસ ઈવેન્ટ રહ્યો છે. મને સરપ્રાઈઝ સન્માન મળ્યું છે, પણ બહુ આનંદ છે. મને જરા પણ જાણ ન હતી. કવિજનોનો આભાર, સી.બી. પટેલ સાહેબનો આભાર.’
‘હું સૌપહેલા 1985માં લંડન પહોંચી ત્યારે અપરીણિત હતી. દિવ્યાંગભાઈ વકીલના શિષ્ય સંજયભાઈ પટેલની સાથે હું પ્રોગ્રામ આપવાં ત્યાં ગઈ ત્યારે લોકોને શું ગમે તેની જરા પણ ખબર નહિ. ધીરેધીરે ખેડાણ શરૂ થયું.
લોકો પાસેથી ફરમાઈશો એકત્ર કરી તેના આધારે પૂરી તૈયારી સાથે 1988માં નવી શરૂઆત કરી હતી.
ગુજરાત સમાચારે મને ઘણો સહકાર આપ્યો છે અને ઘણા કલાકારોને ઓળખ આપી છે. હું પુષ્પામાસી, સરોજમાસીનો ખાસ આભાર માનું છું. માયાબહેન દીપકે વધુમાં જણાવ્યું હતું કે મારી સંગીત કારકિર્દીમાં મારા પતિ દીપક પંચાલ અને મારા પુત્રનો ઘણો સાથ મળ્યો છે. ઘણા લોકો મારાં માયા દીપક નામ વિશે પ્રશ્ન કરે છે. તે સમયે માયા પંચાલ નામના અન્ય કલાકાર પણ હતાં. મારા પતિ દીપકે મને અજવાળું આપ્યું છે. તેમનું નામ મારી સાથે જોડાયેલું છે.’

સી.બી.એ મને પરિવારનો સ્નેહ આપ્યો છેઃ તુષારભાઇ

આ પછી, માયાબહેને કાર્યક્રમના સંચાલનમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વર્ષોથી સંકળાયેલા તુષારભાઈ જોષીને સન્માન આપવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમ સંચાલક, લેખક, વક્તા અને આરજે શ્રી તુષારભાઈ જોષીનું સન્માન ABPL વતી જ્યોત્સનાબહેન શાહ, કોકિલાબહેન પટેલ અને માયાબહેન દીપકના હસ્તે કરવામાં આવ્યું હતું. તુષારભાઈ જોષીએ સન્માન બદલ સહુનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સી.બી. પટેલે મને પરિવારનો સ્નેહ આપ્યો છે.

સી.બી. સંબંધોના માણસ છેઃ અજયભાઇ ઉમટ

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શ્રી અજયભાઈ ઉમટે ટુંકા સંબોધનમાં જણાવ્યું હતું કે ગંગામાં પાપ અને દિલ્હીમાં આપ ધોવાયું છે. સી.બી. પટેલ એ સંબંધોના માણસ છે. કોઈ પણ વ્યક્તિ સી.બી. પટેલના પરિચયમાં આવે તે આજીવન દોસ્ત બની જાય. પરિવારના સભ્ય જેવી જાળવણી રાખે છે. આ સંસ્થાના કોઈ પણ કાર્યક્રમમાં મારી હાજરી અવશ્ય રહે છે. સંસ્થા વધુ અને વધુ પ્રગતિ કરતી રહે તેવી શુભકામના.’

આ પછી શ્રી મફતભાઈ પટેલ દ્વારા બાળકવિ શબ્દ ગોસ્વામીને રૂ. 500નો પ્રોત્સાહક પુરસ્કાર જાહેર કરાયો હતો. કાર્યક્રમમાં સમાપનમાં ઉપસ્થિત મહેમાનોએ સ્વાદિષ્ટ વ્યંજનોનો આસ્વાદ માણ્યો હતો. (તમામ ફોટો સૌજન્યઃ જાટકીઆ સ્ટુડિયો - અમદાવાદ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter