ગુજરાત સમાચાર દ્વારા આયોજિત ઝૂમ ઈવેન્ટ ‘સોનેરી સંગત’ને ભારે આવકાર મળી રહ્યો છે. ગત ગુરુવાર 25 જુલાઈએ ‘સોનેરી સંગત’ ઈવેન્ટમાં ગુજરાતી કલ્ચરલ સોસાયટી (GCS)ની અસાધારણ અને પ્રેરણાદાયી યાત્રા વિશે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતી કલ્ચરલ સોસાયટીના પ્રેસિડેન્ટ મીરાબહેન પટેલ, ડો. અમૃત શાહ, ડો. મિલિન્દ જાની અને ધીરુભાઈ ગઢવીએ આ દિલચસ્પ સંવાદમાં ભાગ લઈ સંસ્થાના ચાર દાયકાથી વધુની યાત્રામાં GCSના પ્રેરણાદાયક ઈતિહાસ અને સિદ્ધિઓ વિશે સુંદર માહિતી આપી હતી.
કાર્યક્રમનું સંચાલન કરતા ગુજરાત સમાચારના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર પૂજાબહેન રાવલે 1980માં સ્થાપિત GCSનો પરિચય આપતાં જણાવ્યું હતું કે યુકેમાં ઘણી બધી સંસ્થાઓ અનેક પ્રકારની કામગીરીમાં સંકળાયેલી છે જેમાં ગુજરાતી કલ્ચરલ સોસાયટી (GCS)ની સાંસ્કૃતિક, ધાર્મિક અને શૈક્ષણિક અને સામુદાયિક ક્ષેત્રોમાં કામગીરી નોંધપાત્ર રહી છે. આ સંસ્થાએ તેના સભ્યોના સાથ અને સહકારથી જોશીલા સમુદાયનું સર્જન કર્યું છે. ગુજરાતી કલ્ચરલ સોસાયટીએ કોવિડ મહામારીના સમયગાળા દરમિયાન શ્રી ધીરુભાઈ ગઢવી અને GCS સભ્યોના વડપણ હેઠળ અન્ય વિવિધ કોમ્યુનિટી સંસ્થાઓના સહયોગમાં ઝૂમ થકી સાંસ્કૃતિક, ધાર્મિક અને મનોરંજક કાર્યક્રમો રજૂ કરાયા હતા. સંસ્થાના ગરબા કાર્યક્રમોને વૈશ્વિક પ્રશંસા પ્રાપ્ત થઈ છે અને UNESCO હેરિટેજ તરીકે પણ સ્વીકૃતિ હાંસલ થઈ છે.
પૂજાબહેને ધીરુભાઈ ગઢવીને તેમની વાત જણાવવા આમંત્રણ આપ્યું હતું. ધીરુભાઈએ સુંદર કાર્યક્રમના આયોજન બદલ સી.બી. પટેલ તથા ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ ટીમના સભ્યોને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ સુંદર પ્લેટફોર્મ અને મોકો આપીને GCSનો માનમરતબો વધાર્યો છે. જીસીએસ નાની સંસ્થામાંથી ઈન્ટરનેશનલ સ્તરની ઊંચાઈએ પહોંચી તેનો યશ પૂર્વ અને વર્તમાન તમામ સભ્યો, કમિટી મેમ્બર્સને જાય છે. તેમણે સેવા બાબતે જણાવ્યું હતું કે સેવા ત્રણ પ્રકારની વ્યક્તિ કરી શકે છે. સેવા કરનાર વ્યક્તિને જશ મેળવવાની ઈચ્છા હોય, બીજી વ્યક્તિને સેવા કરવાથી જશ ન મળે તો પણ અપજશ ન મળે તેવા ઈચ્છા રહે છે, ત્રીજી વ્યક્તિ જશ કે અપજશની ચિંતા કર્યા વિના મૂંગી રહીને સેવામાં આગળ વધતી રહે છે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલે જણાવ્યું હતું કે GCS સંસ્થા ભલે નાની છે પરંતુ, દુનિયામાં મહાન કાર્યો અલ્પસંખ્યક જ કરે છે. ગુજરાતી કલ્ચરલ સોસાયટીને હું ઓક્ટોબર 1982થી જાણું છું. મારી દૃષ્ટિએ ઘણી કાર્યદક્ષ સંસ્થાઓ છે તેમાં બ્રાઈટનની ગુજરાતી કલ્ચરલ સોસાયટી આગલી હરોળમાં આવે છે. અમે સંગત નહિ, આ રંગત રાખી છે. જાત જાતના પ્રોગ્રામ્સ થાય છે. આરોગ્ય, અર્થકારણ, હમણા કમુબહેન પલાણના સારામાં સારા યોગના બે કાર્યક્રમ પણ થયા. પૂજ્ય બ્રહ્માવિહારી સ્વામી હમણાં બોલ્યા હતા અબુ ધાબી મંદિર વિશે તે સહિત ઘણું સારું કામ થાય છે. સી.બી. પટેલે સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો.અમૃતભાઈ શાહને GCS સંસ્થા વિશે જણાવવા વિનંતી કરી હતી.
