ગુજરાતીઓનું ગૌરવ સી.બી. પટેલ

વડતાલ અને સારંગપુર હનુમાનજી મંદિરના સંતો સાથે સી.બી. પટેલના નિવાસસ્થાને આત્મીય મુલાકાત. વડતાલ સંપ્રદાય સાથેના સંસ્મરણો વાગોળ્યા

- ડો. સંત વલ્લભસ્વામી, વડતાલધામ Wednesday 11th September 2024 05:16 EDT
 
 

છેલ્લા સાડા પાંચ દાયકા કરતાં વધુ સમયથી, ગુજરાત બહાર ગુજરાતીઓ માટે - ગુજરાતીઓની વચ્ચે - ગુજરાતીઓનું કામ કરતું નામ છે ચંદ્રકાંત બાબુભાઈ પટેલ. લંડનમાં આ નામના 10થી વધુ ગુજરાતીઓ રહે છે તેથી તેમણે લોકોએ આપેલું નિકનેમ અથવા ટૂંકુ લાડકું નામ - સી.બી. પટેલે સ્વીકારી લીધું અને આજે આ નામ દેશ અને દુનિયામાં ઘણું મોટું થઈ ગયું છે. નામ કામથી થયું છે અને કામ ધગશથી થયું છે. ધગશ માતાપિતા અને સંતોના આશીર્વાદથી થઈ છે. છે અને રહેશે.
સી.બી. સાથે પ્રથમ બેઠક જ આત્મીય બની રહેશે એવી કોઈ કલ્પના ન હતી પરંતુ એ હકીકત છે. 88 વર્ષની ઉંમરમાં તેજતર્રાર તરવરિયો સ્ફુર્તિલો સ્વભાવ. આળસનો અભાવ, લંડનનો પ્રભાવ અને સરસ્વતી સાથે લક્ષ્મીનો પ્રભાવ જોઈને આનંદ થયો. સરસ્વતી અને લક્ષ્મીજી એક સાથે નથી રહેતા આવી લોકવાયકા જૂઠી પડતી સાંભળી ન હતી પરંતુ આજે રૂબરૂ જોઈ.
58 વર્ષ પહેલાં લંડનમાં વસવું વસમુ હશે, ગુજરાતીઓ ગોતવા પડતા હશે. ગુજરાતી ભાણું નાણું આપતાં મળતું હશે કે કેમ! એ તો સી.બી. જ કહી શકે પરંતુ આજે લંડનમાં નાનકડું ગુજરાત ઊભું છે. ગુજરાતીઓ ઊભા છે. ગુજરાતીઓને ગુજરાતના સમાચાર આપનાર અખબાર ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ છે. આજે દાયકાઓ બાદ માતૃભાષાની સાથે સાથે લંડનમાં જન્મેલા યુવાનો માટે અંગ્રેજીમાં ‘એશિયન વોઈસ’ જેવું પ્રસિદ્ધ અખબાર આપનાર નામ પણ સી.બી. પટેલ જ છે.
સી.બી. પટેલનું વતન ભાદરણ છે. ભાદરણમાં ભગવાન સ્વામિનારાયણના સમયથી વડતાલ સંપ્રદાય સાથેનું જોડાણ છે. તેમના દાદા વડતાલ આવતા... નાનીમોટી સેવાઓ કરતાં તેની યાદી આપતા સી.બી. પટેલે કહ્યું કે, ‘મારા દાદાના નામની ઓરડી વડતાલમાં હશે. તેઓ ચુસ્ત અનુયાયી હતા. મારા પર મારા પિતાના આશીર્વાદ છે જે સંન્યાસી બની ગયેલા... હું પણ બધું જ છોડીને પૈસા પાછળ દોડતો હતો ત્યારે મારા સંન્યાસી પિતા ગુરુની ભૂમિકાથી મને કહે છે કે, દીકરા પૈસા જોઈએ, પરંતુ પૈસા જ બધું નથી, આટલું સમજીને જીવવું... આ આદેશથી મારી જિંદગીનો યુ-ટર્ન વાગ્યો...’ એમ કહીને સંન્યાસી પિતાની છબિ તરફ આંગળી ચીંધતા સી.બી.ની આંખોનો ભાવ વાંચવા જેવો લાગ્યો. સફળતા મળ્યા પછી મા-બાપ અને માનવતા ભૂલી જતાં આધુનિકો માટે આ પ્રસંગ પ્રેરણાદાયી છે.
‘મારા જીવનમાં શ્રીજી મહારાજની વિચારક્રાંતિનો જબરો પ્રભાવ છે,’ એમ કહીને છપૈયાથી લોજની યાત્રા વાગોળીને સી.બી. કહે છે કે, ‘જે લોકો સમાજમાં અશિક્ષિત હતા તેમના જીવનમાં પણ પરિવર્તનનું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું છે. ચોરી-વ્યસન જેવી કુટેવોથી મુક્ત - સદાચારયુક્ત જીવન જીવવાની દૃષ્ટિ સહજાનંદ સ્વામીએ આપી છે...’ ‘અહીં લંડનમાં ઈસોના - કચ્છના અને બીએપીએસ, મણિનગર વગેરેના મંદિરો છે પરંતુ મને કચ્છના સત્સંગીઓ પ્રત્યે વિશેષ માન છે. કચ્છીઓ મહેનતી અને સખાવતી પ્રકૃતિના હોય છે. તે સમાજ અને ધર્મ માટે દાન આપવામાં પાછા નથી પડતાં.’
‘આ તમારી સાથે આવેલ પ્રવિણભાઈ (વી.એમ. પટેલ) પણ સમાજમાં ખૂબ જ સક્રિય રહ્યા છે. આ દક્ષેશ પટેલ માટે પણ મને માન છે. બાવીસ ગામ સમાજનો પ્રમુખ છે. આ લોકોએ આપણા લોકો માટે આગળ આવવું જોઈએ. ભાષા અને ભગવાન માટે કંઈક કરતા રહેવું જોઈએ. બીએપીએસ સાથેના સંસ્મરણો વાગોળીને કહ્યું કે, ‘એના મૂળમાં પણ વડતાલ જ છે... વડતાલના 200 વર્ષ પ્રસંગે - દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે સાહિત્યનું કામ કરો છો તે બહું જ મહત્ત્વનું છે, જરૂરી છે. બળવંત જાની મારા નજીકના છે, એમનો સંદેશ આપણી મુલાકાતનો સેતુ બની ગયો છે...’
સારંગપુર મંદિર અને હનુમંત કથાના માધ્યમે યુવાઓને સંસ્કૃતિ અને સંસ્કાર સાથે જોડનાર સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળા, - પવન સ્વામી કલાલીવાળા, હરિગુણ સ્વામી ઉમરેઠવાળાનો ટુંકો પરિચય કરીને અમે ઉભા થયા, પરંતુ સંબંધ હૃદયમાં ઊંડો બેસી ગયો છે.
એક મુલાકાતમાં આવો અભિપ્રાય બાંધી લેવો વધુ પડતો ઉત્સાહ ગણી શકો છો અને મારો અભિપ્રાય સાચો છે કે ખોટો? તેની ખાતરી તમે રૂબરૂ મળીને કરી શકો છો. મળવા જેવો માણસ છે. માણસાઈથી જીવતો માણસ છે. મહાદેવની મસ્તીથી જીવતો માણસ છે. જુદી જ માટીનો માણસ છે. સરસ્વતીનો સાધક માણસ છે. લક્ષ્મીનો ઉપાસક માણસ છે. માતૃભાષા માટે મથતો માણસ છે... તમને જે પણ અનુભવ થાય, એ લોકો સાથે શેર કરજો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter