લંડનઃ હાલ સ્વીટ્ઝર્લેન્ડના સેન્ટ ગાલેનમાં વસતા પરંતુ, મૂળ લેસ્ટરના ગેરી યેટ્સ માટે કિવંદતી બની ગયેલા સદીવીર ફંડરેઈઝર કેપ્ટન સર ટોમ મૂરનું જીવન પ્રેરણા બની ગયું છે. મોટા સ્ટ્રોકનો શિકાર બની ગયેલા મિ. યેટ્સ પ્રથમ વખત ૧૦૦ સુધીની ગણતરી શક્યા છે.
સર ટોમની સંભવિત ૧૦૧મી જન્મતારીખે તેમની યાદમાં ‘કેપ્ટન ટોમ ૧૦૦ ચેલેન્જ’નું અભિયાન કરવામાં આવ્યું હતું જેમાં, લોકોને ૧૦૦ આંકના વિષય સાથે તેમને મનપસંદ પડકાર ઉપાડી લેવા જણાવાયું હતું. ગેરી યેટ્સે સપ્તાહોની સખત મહેનત અને સંખ્યાબંધ નિષ્ફળ પ્રયાસો પછી ૧૦૦ સુધી આંક બોલવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. અહીં મહત્ત્વની વાત એ છે કે ૫૮ વર્ષના યેટ્સને અઢી વર્ષ અગાઉ તીવ્ર ઈશ્કેમિક (ટિસ્યુઝને રક્તપ્રવાહ મળવામાં અવરોધ) સ્ટ્રોક આવ્યા પછી તેમની બોલવાની ક્ષમતા અને આંશિક દૃષ્ટિ હણાઈ ગઈ હતી. તે વાંચી શકતો ન હતો કે નાના કમાન્ડ પણ સમજી શકતો ન હતો.
તેમની સારસંભાળ ૬૬ વર્ષના પત્ની પૌલીન હસ્તક હતી. પૌલીન કહે છે કે,‘ મને કેટલો ગર્વ છે તે હું કહી શકું તેમ નથી. માત્ર હું જ તેમણે રોજના પ્રયાસો થકી સપ્તાહો કેવી રીતે વીતાવ્યા છે તે જાણું છું. તેમણે કદી ફરિયાદ કરી નથી, કદી જિંદગીને દોષ દીધો નથી.’
પૌલીને પતિ યેટ્સને ટુંકા ગાળામાં યાદદાસ્તની સાથે ગુમાવેલી વાચા પાછી મેળવવા સાથે‘કેપ્ટન ટોમ ૧૦૦ ચેલેન્જ’ ઉપાડી લેવા પ્રોત્સાહિત કર્યા હતા. પૌલીને કહ્યું હતું કે,‘અમે જ્યારે સર ટોમને ટેલિવિઝન પર જોયા હતા ત્યારે મેં ગેરીને કહ્યું હતું કે લગભગ ૧૦૦ વર્ષની વયે પહોંચેલી વ્યક્તિ મહાન કાર્ય કરવાનું વિચારી શકે તો તમે શું કરી શકો તેની કોઈ મર્યાદા જ નથી.’
યેટ્સ શરુઆતમાં ૧૦ સુધી બરાબર ગણી શકતો અને તે પછી ૧૦,૧૧,૧૫,૭૯ એમ ગણતો હતો. ગેરી યેટ્સના પ્રયાસોએ સ્ટ્રોક એસોસિયેશન માટે ૧,૦૦૦ પાઉન્ડથી વધુ ફંડ એકત્ર કરવામાં મદદ કરી છે. આ નાણા અન્ય લોકોની સહાયમાં વપરાશે તેવી આશા પણ પૌલીને વ્યક્ત કરી હતી.