ડો.અમૃતભાઈ શાહે જણાવ્યું હતું કે આપણે આટલા દૂર રહ્યા છીએ પણ દેશ અને ગુજરાતની ઝલક આપણે જ્યાં હોય ત્યાં સાચવી રાખવાની છે. તેમણે કવિ અરદેશર ફરામજી ‘ખબરદાર’ને યાદ કરી કહ્યું હતું કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત.’ ગુજરાતી કલ્ચરલ સોસાયટીનો આરંભ 1980માં થયો. મેં બ્રાઈટનમાં 1978ની આસપાસ ટ્રેઈની જીપી તરીકે કામગીરી શરૂ કરી હતી ત્યારે ગુજરાતીઓના માત્ર 15થી 20 ઘર હશે. અમારે નવરાત્રિ જેવા પ્રસંગ ઉજવવા હોય તો બાજુના ક્રોલી કે લંડન જવાનું થતું. ગુજરાતીઓની વસ્તી વધતી ગઈ તેમ બ્રાઈટનમાં 1980માં ગરબાના કાર્યક્રમ સાથે શરૂઆત થઈ. હવે તો બ્રાઈટનમાં 300 ગુજરાતી પરિવાર થઈ ગયા છે. ગુજરાતી કક્કો હોવો જ જોઈએ તેવી ભાવના સાથે ગુજરાતી પ્રાઈમરી ક્લાસીસ પણ શરૂ કરાયા તેમજ ધીરે ધીરે બધા તહેવારોની ઊજવણી પણ શરૂ કરાઈ હતી. અમને ગુજરાતી અસ્મિતા જાળવી રાખવાનું ગૌરવ છે. ડો. શાહે બ્રાઈટનનો ઈતિહાસ જણાવવા સાથે પ્રથમ વિશ્વ યુદ્ધ સમયે રોયલ પેવેલિયનમાં 12,000 ભારતીય સહિતના સૈનિકોની સારવાર કરાઈ હતી તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સી.બી પટેલે બ્રાઈટન અને ગુજરાતી કલ્ચરલ સોસાયટી વિશે વધુ જાણકારી આપવા ડો. મિલિન્દ જાનીને આમંત્રિત કર્યા હતા. ડો. જાનીએ સૌ પહેલા તો સીબીને બ્રાઈટન આવવાનું આમંત્રણ પાઠવતા લલકાર્યું હતું કે, ‘કેસરિયા સીબી સાહેબ પધારો મારા ઘેર’. બ્રાઈટનમાં અમે આપણી ભારતીય સંસ્કૃતિ સ્થાપિત કરી છે. ગુજરાતી કલ્ચરલ સોસાયટી ભારતીય, ગુજરાતી અને હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે. મારા પત્ની અસ્મિતા જાની, ડો. શાહના ધર્મપત્ની મંજુબહેન, મીરાબહેન સહિત સ્ત્રીઓએ એકત્ર થઈ 1989થી અથાગ પ્રયાસો થકી ઘણી ઘણી સેવાઓ, કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે જે માનનો ભાવ છે તે માટે યુકેની ઘણી સંસ્થાઓ ઘણા કાર્યો કરે છે પરંતુ, આ બધી સંસ્થાઓના કામ આગળ લાવવા, દુનિયા સમક્ષ મૂકવાવાળા સીબી સાહેબને આપણે નમન કરવા જોઈએ. તેઓ આટલી ઊંમરે પણ ધગશથી આપણને બધાને આગળ કરે છે, આપણો પ્રચાર કરે છે. આપણા ગુજરાતીઓને હેલ્થ અને હેલ્થકેર બાબતે જે પણ જરૂર હોય ત્યાં ગુજરાતી કલ્ચરલ સોસાયટી વતી હું અને ડો. શાહ સહિતના સભ્યો રજૂઆતો કરીએ છીએ. બહારથી આવેલા હિન્દુ પરિવારોમાં કોઈ સભ્યની ટર્મિનલ ઈલનેસ હોય અને પરિવારની વિનંતી આવે ત્યારે વિધિ કરવા અમે કોઈ પૂજારી મેળવી આપતા અથવા અમે જાતે પણ થોડા શ્લોક બોલીને શાંતિ અપાવતા હતા. તેમણે કહ્યું હતું કે અમે બ્રાઈટનમાં સૌપ્રથમ 1994માં હોળી પ્રગટાવવાની વ્યવસ્થા કરી અને ત્યારથી દર વર્ષે તે ઊજવાય છે. આવા કાર્યક્રમો હિન્દુ સંસ્કૃતિની સ્થાપના સમાન છે. અમદાવાદની માંડવીની પોળને પણ ટક્કર મારે તેવા રાસગરબા અમારે ત્યાં થાય છે. અમે 1997માં ભારતની આઝાદીની 50મી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ કર્યો હતો જેમાં દેશના જુદા જુદા પ્રાંતોના લોકનૃત્યોની રમઝટ જામી હતી.
