ગુજરાત સમાચારઃ એક સંપૂર્ણ સમાચારપત્ર

મારે પણ કંઇક કહેવું છે...

- રણધીર ચાવડા, હેરો Friday 14th February 2025 05:22 EST
 
 

માનનીય તંત્રીશ્રી, માદરે વતન ગુજરાતથી પાંચ વર્ષ પૂર્વે રોજગારીના કારણસર અહીં લંડનમાં આવીને વસવાટ કરવાનું બન્યું છે ત્યારથી આપના સમાચાર સાપ્તાહિકો ગુજરાત સમાચાર અને એશિયન વોઇસનો નિયમિત વાચક તો હતો જ. પરંતુ સમયના વીતવા સાથે ચાહક પણ બની ગયો છું એમ કહું તો પણ ખોટું નહીં ગણાય. લંડનમાં કુટુંબ સાથે સ્થાયી થયો તે પહેલાં હીરાનગરી સુરતમાં વસતો હતો. સારી જોબ હતી અને પગાર પણ સારો હતો. પણ પ્રગતિની ઝંખના અને ઉજળા ભવિષ્યની આશા મને મારા પરિવાર સાથે અહીં ખેંચી લાવી છે. શરૂઆતમાં નવી જગ્યા, નવા લોકો, નવો માહોલ આ બધામાં સેટ થવું શરૂઆતમાં બહુ કપરું હતું. મારી જેમ જ વતન છોડીને અહીં આવી વસેલા લોકોએ પણ શરૂઆતમાં વધતા-ઓછા અંશે આવી લાગણી અનુભવી જ હશે. મને અને મારા પરિવારને વતનની બહુ યાદ આવતી હતી અને એક મિત્ર પાસેથી ગુજરાત સમાચાર વાંચવા મળ્યું. સાચું કહું તો તમારું અખબાર વાંચીને વતન સાથે જોડાયાની લાગણી અનુભવી. સુરતમાં ગુજરાત મિત્રનો નિયમિત વાચક હતો તો અહીં ગુજરાત સમાચાર જ્ઞાનભૂખ સંતોષી રહ્યું છે.
આથી ગુજરાતના સમાચાર ગુજરાતીમાં મળી રહે તે માટે ગુજરાત સમાચારનું લવાજમ ભરવાનું નક્કી કર્યું. લવાજમનું ફોર્મ જોયું તો થોડાક પાઉન્ડ જ વધારે આપવાથી અંગ્રેજી એશિયન વોઇસ પણ આખું વર્ષ મળતું હોવાનું સમજાયું. અને બન્નેનું એક વર્ષનું કમ્બાઇન લવાજમ ભરી દીધું. તે દિવસથી આજ લગીમાં ક્યારેય લવાજમ ભરવાનું ચૂક્યા નથી. આ સાથે જ એક વાચક તરીકે મારે પણ કબૂલવું રહ્યું કે તમારા અખબારોએ પણ ક્યારેય અમને નિરાશ કર્યા નથી. વાંચનસામગ્રીના મામલે તમે ખરેખર પૈસાવસૂલ છપ્પનભોગ પીરસો છો. વતનથી લઇને બ્રિટન ઉપરાંત દુનિયાભરના સમાચારો, પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડ્યાની ધારદાર કલમે સાંપ્રત ઘટનાનું વિશ્લેષણ, સહુ કોઇના જીવનમાં ઉજાસ ફેલાવતી તુષારભાઇ જોષીની ‘અજવાળું અજવાળું’ કોલમ, કલમના એક જ લસરકાથી જીવનનું નવી જ દિશામાં ‘આરોહણ’ કરાવતી રોહિતભાઇ વઢવાણા સાહેબની કોલમ, વેપાર-ઉદ્યોગ, રમતગમત, ધર્મ-સંસ્કૃતિ, આરોગ્ય, મહિલા પેજ, વાનગી, વાર-તહેવારોની જાણકારી આપતાં પર્વવિશેષ લેખો, ભારતીય સમાજ માટે કાર્યરત વિવિધ સંસ્થાઓના અહેવાલો, કવિતા - નવલિકા... કેટકેટલું વાંચવા મળે છે. હા, રમતગમત અને નવલિકામાં ક્યારેક ક્યારેક ખાડા પડી જાય છે. જોકે આ છતાં આખું અખબાર વાંચવામાં સપ્તાહ ક્યાં વીતી જાય છે તે જ ખબર પડતી નથી, શનિવાર આવતાં જ નવા ગુજરાત સમાચાર - એશિયન વોઇસની રાહ જોવાનું શરૂ થઇ જાય છે. અંતમાં માત્ર એટલું જ કહીશ કે ગુજરાત સમાચાર માત્ર સમાચાર પત્ર નથી, પણ સંપૂર્ણ સમાચાર પત્ર છે.
અરે... સોનેરી સંગતનો ઉલ્લેખ તો ચૂકી જ ગયો. ગુરુવાર વર્કિંગ ડે હોવાથી લાઇવ સેશનમાં તો નથી જોડાઇ શકતો, પરંતુ બાદમાં તમારી યુટ્યુબ ચેનલ પર પૂરો એપિસોડ જોવાની સગવડ હોવાથી કંઇ ગુમાવવું પડતું નથી. આ ઝૂમ કાર્યક્રમ સોના જેવી તમારી પ્રકાશન કામગીરીમાં સુગંધ ભેળવે છે. આપના પ્રકાશનો સમાચારના માધ્યમથી સદૈવ આવી જ સમાજસેવા કરતા રહે તેવી અંતરની શુભેચ્છા સહ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter