ગયા વર્ષથી કોરોનાને કારણે સરકારી લોકડાઉનને પગલે પરદેશ પ્રવાસ પર પ્રતિબંધ લદાયો છે. અમારા સાસરીપક્ષ અને પિયરપક્ષના બધા જ સ્વજનો સહિત મોટો સુપુત્ર પણ અમેરિકામાં સ્થાયી થયો છે એટલે દર વર્ષે એકાદવાર તો અમેરિકા પ્રવાસે જવાનું થાય જ. નોર્થ અમેરિકાના ન્યૂયોર્ક-ન્યુજર્સીથી માંડી તે ઠેઠ કેલિફોર્નિયા-એરિઝોના ને ટેકસાસ સુધી સગાંસંબંધીઓ રહેતા હોવાથી બધા શહેરો-નગરોના પ્રવાસે જવાનું થતું હોય છે. યુ.કે.થીઆપણે અમેરિકા જઇએ એટલે ત્યાંના આપણા સગા-સ્નેહી આપણને આફ્રિકાના "બાના" કહીને સંબોધે. જો કે અમે આફ્રિકામાં કયારેય રહ્યા નથી, પતિશ્રી તબીબ એટલે '૭૬ની સાલમાં સીધા અમૂલ નગરી આણંદથી જ અહીં ટ્રાન્સફર થયા છીએ તેમછતાં અમેરિકનવાસીઓના માનસપટ પર એક એવી છાપ અંકિત થઇ ગઇ છે કે લંડન-યુ.કે.માં રહેનારા બધા જ આફ્રિકવાળા "બાના"! આપણે અમેરિકામાં આપણા કોઇ ગુજરાતીને ત્યાં જઇએ એટલે ચરોતરી, સુરતી કે મેહોણીયાનો પરિચય આપણને વગર માગ્યે બોલચાલ પરથી જ મળી જાય, તમે કયાંનો છો? એ પૂછવાનો વારો જ ના આવે!
બે વર્ષ અગાઉ જૂનમાં અમે એરઇન્ડિયાની ફલાઇટ લઇ ન્યુજર્સી જઇ રહ્યા હતા. હીથ્રો એરપોર્ટ પર લગેજ ચેકીંગ ડેસ્ક પર કોઇ લાઇન ના જોતાં અમે આશ્ચર્યમાં પડ્યાં. મેં અમારા ડોકટર પતિને ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, “લંડનથી તો ફલાઇટ ખાલી લાગે છે, આપણે આરામથી સીટ પર સૂતાં સૂતાં જવાશે. ઇમિગ્રેશન પતાવી અમે ડિપાર્ચર ગેટ નજીક આરામથી વાતો કરતાં બેઠાં હતાં. થોડી મિનિટોમાં ફલાઇટના ક્રૂ મેમ્બર્સ આવ્યા અને ચેકીંગ ચાલુ થવાની તૈયારી થઇ ત્યાં જ કોણ જાણે કયાંથી ઇન્ડિયાથી આવેલા ટ્રાન્ઝીટ પેસેન્જરોની વણઝાર છૂટી. ટ્રેન કે બસ પકડવા હડીઓ કાઢતા આવેલા પેસેન્જરોમાં કોઇના પગમાં સ્લીપર તો કોઇના પગમાં ઘસાઇને ચીધરેહાલ થઇ ગયેલા ચંપલ, કોઇના હાથમાં ઠસ્સોઠસ ભરેલી બબ્બે હેન્ડબેગ્સ. એમાં એક ધોતિયાવાળા બુઝર્ગ કાકાના ફાટેલા વૈઢ (પગની એડીઓમાં ચીરા)વાળા પગમાં ભૂરી પટ્ટીવાળા સ્લીપર હતા અને એમની ટેકે ચાલતાં બાના હાથમાં માટીની હાંલ્લી જેવો ઘડો હતો. આવું સીન જોઇ અમે વિચારમાં પડ્યા કે છ-સાત કલાકની ફલાઇટની મુસાફરી કેવી હશે. વચ્ચેની ચાર સીટોમાં અમે બેઉ પતિ-પત્ની ગોઠવાયાં ત્યાં ત્રણ યુવા દંપતિઓ એમના બાળવૃંદ સાથે આવીને બે અમારી બાજુમાં અને બીજા ચાર એની પાછળની સીટમાં ગોઠવાયા. બ્રિટનની હદ વટાવી ફલાઇટ એટલાંન્ટિક મહાસાગર પર ઉડ્ડયન કરી રહી હતી એટલે એરહોસ્ટેસે પ્રવાસીઓને ખાણીપીણી આપવાની શરૂઆત કરી. અમે શાકાહારી હોવાથી પહેલી ડીસ અમારી ટ્રે પર આવી. ગરમા ગરમ શું ભારતીય વાનગી આવી છે જોવા અમે ડીશનું કવર ખોલ્યું ત્યાં તો અમારી બાજુમાં બેઠલેા દંપતિની ત્રણેક વર્ષની દીકરીએ મારી ડીશમાંથી પૂરી લેવા તરાપ મારી, અમે ખૂબ વહાલપૂર્વક એ બાળકીની હાથમાં પૂરી પકડાવી ત્યાં બીજી વસ્તુઓ લેવા હઠે ચડેલી બાળકીએ અમારી ડીશને ઝાપટ મારીને નીચે પાડતાં શાક-રાઇસ ને મિઠાઇની મજા માણ્યા વગર અમે ઉપવાસ કર્યો. ભારતીય ભોજનનો