કઈ રીતે વંશ વધશે?
મહાત્મા ગાંધીજી કહી ગયા છે કે માનવજાતની જનનીની તમે પૂજા કરો. પણ અફસોસ, અંતરમાંથી નીકળેલી મહાત્માની આ શીખ એળે ગઈ. હવે તો કુટુંબીઓ સ્ત્રીના ગર્ભમાં સ્કેન દ્વારા દીકરી છે તેની જાણ થતાં જ લગભગ ઘણા ખરા કન્યાઓની ભ્રુણ હત્યા કરાવે છે. આવું જ ચાલુ રહેશે તો એવો વખત આવશે કે દુનિયામાં દીકરાઓ જ રહી જશે. તેઓ કોને પરણશે? કઈ રીતે વંશ વધશે? કન્યાઓની ભ્રુણ હત્યા પાપ અને ગુનો છે. તેને નાબૂદ કરવા ભ્રુણ હત્યા કરનારાઓને આકરામાં આકરી સજા કરો. ડોક્ટરને આપણે ફરિશ્તાના સ્વરૂપે જોઈએ છીએ પણ અફસોસ, પૈસાની લાલચે ઘણા ખરા ડોક્ટરો નીચ કાર્ય - કન્યાઓની ભ્રુણ હત્યા કરતા અચકાતા નથી. આવા ડોક્ટરોનું લાઈસન્સ રદ કરવું જોઈએ.
પહેલાના વખતમાં જેન્ડર જાણવા ટેકનોલોજીની શોધ નહોતી થઈ ત્યારે સુંદર, તંદુરસ્ત લાખો બાળકીને જન્મતા જ ઘરની સાસુ અને વર ભેગા મળી 'દૂધ પીતી કરી' મારી નાંખતા હતા. દીકરીઓ 'બે કૂળને તારે છે'. દીકરી માના ગર્ભમાં કે પિયરના આંગણામાં શું સલામત રહી છે? માએ પોતે જ મક્કમ બની ઊંચા અવાજે કુટુંબની સામે ટક્કર ઝીલીને પોતાના ગર્ભમાં કૂમળી માસૂમ બચ્ચીને જન્મ દેવા માટે પૂરી તૈયારી રાખવી જોઈએ.
- સુધા રસીક ભટ્ટ, બેન્સન
૦૦૦૦૦૦૦૦
દીકરી: દેવીનો અવતાર
દીકરી ભ્રુણ હત્યાના વિચારો સાથે હું પૂર્ણરૂપે સહમત છું. કેવળ બ્રિટન કે ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં આવા સમાજના ઘોર પાપી કૃત્યો અટકાવવા માટે કાયદા પ્રમાણે ગુનો નિયત કરી સખત સજાનો અમલ કરવો ખૂબ જ જરૂરી છે.
દીકરી કે દીકરા બંનેનું સ્થાન સમાન છે. ઘણા ઉદાહરણોમાં તો દીકરી, દીકરા કરતાં વધુ સફળતા મેળવે છે. મેડિકલ પદ્ધતિ પ્રમાણે થતી સોનોગ્રાફી સખત કાયદો લાવી બંધ કરવાની જરૂર છે. છતાં પણ ઉલ્લંઘન કરનારાઓને કડક સજા વગર વિલંબે અમલી કરવી ખૂબ જ આવશ્યક છે.
દીકરી એ તો દેવીનો અવતાર છે, શક્તિ છે. જો આ રીતે ભ્રુણ હત્યા થતી રહેશે તો એક દિવસ વર (પુરૂષ) મળશે પણ કન્યા (દીકરી)ની અછત થઇ જશે અને વંશવૃદ્ધિ અટકી જશે. સમાજમાં સમતોલન ખિરવાઇ જશે. અશિક્ષિત મા-બાપમાં શિક્ષણની જાગૃતિ વિષમ પરિસ્થિતિમાંથી ઉગારવાનો એક અજોડ ઉપાય છે.
- પ્રમોદ મહેતા ‘શબનમ’, સડબરી
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
દીકરી પારસ છે
આજના યુગમાં દીકરી સાપનો ભારો છે તે કહેવત દીકરીઓએ ખોટી પાડી છે. દીકરા કરતા દીકરીઓ મા-બાપનું ધ્યાન વધારે રાખે છે અને માવજત પણ કરે છે. કોણ કહે છે કે દીકરીઓ મા-બાપને તકલીફ આપે છે? હજુ પણ મા-બાપ દીકરાને પ્રાધાન્ય આપતા હોવાથી સરકારે કાયદાનું પગલું ભરવું પડ્યું છે. પણ દીકરી દીકરાથી ઊંચું સ્થાન ધરાવે છે. ઘણા પ્રસંગોએ દીકરીઓએ મા-બાપની અર્થી ઉપાડીને કાંધ પણ આપેલ છે. કોઇક દ્વારા લખાયેલી આ પંક્તિઅો ઘણું કહી જાય છે.
દીકરો વારસ છે, તો દીકરી પારસ છે
દીકરો વંશ છે, દીકરી અંશ છે
દીકરો આન છે, તો દીકરી શાન છે
દીકરો માન છે, તો દીકરી સ્વમાન છે
દીકરો સંસ્કાર છે, તો દીકરી સંસ્કૃતિ છે
દીકરો દવા છે, તો દીકરી દુઆ છે
દીકરો ભાગ્ય છે, તો દીકરી વિધાતા છે
દીકરો પ્રેમ છે, તો દીકરી પૂજા છે
દીકરો એક પરિવાર તારે છે, તો દીકરી બે પરિવારને તારે છે
ક્યારેય તમે તમારી જાતને દુનિયાભરના તમામ દુઃખોથી ઘેરાયેલા મહેસૂસ કરો ત્યારે દીકરી સાથે થોડો સમય દિલથી વિતાવજો. દીકરી સાથે બાપની વ્હાલની કડીઓ ક્યારેય ઢીલી પડતી નથી. દીકરી જ સચ્ચાઈ છે.
આપણા તત્વચિંતકોએ દીકરીને બાપનું હૈયું કહ્યું છે, કલેજાનો ટુકડો કહ્યો છે અને એટલા જ માટે દીકરી સાસરે જાય છે ત્યારે મા-બાપની આંખમાં આંસુ વહે છે.
નક્કી માનજો, દીકરી તો ગયા ભવમાં જેણે પુણ્ય કર્યા હોય તેને જ મળે છે.
- ચંદુભાઈ કાનાણી, નોર્થ હેરો
૦૦૦૦૦૦૦
ભ્રુણ હત્યાઃ મોટું પાપ
‘ભ્રુણ હત્યા’ એ મોટામાં મોટું પાપ છે. દીકરી હોય કે દીકરી ભ્રુણહત્યા કરવી જ ન જોઈએ. જે લોકો કરે છે અને કરાવે છે તે ભૂલી જાય છે કે તેઓ પણ એક માતાના કુખે જ જન્મેલા છે. તો એ માતાની ભ્રુણહત્યા એમના વડીલોએ કેમ ન કરાવી? દીકરીઓ જેટલો મા-બાપ ને પ્રેમ આપે છે, વહાલ કરે છે, હૂંફ આપે છે તેટલું કોઇ જ ન આપે. દીકરી જ્યારે પોતાનું અંતર-હૃદય ઉછળતા વ્હાલ, પ્રેમ કે વિટંબણાની વાતો માતાના ખોળામાં મૂકીને કરે છે એ દ્રશ્ય એ ભ્રુણહત્યા કરનારા રાક્ષસો ન સમજી શકે. ખરેખર તો દુનિયાની બધી જ સરકારે એવો કાયદો બનાવવો જોઈએ કે જે કોઈ ભ્રુણહત્યા કરે કે કરાવશે તેમને જીવનભર યાદ રહી જાય. જેથી ભવિષ્યમાં ભ્રુણહત્યા કરતા પહેલા તેઅો બે વાર વિચાર કરે. ભ્રુણહત્યા શબ્દ જ સમજુ માણસને ધ્રુજાવી દે તેવો છે. આ રાક્ષસીપણું અટકવું જ જોઈએ. જે દીકરીઓ મા-બાપ માટે ભોગ આપે છે, સેવા કરે છે. સમય આવ્યે મા-બાપ માટે સર્વસ્વ અર્પણ કરે છે તે દીકરા કરતા નથી.
જ્યાં સુધરેલા, સંસ્કારી, કેળવાયેલા, સંસ્કારી કહેવડાવતા અને ભણેલા માણસો આવું કરતાં કરાવતાં હોય છે (બ્રિટન જેવા દેશમાં) તેને હું માનવતાવાદી નહીં પણ દાનવતાવાદી ગણું છું. આશા છે કે પ્રભુ આવા માણસોને સદબુદ્ધિ આપે અને વિચારશક્તિ આપે.
ભુલાભાઈ એમ. પટેલ, કેન્ટન
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
એક સ્ત્રીની કહાણી મારું શું.....
શરીર મારું પીઠી, તમારા નામની....
હથેળી મારી મહેન્દી, તમારા નામની....
માથું મારું ઓઢણી, તમારા નામની....
માંગ મારી, સિંદુર તમારા નામનું....
કપાળ મારું, ચાંદલો તમારા નામનો....
નાક મારું, ચૂંક તમારા નામની....
ગળું મારું, મંગળસૂત્ર તમારા નામનું....
હાથ મારો, બંગડીઓ તમારા નામની....
પગ મારા, પાયલ તમારા નામની....
આંગળી મારી, વિંટી તમારા નામની....
મોટાને પગે હું લાગું અને સદા-સુહાગનના આશીર્વાદ તમારા નામના.
બીજું તો બીજું કડવા ચોથના વ્રત પણ તમારા નામના
કોખ મારી, લોહી મારું, દૂધ મારું અને છોકરાઓ તમારા નામના.
ઘર હું સંભાળું અને દરવાજાની નેમ પ્લેટ તમારા નામની.
મારા નામની સામે લખેલું ગૌત્ર પણ મારા નહીં તમારા નામનું
બધું જ તમારા નામનું છે તો મારી પાસે આખર
તમારી પાસે મારા નામનું શું છે
મારા નામનું શું છે
બાળ કન્યા બચાવો
- રમણીક ગણાત્રા, બેકનહામ, કેન્ટ