ઘરમાં ગુજરાતી બોલો

Tuesday 27th January 2015 09:17 EST
 

આપણામાં કહેવત છે કે ‘પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી’ આ કહેવત ઉપરથી આપણે એટલું જ શીખવાનું છે કે આપણી માતૃભાષાને હંમેશાં આગવું સ્થાન આપવું જોઈએ. પણ હું જોઉં છું કે આપણા ગુજરાતીઓ એને અનુસરતા નથી. બ્રિટનમાં પચરંગી પ્રજા વસે છે. મુસ્લિમ, પંજાબી, શ્રીલંકન, ઇઝરાયલી વગેરે. પણ આ બધી પ્રજાઓ હરહંમેશ તેમના બાળકો સાથે તેમની માતૃભાષામાં જ વાત કરે છે અને તેથી જ તેઓ ભાષાનું અસ્તિત્વ ટકી રહ્યું છે. આપણે ગુજરાતીઓ ઘરમાં અથવા તો વ્યવહારિક વાતચીતમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા જ નથી. આપણી યુવા પેઢીને ગુજરાતી ભાષાની પ્રેરણા આપવામાં આવતી નથી. આવું વાતાવરણ હોય તો તેમને ગુજરાતી ભાષા ઉપર કેવી રીતે પ્રીતિ રહે. દાદા-દાદી, નાના-નાની, પણ ખુદ અંગ્રેજીમાં જ તેમના પૌત્ર-પૌત્રોઅો સાથે વાત કરતા હોય છે અને પતિ-પત્ની પણ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતાં નથી. તો ગુજરાતી ભાષા કઈ રીતે જાણીતી થઈ શકે?

આનો એક જ ઉકેલ છે કે પાયો મજબૂત કરવા ઘરમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવો જરૂરી છે. બાળકોને નાનપણથી જ ગુજરાતી ભાષાનું પ્રાધાન્ય સમજાવવામાં આવશે તો જ ગુજરાતી ભાષા ટકી રહેશે. નહિંતર જતે દિવસે ગુજારતી ભાષા ભુલાઈ જશે. પરમ કૃપાળુ પરમાત્મા વડીલોને તથા મા-બાપને ગુજરાતી ભાષા ટકાવી રાખવાની પ્રેરણા આપે તેવી પ્રાર્થના.

- ચંદુભાઈ કાનાણી, નોર્થ હેરો

૦૦૦૦૦૦૦

માતૃભાષા: કેટલીક ગેરસમજોનો ખુલાસો

ગુજરાત સમાચારમાં 'ચર્ચાના ચોતરે' વિભાગમાં માતૃભાષા વિશે ભરપૂર ચર્ચા વાંચી એમાં કોઈ ખુશી કે નાખુશીનો સવાલ નથી. બહેન નયના નકુમનું બહોળુ વાંચન પ્રંશસાને પાત્ર છે.

માતૃભાષાનું ઋણ ચૂકવવાથી જીવન સાર્થક થઈ શકે નહિ. વિકાસ અને પ્રગતિ, વ્યક્તિના જ્ઞાન અને અવિરત શ્રમ પર જ અવલંબે છે. ગુજરાતમાં વસતી પ્રજાની ભાષા ગુજરાતી, એમ સર્વે ભાષાઓ પ્રાદેશિક નામોથી જ ઓળખાય. માતૃભાષાનું મમત્વ અને પોકળ ગર્વ પ્રજાને સંકુચિત, અસહિષ્ણુ, વિસંવાદી તેમજ વિભાજિતવાદી બનાવે છે. ‘શિયાળ તાણે સીમ ભણી અને કુતરૂ તાણે ગામ ભણી’ એવી સ્વાર્થી અને વિસ્ફોટકવૃત્તિથી ભારતની શી દશા થઈ છે એ સર્વવિદિત છે. અનેકભાષી દેશની અખંડતામાં અનેક તિરાડો પડી છે. અફસોસની વાત છે કે દેશની માતૃભાષા એક જ નથી.

ઇન્ડિયાનો રહેવાસી હોય, ગમે ત્યાં વસે પણ ઇન્ડિયન જ કહેવાય એેને ભાષા સાથે કોઈ સંબંધ નથી. વ્યક્તિગત અણગમો આવાં સંબોધનને ઉશ્કેરે છે.

