લંડનઃ ગત સપ્તાહે લેસ્ટરમાં અવસાન પામેલા ગાયક-સંગીતકાર ચંદુભાઈ મટાણીના માનમાં લેસ્ટર ઈસ્ટના સાંસદ કિથ વાઝે વાર્ષિક પરફોર્મિંગ આર્ટ્સ પ્રાઈઝ સ્થાપવાની જાહેરાત કરી છે. લેસ્ટરના મેયર કોમ્યુનિટી સેન્ટરમાં દિવંગત ચંદુભાઈ મટાણીના સ્મરણાર્થે આયોજિત પ્રાર્થનાસભામાં આ જાહેરાત કરાઈ હતી.
આ પ્રાર્થનાસભામાં સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગૌતમ બોડીવાલા તેમ જ મટાણીના પૌત્ર રોહન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. મટાણી પરિવારના નિકટના મિત્ર આલાપ આસિત દેસાઈ અને ગાયકવૃંદ દ્વારા ભજનો અને પ્રાર્થનાગાન કરવામાં આવ્યું હતુ. આલાપ દેસાઈ આ સભામાં હાજરી આપવા ખાસ ભારતથી આવ્યા હતા.
કિથ વાઝે સ્વ. મટાણીને ‘લેસ્ટર અને વૈશ્વિક સંગીતના પ્રતિરુપ ગણાવ્યા હતા, જેમણે બેલગ્રેવ રોડને નિર્મળ શુદ્ધતા અને સ્ટાઈલ બક્ષી હતી.’ તેમણે ઉમેર્યું હતું કે,‘હું ૩૩ વર્ષ અગાઉ લંડનથી લેસ્ટર આવ્યો ત્યારે પાંચમા વ્યક્તિ તરીકે ચંદુભાઈ મટાણીને મળ્યો હતો. હું આજે પણ તેમનું સ્મિત, પ્રભાવ, માયાળુતા અને ઉદારતા યાદ કરી શકું છું. વર્તમાન ‘ફેક ન્યૂઝ’ના યુગમાં ચંદુ મટાણી સત્ય અને પ્રેમની વ્યક્તિ તરીકે અલગ જ તરી આવતા હતા. તેમણે કદી કોઈના માટે પણ ખરાબ શબ્દ ઉચ્ચાર્યો નથી. તેઓ પોતાના સંગીત, પરિવાર અને કોમ્યુનિટી માટે જ જીવતા હતા.’
સાંસદ કિથ વાઝે જણાવ્યું હતું કે, લેસ્ટરમાં શ્રુતિ આર્ટ્સ થકી ચંદુભાઈની સંગીતમય પ્રસ્તુતિઓથી તેમને પંડિત રવિશંકર, અમજદ અલી ખાન અને ઝાકિર હુસૈન જેવા દિગ્ગજોએ પરફોર્મ કર્યું હતું તે હાઉસ ઓફ કોમન્સમાં મ્યુઝિકલ રિસાઈટલ્સ સ્થાપવાની પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. તેમણે ચંદુભાઈ અને તેમના મહાન મિત્ર સુનિલ ગાવસ્કર પાર્લામેન્ટમાં આવ્યા અને હાઉસ ઓફ કોમન્સની છત પર ક્રિકેટ રમ્યા હતા તે દિવસ યાદ કરવા સાથે કહ્યું હતું કે,‘ તેઓ ઉત્સાહી અને ઊર્જાસભર દીર્ઘ જીવન જીવ્યા હતા, જે ખરેખર ખૂબ ટુંકુ પણ હતું. આપણે એવી મહાન વ્યક્તિને ગુમાવ્યા છે, જેમની નમ્રતા અને સંગીત પ્રત્યેનો લગાવ આપણને હરહંમેશ યાદ રહેશે. આપણે તેમના જેવી વ્યક્તિને કદી પામી શકીશું નહિ.’
કિથ વાઝ દ્વારા જાહેર કરાયેલો મટાણી એવોર્ડ ફોર પરફોર્મિંગ આર્ટ્સ વાર્ષિક કાર્યક્રમ બની રહેશે. લેસ્ટરમાં ચંદુભાઈ મમટાણીના માનમાં યોજાનાર વાર્ષિક કોન્સર્ટના અંતે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ સ્પર્ધામાં ૨૦થી ઓછી વયનો યુવા વર્ગ ભાગ લઈ શકશે અને તેમાં જીતનાર પ્રથમ ત્રણ ફાઈનલિસ્ટ કોન્સર્ટમાં પરફોર્મ કરશે. વિજેતાને એવોર્ડ એનાયત થશે. આ વિશેની વધુ વિગતો મટાણી પરિવાર અને લેસ્ટર સિટી કાઉન્સિલ સાથે પરામર્શ પછી જાહેર કરાશે. ચંદુભાઈના આગામી જન્મદિને પ્રથમ એવોર્ડ કાર્યક્રમ યોજાય તેવી ધારણા છે.