ગુજરાતનું ગૌરવ ઓસમાણ મીર

Tuesday 18th July 2017 10:58 EDT
 
 

ગુજરાતના ગૌરવ તરીકે જાણીતા અને સંજય લીલા ભણશાળીની ફિલ્મ 'રામલીલા'ના વિખ્યાત ગીત 'મારૂ મન મોર બની થનગાટ કરે'થી જગમશહૂર થયેલા અોસમાણ મીર લેસ્ટર અને લંડન ખાતે મનોરંજક કાર્યક્રમ આપવા પધારી રહ્યા છે.

લોર્ડ ડોલર પોપટે છેલ્લા ૪૦ વર્ષ દરમિયાન બ્રિટીશ ભારતીય ગાયક કલાકારોએ બ્રિટીશ ભારતીય સમુદાયને આપેલા સાંસ્કૃતિક યોગદાનને બિરદાવવાના આશયે અોસમાણ મીરના એક વિશેષ કાર્યક્રમનું આયોજન હાઉસ અોફ લોર્ડ્ઝ ખાતે કર્યું છે. જેમાં સ્થાનિક કલાકારો મોહમ્મદ કાસમ, અનિલા ગોહિલ, દીપક ખજાનચી, મહેશ ગઢવી અને અન્ય કલકારો ઉપસ્થિત રહેશે.

ગુજરાત – રાજસ્થાનના મીર પરિવારો સંગીતને સમર્પિત છે. સંગીત તેમની ભક્તિ છે અને આજીવિકાનું સાધન પણ. ભારતના સંતોના પદો અને સૂફી સંગીત તેમની ગળથૂથીમાં છે. તેમણે લોકસંગીતને ધબકતું રાખ્યું છે. ઓસમાણ મીરને સંગીત માતૃપક્ષ અને પિતૃપક્ષ તરફથી વારસામાં મળ્યું છે. સંગીત અભિવ્યક્તિના વિવિધ પ્રકારો પર જેમ કે ગુજરાતી ભક્તિ સંગીત, ગુજરાતી-સિંધી લોકસંગીત, ગુજરાતી સંગીત કાવ્ય (લાઇટ મ્યૂઝિક), ઉર્દૂ ગઝલ-નઝમ, સૂફી સંગીત અને ભારતીય હિન્દી ફિલ્મના પાર્શ્વસંગીત (પ્લેબેક સીંગર) પર જાણે કે તેમનો અધિકાર છે.

કારકીર્દિની શરૂઆત તબલાવાદક તરીકે કરનાર અોસમાણ આજે એક ઉત્તમ ગાયક તરીકે વિખ્યાત છે. ત્રણે સપ્તકમાં ફરતો બુલંદ અવાજ, શબ્દોના અર્થને સૂરમાં પ્રગટાવતો અર્થ ગંભીર સ્વર, ઊંડાણથી પ્રગટતા સ્વરોથી ભાવસૃષ્ટિ સર્જતો ગાયક, પ્રસ્તૂતિની કલાથી શ્રોતાઓને ભાવજગતમાં વિહાર કરાવતો ભારતનો એક ઉત્તમ કલાકાર છે. અોસમાણ જન્મે મુસ્લિમ છે, પરંતુ મોરારિબાપુના ચુસ્ત અનુયાયી છે અને તેમણે સૌ પ્રથમ ગુરુપુર્ણિમાના દિવસે બાપુ માટે ગીત સંગીત રજૂ કર્યા હતા. બાપુની કૃપા દૃષ્ટિમાં તે સતત વિકસતા અને સ્વરસમૃદ્ધ થતા રહ્યા છે. અોસમાણ મીરે ૪૦ જેટલી ગુજરાતી ફિલ્મોમાં પણ ગીત સંગીત રજૂ કર્યા છે અને ૨૫ દેશોમાં કાર્યક્રમો રજૂ કર્યા છે.

તેમના સાથી કલાકારો - વાદકો પણ તેમના પરિવારજનો છે. સંગીતનો વારસો સૌને પરિવારમાંથી જ મળ્યો છે અને એટલે પ્રસ્તૂતિમાં એ સૌ સરળતાથી સહજતાથી ભળી જઈ પ્રસ્તૂતિની એક શ્રેષ્ઠ ડિઝાઇન રચવામાં મદદરૂપ થાય છે.

TLC ઇવેન્ટ્સ દ્વારા શનિવાર તા. ૨૨મી જુલાઇના રોજ સાંજે ૬-૩૦ કલાકે લેસ્ટરના ડી મોન્ટફોર્ટ હોલ, ગ્રેનવિલ રોડ, લેસ્ટર (સંપર્ક: 0116 2333 111) અને રવિવાર તા. ૨૩ જુલાઇના રોજ સાંજે ૬ કલાકે વોટફર્ડ કોલોસીયમ, રીકમન્સવર્થ, વોટફર્ડ (સંપર્ક: 020 8907 0116) ખાતે અોસમાણ મીરના ગીત સંગીક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટિકીટ માટે સંપર્ક કરો ત્યારે ગુજરાત સમાચારનો ઉલ્લેખ કરવા વિનંતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter