લંડનઃ ઘરમાં રાખેલા ઈકો-ફ્યુઅલ હીટરમાં લાગેલી આગને લીધે ગોવાના દંપતી બ્લેઈઝ અલ્વારેઝ અને શેરોન સોરેસનું મૃત્યુ થયું હતું. આ ઘટના ગયા નવેમ્બર ૨૦૧૬માં બની હતી. આસિસ્ટન્ટ કોરોનર નિકોલસ રહીનબર્ગે તેમના મૃત્યુનું કારણ અકસ્માત હોવાનું તારણ તાજેતરમાં જાહેર કર્યું હતું.
સ્વીન્ડનના ઘરમાં લાગેલી આગથી ફર્નાન્ડીઝ ફેમિલીની સાથે ઘરમાં રહેતાં ૩૩ વર્ષીય બ્લેઈઝ અલ્વારેઝ અને ૩૦ વર્ષીય શેરોન સોરેસ મૃત્યુ પામ્યા હતા, જ્યારે તેમના બાળક બ્રૂકનો બચાવ થયો હતો. તેઓ બાયો-ઈથેનોલ પર ચાલતા પોર્ટેબલ હીટરનો ઉપયોગ કરીને ખર્ચ બચાવવાનો પ્રયાસ કરતા હતા.
ઘટનાની રાત્રે લીવીંગ રૂમમાં લાગેલી આગથી અન્ય સભ્યોને સાવચેત કરવા માટે શેરોન ઉપરના માળે દોડી ગઈ હતી અને ફાયર બ્રિગેડને બોલાવવા કહ્યું હતું. બ્લેઈઝને ફાયર ફાઈટરોએ બચાવી લીધા હતા. પરંતુ, કાર્બન મોનોક્સાઈડના ઝેરને લીધે શેરોનનું ત્રણ દિવસ પછી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. બ્લેઈઝે મોત સામે લડત આપી હતી પરંતુ, દાઝવાની ગંભીર ઈજાથી તેમનું પણ ડિસેમ્બરમાં મૃત્યુ થયું હતું.