‘ગુજરાત સમાચાર’ વિદેશવાસી ગુજરાતીઓની આગવી અસ્મિતાની જાળવણી, જાણકારી અને જવાંમર્દીને સતત બિરદાવતું અને પોષતું આવ્યું છે. આવા ‘ગુજરાત સમાચાર’ની સુવર્ણ જયંતિ સૌ ગુજરાતીઓ માટે યાદગાર બની રહે તેવી મારી ઝંખના છે.
‘ગુજરાત સમાચાર’ સુવર્ણ જયંતિ ખાસ કરીને ઈંગ્લેન્ડના લંડનની 100 માઈલની ત્રિજ્યામાં વસતા આશરે આઠ–દશ લાખ ગુજરાતીઓના પ્રત્યક્ષ લાભાર્થે અને તેમને અને તેમની આવતી પેઢીઓમાં પણ ગુજરાતીઓની ખુમારી, ખાનદાની અને ખાસિયતોનો વારસો આપી જાય તેવી ગુજરાતીઓની વાતો અમારે સૌને પીરસવી છે.
ગુજરાતીઓનો વિદેશ વસવાટ મુખ્યત્વે ઈંગ્લેડમાં 19મી સદીના ઉત્તરાર્ધમાં આરંભાયો.
1852માં નડિયાદના શામળદાસ દેસાઈ ખંભાત બંદરેથી વહાણે ચઢીને સાથે વાળંદ અને બ્રાહ્મણ લઈને પોતાની સંસ્કૃતિ વિદેશમાં ય જળવાય તે રીતે દેસાઈઓની સાથે દેસાઈગીરીના બચાવ માટે આવેલા.
ગાંધીજી ભારતના રાષ્ટ્રપિતા તો દેશના દાદા એવા દાદાભાઈ નવરોજી 1855માં ઈંગ્લેન્ડ આવ્યા. અહીં ઘણી સંસ્થાઓ સ્થાપી. તેઓ બ્રિટિશ પાર્લામેન્ટમાં ચૂંટાયા, શાપુરજી સકલાતવાલા અને મંચેરશા ભાવનગરી પણ બ્રિટિશ પાર્લામેન્ટમાં ચૂંટાયેલા ગુજરાતીઓ. શ્યામજી કૃષ્ણજી વર્મા, સરદારસિંહ રાણા વગેરેએ દાદાભાઈ સાથે ભારતીય સ્વાતંત્ર્ય–અસ્મિતા અને અને અગવડોના વિચાર બ્રિટનના લોકો અને રાજકારણીઓ સમક્ષ રજૂ કર્યા. દાદાભાઈ નવરોજી, ગોદરેજ વગેરેએ ઈંગ્લેન્ડમાં વ્યવસાય કર્યો હતો.
નવા જમાનામાં ઈંગ્લેન્ડના ગુજરાતીઓનો અહીંના રાજકારણ અને અર્થકારણમાં પ્રભાવ વધ્યો છે. ફાર્મસી ઉદ્યોગ જેવા ઉદ્યોગોમાં તેમણે જબરું કાઠું કાઢ્યું છે.
જે સમયે ઈંગ્લેન્ડમાં ગુજરાતીઓ વસતા થયા તે જ વર્ષોમાં કેન્યા, યુગાન્ડા, દક્ષિણ આફ્રિકામાં પણ વસતા થયા. ઝાંઝીબાર, ઓમાન અને દુબઈમાં તેનાથીય પહેલાં ગુજરાતીઓ પહોંચ્યા હતા. અમેરિકામાં 19મી સદીના આરંભે બ્રિટિશ તાજનું રાજ હતું ત્યારે ભારતીયો પહોંચ્યાના ઉલ્લેખ છે તે ગુજરાતી હોવાનો સંભવ છે.
ભાટિયા, લોહાણા, વણિક, ખોજા, પાટીદારો એ બધા વિદેશ વસવાટમાં મહત્ત્વની પહેલ કરનારા હતા. આ બધી વાતોના અભ્યાસી એવા પ્રા. ચંદ્રકાંત પટેલ મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં ત્રણ દશકાથી વધુ ઈતિહાસ અને સંસ્કૃતિમાં પ્રોફેસર હતા. તેમણે દુનિયાના 65 દેશોની મુલાકાત લીધી છે, આમાંય 30 કરતાં વધારે દેશમાં જઈને ત્યાંના જાણીતા ગુજરાતીઓનો અને ત્યાંના ભારતીય સંસ્કારોની વાતો એમનાં પુસ્તકોમાં છે. તેમણે 115 જેટલાં કુલ પુસ્તક, પુસ્તિકા લખ્યાં છે. હજારો વ્યક્તિઓનો રૂબરૂ મળીને પરિચય લખ્યો છે.
ગુજરાતનાં આઠ–દશ છાપાંમાં તેમની કોલમ જુદા જુદા સમયે પ્રગટ થતી હતી. આજેય આણંદના ‘નયા પડકાર’ દૈનિકમાં છેક 1988થી પ્રગટ થતી તેમની ‘ચારુતરી’ કોલમ લોકપ્રિય છે.
આપણા ‘ગુજરાત સમાચાર’માં પણ તેમની કોલમ ‘દેશવિદેશે ગુજરાત’ કેટલોક સમય પ્રગટ થઈ હતી. હજી પણ ‘ગુજરાત સમાચાર’માં અવારનવાર તેમના લેખ આવે છે. આમ ‘ગુજરાત સમાચાર’ના વાચકો પ્રા. ચંદ્રકાંત પટેલના નામથી પરિચિત છે.
પ્રા. ચંદ્રકાંત પટેલેને ‘ગુજરાત સમાચાર’ની સુવર્ણ જયંતિ નિમિત્તે લંડનમાં આમંત્રીને તેમના સ્વમુખે દેશવિદેશના ગુજરાતીઓની ખામીઓ, ખૂબીઓ, ખાસિયતો જાણવા, માણવા અને પ્રશ્નો પૂછીને વધુ સમજવાની તક સુલભ બનશે. તૈયાર રહો તેમને સાંભળવા અને પ્રશ્નો પૂછવા. આવી તક ક્યારેક જ સાંપડે. પ્રા. ચંદ્રકાંત પટેલને આવકારવા અને અભિવાદન કરવા તમારા સૌનો સાથ ભવિષ્યમાં આવી વધુ પ્રવૃત્તિ કરવા અમને પ્રેરિત અને પ્રોત્સાહિત કરશે એમ માનું છું.