લંડનઃ હેરો વેસ્ટના લેબર સાંસદ ગેરેથ થોમસે ગુજરાતી અને ઉર્દુ જેવી ભાષાઓમાં GCSE ક્વોલિફિકેશન મેળવતા વિદ્યાર્થીઓની સ્થિર ઘટાડો દર્શાવતા આંકડાઓ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના આંકડા અનુસાર ૨૦૧૫થી GCSE માટે ગુજરાતી ભાષાનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓમાં ૭૭ ટકાનો ઘટાડો થયો છે જ્યારે આ જ સમયગાળામાં ઉર્દુ ભણતા વિદ્યાર્થીઓ ૧૭ ટકા ઘટ્યા છે. બીજી તરફ, GCSEમાં પંજાબી અને બંગાળી વિષય લેનારા વિદ્યાર્થીઓમાં પણ અનુક્રમે ૨૪ ટકા અને ૪૩ ટકાનો નાટ્યાત્મક ઘટાડો નોંધાયો છે.
હેરોમાં વંશીય લઘુમતીઓની જનસંખ્યા વધુ છે. વર્ષ ૨૦૧૧ના સેન્સસ અનુસાર હેરોની વસ્તીના ૨૬ ટકા ભારતીય છે અને ભારતીય ભાષા ભણનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવી ચિંતાજનક છે. વિશ્વભરમાં આશરે ૪૮૦ મિલિયન લોકો આ ચાર ભાષા બોલે છે જેનાથી તેમનું વૈશ્વિક મહત્ત્વ સ્પષ્ટ થાય છે. GCSE અને A-લેવલમાં કોમ્યુનિટીની ભાષાઓને મહત્ત્વ આપવાનું અભિયાન ચલાવતા સાંસદ થોમસે અરેબિક, બંગાળી, ચાઈનીઝ તથા અન્ય ભાષાઓ સંબંધિત આંકડાઓ પણ માગ્યા છે.
ભાષાના અભ્યાસમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા બાબતે સાંસદ થોમસે જણાવ્યું હતું કે,‘ ભાષાઓમાં રોકાણ કરવાની મિનિસ્ટરોની નિષ્ફળતાના પરિણામે આપણને દર વર્ષે આ ભાષાઓનો અબ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જોવા મળે છે. આપણે વિશ્વમાં અને ખાસ કરીને ભારત જેવા વિશાળ ઉભરતા અર્થતંત્રો સાથે વેપારસોદા કરવા માગીએ છીએ ત્યારે બ્રિટીશ બિઝનેસીસને આ મહત્ત્વપૂર્ણ ભાષાકૌશલ્ય ગુમાવવું પોસાય નહિ.’
સાંસદ થોમસે જણાવ્યું હતું કે, ‘સરકારે સ્થાનિક કોમ્યુનિટીઓ અને શાળાઓ આ કોમ્યુનિટી ભાષાઓ શીખવે તે માટે નાણાકીય સહાય કરવી જોઈએ. આ ભાષાઓ શીખી રહેલા બાળકોમાં વિશેષ કુશળતા વિકસે છે જે તેમને અભ્યાસક્રમના અન્ય ક્ષેત્રોમાં દેખાવમાં મદદરુપ બની રહે છે. મંદિરો અને સેટરડે ક્લબ્સના માધ્યમોથી યુવા વર્ગને ભાષાઓ શીખવામાં મદદ કરાય છે પરંતુ, કોવિડ મહામારીના કારણે આ પ્રવૃત્તિમાં અવરોધ આવ્યો છે.’