આ પછી, સીબીએ ગુજરાતી કલ્ચરલ સોસાયટીના પ્રમુખ મીરાબહેન પટેલને સંસ્થા અને પ્રવૃત્તિઓ તેમજ ગુજરાતી સમાજની બહેન-દીકરીઓ અને બાળકો માટે શું કરવામાં આવે છે તેના વિશે જણાવવા આમંત્રિત કર્યા હતા. મીરાબહેને જણાવ્યું હતું કે તેઓ બાળકોને ગુજરાતી સંસ્કૃતિની સમજ આપવા માગે છે. અમે સાથે મળીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ, રવિવારે સ્પોર્ટ્સનો દિવસ રાખીએ છીએ જેથી બધાને એકબીજાને મળવાની સારી તક મળી રહે અને બધા આનંદ માણી શકે. નવી પેઢીને તેમની સંસ્કૃતિ આગળ વધારવાની સમજ મળે છે. અમને ગુજરાતી અને ભારતીય હોવાનું ગૌરવ છે. અમે સમાજનું ઋણ ચૂકવવા ઈચ્છીએ છીએ. અમારે કોઈ એપ્રિશિયેશન જોઈતું નથી. અમે વારસાને આગળ વધારવા માગીએ છીએ. GCS ટીમવર્ક છે અને સભ્યોની મદદ વિના કશું થઈ શકે નહિ. તમામ સભ્યોએ ગુજરાતના ગૌરવને આગળ વધારવાની કામગીરી બજાવી છે.
સીબી પટેલે ગુજરાત સમાચાર-એશિયન વોઈસમાં નારીશક્તિના પ્રભાવ વિશે વાત કરી ધીરુભાઈ ગઢવીને આમંત્રિત કરી સંસ્થાની ભાવિ યોજનાઓ વિશે જણાવવા કહ્યું હતુ. ધીરુભાઈએ કહ્યું હતું કેGCS દ્વારા દિવાળીની ભવ્ય ઊજવણી કરવામાં આવે છે. કોવિડ મહામારીમાં સૌપહેલા ઝૂમ કાર્યક્રમ થકી ભજનોની શરૂઆત કરાઈ હતી. ગુજરાત સમાચાર,NCGO સહિત અન્ય સંસ્થાઓ પણ તેમાં સામેલ થઈ અને દોઢ વર્ષ સુધી આ ભજન કાર્યક્રમો થયા હતા. ગુજરાતી કલ્ચરલ સોસાયટી દ્વારા ઈન્ટરફેઈથ સેવા પણ આપાય છે. નાની સંસ્થા હોવા છતાં મેળાવડાઓ સહિત ઘણા કાર્યક્રમો આપીએ છીએ. ધરુભાઈએ ગુજરાતી કોમ્યુનિટીને આગળ વધારવા, એકસંપ રાખવાના પ્રયાસોમાં જોડાઈ જવા સહુને અનુરોધ કર્યો હતો.
આ પછી, બ્યૂરો ચીફ નીલેશભાઈ પરમારે સપ્તાહ દરમિયાનના મહત્ત્વના સમાચારોની જાણકારી આપી હતી. સીબી પટેલે આગામી ઝૂમ ઈવેન્ટમાં પરદેશમાં ભારતીયોની સમસ્યાઓ ઉકેલવા કાન્તિભાઈ નાગડા અને તેમણે સ્થાપેલી સંસ્થા ‘સંગત’ વિશે વાત કરવાની જાહેરાત કરી હતી.