આસ્વાદ માણ્યા પછી અમારી પાછળની સીટ પરથી ૪૦-૪૫ વર્ષના ભાઇ ઉભા થયા. તસતસ શર્ટનાં બટનો ઉપર જાણે "બળાત્કાર" થઇ રહ્યો હોય એમ ખાધે પીધે સુખી ઘરના એ ભાઇ મારી બાજુમાં બેઠેલા મિત્ર નજીક આવીને ઉભા, ખિસ્સામાંથી ડબ્બી કાઢી ચૂનો અને તમાકુની ભુક્કી હથેળી પર લઇ મસળતાં પૂછ્યું, “અલ્યા જગલા (એટલે કે જગદીશ) આપણે ચેટલે આયા? પેલા મિત્રએ કહ્યુ, “અડધે તો પોંચી ગ્યા અવે તૈન કલાક બાકી છે, એ ચાંય નીકળી જશે!” પન આપણાં આ બૈરાં સજીધજીને હોનાની જણસો પ્હેરીને આયાં છે!! અલ્યા.. એમાં બઉ હાચવવું પડશે! એરપોર્ટ પર ઇમિગ્રેશનવાળો જોઇ ગ્યો તો પત્યું!! આપણી પાસે તો છ પેટીઓ અને આઠ હાથનાં લગેજ છે. એમાં જો આ લતાએ પેટીમાં મૂકેલાં મેથીયાં ને છૂંદો ઇમિગ્રેશનવાળાને હાથે ચડી ગયો તો આપણા હાડા બાર !!!મારી પાછળ બેઠેલાં બહેન પણ તમાકુ ચગળતા પતિ સાથે આવીને શું થયું એવા પ્રશ્નાર્થ સાથે ઉભાં. પતિને ચિંતીત થતા જોઇ ઘરેણાં સજ્જ બહેન તાડૂક્યાં, "તમે છાંના રહો, હું પંજાબી ડ્રેસ ઉપર સેટર ને કોટ પહેરી લઇશ, કોઇ કાકોય જોવાનો નથી!!! પતિઓને નિશ્ચિંત રહેવાની તાકીદ કરનાર બહેનો અને એમના પતિદેવોના વાર્તાલાપ અને ઇમિગ્રેશવાળાને કેવી રીતે જવાબ આપવા એની ભાષા પરથી તેઓ ચરોતરી અમેરિકન હોય એવું લાગ્યું.
અમેરિકામાં બ્લડ રિલેશન પર દક્ષિણ ગુજરાત અને ચરોતરના ગામેગામ અમેરિકામાં ઠલવાયાં છે. આમારી ફલાઇટમાં ઉતરનારા ૭૦-૮૦% ગુજરાતથી આવનારા પ્રવાસીઓ હોવાનું જણાયું. ફલાઇટ ન્યુજર્સીના નૂઆર્ક એરપોર્ટ પર ઉતરી. હજુ ફલાઇટ ગેટ પર પહોંચી નહિ હોય ત્યાં તો કેટલાક પેસેન્જરો તો ઉભા થઇ હેન્ડલગેજ કાઢવા અધીરા થયા. એરહોસ્ટેસ અંગ્રેજીમાં બોલતી રહી પણ સાંભળે કોણ! ગેટ પર એરક્રાફટનું ડોર ખૂલ્યું ત્યાં બહાર નીકળવા ધડાધડી થઇ. ફલાઇટમાં પ્રવાસ કરનારા ગણ્યા-ગાંઠ્યા ગોરા પ્રવાસીઓ હતા એ પણ "લોર્ડ જીસસ" કહી હેરત પામતા દીઠા.
ઇમિગ્રેશન પતાવી બેલ્ટ પર પોતપોતાનું લગેજ કલેકટ કરવાનું હતું. બેલ્ટ પર દોરીઓ વડે કચકચાઇને બાંધેલી શૂટકેસો, સાવરણીઓ જોઇ અમે ઉભા ઉભા મનોમન હસતા હતા. આ ફલાઇટમાં આવેલા મોટા ભાગના પ્રવાસીઓને કસ્ટમ અધિકારીઓ લગેજમાં સાથે શું લાવ્યા છો ? એવા અનેક પ્રશ્નો પૂછીને મૂંઝવતા હતા. અમને પણ કયાંથી આવ્યા શું લાવ્યાના પ્રશ્નો પૂછાયા. અમે બ્રિટીશ નાગરિક છીએ અને લંડનથી આવ્યા છીએ, ઇમિગ્રેશન ફોર્મમાં ભરેલી વિગતો મુજબ અમે ચોકલેટ અન્ય ડ્રાય સ્નેક્સ વગર કોઇ ફળફૂલ કે ખાદ્યચીજ લાવ્યા નથી એમ જણાવતાં અમારું લગેજ ક્લીયર થયું પણ ઇન્ડિયન દેખાતા મોટાભાગના પ્રવાસીઓના લગેજ ખોલતાં અથાણાં, મિઠાઇઓ, જાતજાતના લોટ, જીરૂ, રાઇ, મેથી ને મસાલાના પેકેટોથી ગાર્બેજ બીન ઉભરાતાં દીઠાં. અમેરિકન ઇમિગ્રેશવાળા ય હવે તો પૌંઆ, મગસ, પેંડા, લાડુ, પીકલ, છૂંદો, મગ, મફરી (પીનટ) બોલતા થઇ ગયા છે. ચાલો વાંચક ભાઇ-બહેનો ત્યારે હું મારા સંબંધીઓ સાથે ન્યુજર્સી ને શિકાગો સહિત કેટલાક શહેરોમાં ફરી આવું પછી આવતા સપ્તાહે આપણા અમેરિકન ગજજુઓના ઠાઠનો પાકો પરિચય કરાવીશ.