કોલ્લમ: દેશ અને દુનિયામાં સ્ત્રીઓ પુરુષના કપડાં પહેરીને ફરે છે, તેમના જેવા પ્રોફેશન પણ અપનાવી રહી છે અને પુરુષ સમોવડી બની રહી છે. આ બદલાતા સમયનું સત્ય છે પણ તેની સાથે સાથે એક એવું સત્ય પણ છે જે ભારતમાં અસ્તિત્વ ધરાવે છે. ભારતમાં એક એવો તહેવાર ઉજવવામાં આવે છે જેમાં માત્ર પુરુષો જ જોડાય છે. પણ હા, તેઓ પુરુષ તરીકે નહીં, પણ સ્ત્રીનો વેશ ધારણ કરીને આ ઉત્સવમાં જોડાય છે. કેરળના કોલ્લમ ખાતે ચમયાવિલક્કુ નામનો અનોખો તહેવાર ઉજવવામાં આવે છે જેમાં પુરુષો સ્ત્રીઓનો વેશ ધારણ કરીને તેમાં ભાગ લે છે. તેઓ દેવીની પૂજા-અર્ચના કરે છે.
તાજેતરમાં એક આઈઆરએસ ઓફિસર દ્વારા તસવીર ટ્વિટ કરાતાં આ તહેવાર વિશે વિશ્વમાં ચર્ચા ચાલી છે. તેમણે ફોટો ટ્વિટ કરીને એક વ્યક્તિ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ તસવીરમાં દેખાતી વ્યક્તિ કોઈ સ્ત્રી નહીં પણ હકીકતે પુરુષ છે. ત્યારબાદ તેમણે કોલ્લમ જિલ્લામાં ઉજવાતા ચમયાવિલક્કુ તહેવારની વાત કરી હતી. તેમણે લખ્યું કે આ વ્યક્તિઓને સ્ત્રી બનીને પૂજા કરવાની સ્પર્ધામાં પારિતોષક પણ મળ્યું છે.
વિશેષ પરંપરાનું પાલન
મલયાલમ કેલેન્ડરને અનુસરનારા લોકો દ્વારા આ વિશેષ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. પારંપરિક અને સ્થાનિક લોકો તેને રોશની અને ઉજાશનો ઉત્સવ માને છે. મલયાલમ કેલેન્ડરના મીનમ મહિનાના 10મા અને 11મા દિવસે આ તહેવારની ઉજવણી થાય છે. મોટાભાગે માર્ચ મહિનાના બીજા ભાગમાં આ તિથીઓ આવતી હોય છે. આ તહેવારમાં પુરુષો સ્નાન કરીને મહિલાઓનો પોશાક પહેરે છે. તેમની જેમ સાજશણગાર કરે છે. ત્યારબાદ તેઓ મશાલ અથવા તો દીવા લઈને નીકળે છે. તેઓ દેવીમાતાના મંદિરે જઈને પૂજા કરે છે.
પુરુષો સાડી પહેરે છે, ઘરેણાં પહેરે છે, મેકઅપ કરે છે. આ ઉપરાંત જે લોકોને સાડી પહેરતાં કે મહિલાઓના પોશાક પહેરતાં નથી આવડતું તેમના માટે મેકઅપ આર્ટિસ્ટની ફેસિલિટી પણ રાખવામાં આવે છે. આ તહેવારમાં ઘણા સમલૈંગિક લોકો પણ તહેવારનો ભાગ બનવા આવે છે અને સમાનતાના રંગે રંગાય છે.
દેવી-દેવતાની પ્રસન્નતા માટે ઉજવણી
સ્થાનિકોએ જણાવ્યું કે, આ ઉજવણી દરમિયાન પુરુષો દીવા અને મશાલ લઈને નીકળે છે. તેઓ કોટ્ટાનકુલંગરા દેવી મંદિરમાં પારંપારિક અનુષ્ઠાનમાં ભાગ લેવા જાય છે. ત્યાં પૂજામાં જોડાય છે. આ ઉપરાંત મંદિરની પરિક્રમા કરે છે. લોકોના મતે માતાજીનું પૂજન કરવાથી અને આ પરંપરાનું અનુસરણ કરવાથી દેવી-દેવતાઓ પ્રસન્ન રહે છે.
લોકવાયકા પ્રમાણે માતાજીના આ મંદિરમાં એક પથ્થર આવેલો છે જેને વનદુર્ગા માતા માનવામાં આવે છે. તેમની સમક્ષ ચમયા એટલે કે મેક-એપ કરીને પૂજા કરવાનું મહાત્મ્ય છે. લોકો માને છે કે, આ પથ્થરનું કદ દર વર્ષે થોડું થોડું વધી રહ્યું છે. મહત્ત્વની વાત એવી પણ છે કે, આ મંદિરના ગર્ભગૃહની ઉપરની છત જ નથી. આ ભાગ ખુલ્લો છે. કેરળમાં ગર્ભગૃહની છત વગરનું આ અનોખું મંદિર પણ લોકોને આકર્ષે છે.
19 દિવસ સુધી ચાલતો ઉત્સવ
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કુલ 19 દિવસ સુધી ઉત્સવ ચાલતો હોય છે. તેમાં પુરુષો દ્વારા વિશેષ પુજન કરવામાં આવે છે. આ પૂજનના અંતિમ બે દિવસે પુરુષો દ્વારા કોટ્ટાનકુલંગરા દેવી મંદિરમાં અનુષ્ઠાન કરવા માટે મહિલાઓની જેમ શણગાર સજવામાં આવે છે. હજારોની સંખ્યામાં સ્થાનિક શહેરો અને ગામમાંથી પુરુષો અહીંયા આવતા હોય છે. પુરુષો દૃઢપણે માને છે કે, આ રીતે પૂજન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. સૂત્રોના મતે ઘણા સમયથી આ ઉત્સવમાં જોડાનારા પુરુષોની સંખ્યામાં સમયાંતરે વધારો થયો છે. તાજેતરમાં પૂર્ણ થયેલા ઉત્સવમાં 10 હજારથી વધારે પુરુષોએ ભાગ લીધો હોવાની માહિતી છે.
ગૌપાલકોએ શરૂ કરી પરંપરા
આ પરંપરા અને તહેવાર કેવી રીતે શરૂ થયો તેના વિશે અનેક લોકવાર્તાઓ જાણીતી છે. તેમાં સચોટ અને ભારે મહાત્મ્ય ધરાવતી વાયકા પ્રમાણે ગૌપાલ યુવાનો દ્વારા આ તહેવાર અને પૂજનની શરૂઆત કરાઇ હતી. લોકો કહે છે કે, ગૌપાલક યુવાનોના એક જૂથ દ્વારા એક દિવસ એક પથ્થર ઉપર નાળિયેર પછાડીને તોડવામાં આવ્યું. નાળિયેર તૂટયા બાદ પથ્થરમાંથી લોહી જેવું લાલ પ્રવાહી નીકળવા લાગ્યું. તેમણે સ્થાનિક વડીલોને આ વાત જણાવી તો તેમણે કહ્યું કે, આ વનદેવીના શરીરનો ભાગ છે જેને નુકસાન થયું છે. ત્યારબાદ અહીંયા પથ્થરની ઉપર નાનું મંદિર બનાવીને ગૌપાલક યુવાનો દ્વારા પૂજન શરૂ કરાયું. તેઓ સ્ત્રીઓનો વેશ ધારણ કરીને માતાજીની પૂજા કરતા હતા.
તેઓ વનદેવી એટલે કે દુર્ગાના જ એક સ્વરૂપની પૂજા કરે છે. ઘણા લોકો તેમને વનદુર્ગા માતાજી પણ કહે છે. આ પરંપરા દરમિયાન દેવી પ્રગટ થયા અને આ યુવાનોની મનોકામના પૂર્ણ કરી દીધી. ત્યારથી તેઓ ફૂલ અને કોટન (નાળિયેરમાંથી બનતી એક વાનગી) ધરાવીને મહિલાની જેમ શણગાર કરીને માતાજીનું પૂજન કરે છે. ઘણા વર્ષોથી પુરુષો દ્વારા આ પરંપારનું અનુસરણ કરવામાં આવી રહ્યું છે.