‘ભાષા ખતમ તો સંસ્કૃતિ ખતમ’ એવી ઉક્તિ સાથે જરાય સહમત થઈ શકાય નહીં. દેશના ૨૦૦૧ની વસતી ગણતરી પ્રમાણે દેશમાં લગભગ ત્રીસ (ત્રીસ) જેટલી મુખ્ય ભાષાઓ છે. ૧૨૨ લઘુભાષાઓ અને ૧,૫૯૯ ડાયલેક્સ છે. તદઉપરાંત સંસ્કૃત, આપણી પુરાણી માતૃભાષા લગભગ નષ્ટપ્રાય દશામાં પસાર થઈ રહી છે; છતાંય આપણી આર્યન સંસ્કૃતિ જીવંત છે. એમાં માતૃભાષાનો જરાય ફાળો હોય એમ પુરવાર થઈ શકે નહીં. રજમાત્ર અસર હોય તેને નજર અંદાજ કરવી પડે. કેટલીય સંસ્કૃતિઓ લુપ્ત થઈ ગઈ અને કેટલીય સંસ્કૃતિઓનાં સંમિશ્રણ થવાથી થોડા ઘણા બદલાવ પણ આવ્યા. દરેકમાં ધર્મ અને ફિલસૂફીનું મહદ્ પ્રદાન છે. અનેક માતૃભાષાઓનાં અનુવાદોથી દુનિયાભરના જ્ઞાનની વહેંચણી થાય છે એ ઇચ્છનીય છે. સમય, સ્થળ અને સંજોગો તેમજ કુદરતી બનાવો, સંસ્કૃતિને અસર કરી ઘડતાં હોય છે. ઇમરસન અને કીટ્સનાં લખાણો, એક જ ધર્મ અને એકજ માતૃભાષાની પ્રજાને અનુલક્ષીને લખાયાં હોય એમ લાગે છે. બહુભાષી ભારત સાથે એની સરખામણી કરી શકાય નહીં.

- ડો. નગીનભાઈ પી. પટેલ, નોરવૂડ હિલ.

૦૦૦૦૦૦૦

ગુજરાતી માતૃભાષાનું મહત્ત્વ કેટલું?

‘ગુજરાત સમાચાર’ તા. ૧૭-૧-૨૦૧૫ના અંકમાં ભાઈશ્રી નિરંજન વસંતના મંતવ્ય સાથે હું સહમત છું અને હું માનું છું કે આપણા ગુજરાત અને ભારત સાથેના સંબંધ જાળવી રાખવા ગુજરાતી ભાષાનું શિક્ષણ ઘણું જરૂરી છે. ૧૯૬૨માં યુગાન્ડા, કેન્યા અને ટાન્ઝાનિયાને સ્વતંત્રતા મળ્યા પછી ત્યાંની સ્કૂલોમાંથી ગુજરાતી ક્લાસીસ કાઢી નાખ્યા હતા. ત્યાર પછીના વિદ્યાર્થીઓ જેઓ ૧૯૭૨માં યુગાન્ડા કે કેન્યાથી આવેલા તેમને ગુજરાતી શિક્ષણનો લાભ ન મળ્યો અને ધીમે ધીમે ગુજરાતી ભાષા આપણા પરિવારોમાંથી નીકળતી ગઈ.

આ પરિસ્થિતિ ઉપસ્થિત થતા, લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડનના નેજા હેઠળ અને મનુભાઈ ઠકરારના વડપણ નીચે ક્રોયડનમાં શનિવારે ગુજરાતીના વર્ગો શરૂ કર્યા હતા. પરંતુ સહકારના અભાવે તે બંધ કરવા પડ્યા. ત્યારબાદ ચુનીલાલ જોબનપુત્રા જ્યારે પ્રમુખ હતા ત્યારે પણ વર્ગો શરૂ કર્યાં હતાં. આખરે સહકાર ન મળવાથી તેને બંધ કરવા પડ્યા. બે વર્ષ પહેલાં જ્યારે હોલ મળ્યો, ત્યારે પણ રાત્રે મહિલાઓ માટે ગુજરાતી ક્લાસીસ શરૂ કર્યા હતા. પરંતુ તે પણ બંધ કરવા પડ્યા.

તપાસ કરતા જાણવા મળ્યું કે છોકરાંઓને શાળામાંથી લેસન બહુ હોય છે એટલે તે પહોંચી ન શકે અને કન્ફ્યુઝ પણ થાય. એવું પણ હતું કે ક્લાસમાં છોકરાઓને લેવા-મૂકવાની તકલીફ પણ રહેતી હતી. ત્રીજું ૧૯૬૨થી ૧૯૭૨ના ગાળામાં જે વિદ્યાર્થીઓને ગુજરાતી ભણવાનો લાભ મળ્યો નહતો તેઅો પોતે ઘરમાં અંગ્રેજી જ બોલે છે. જો માતા-પિતા દાદા-દાદી સૌ ઘરમાં ગુજરાતી બોલવાની ટેવ રાખે તો ખૂબ જ લાભદાયી થાય. આ દેશમાં તો ગુજરાતી શિખવાની ઘણી સગવડ છે અને સૌએ તેનો લાભ લેવો જ જોઈએ.

- રમણિક ગણાત્રા, બેકેનહામ.

૦૦૦૦૦૦૦૦

અમારા બાળકો ગુજરાતી જ બોલે છે

હું ભારતથી ૨૦૦૩માં આવેલ ઇમિગ્રન્ટ છું અને મારી ભારતમાં જન્મેલ દિકરી અને અહિં જન્મેલો દિકરો બન્ને ખૂબજ સરસ રીતે ગુજરાતી બોલે છે. અમે અહિ આવ્યા ત્યારે મારી ભારતમાં ઇંગ્લીશ મીડીયમમાં કોન્વેન્ટ સ્કૂલમાં બે ધોરણ સુધી ભણેલી દિકરીને ઇંગ્લીશ બોલવામાં તકલીફ હતી. મારી સાથે આવેલા અન્ય ઇમિગ્રન્ટ્સ મિત્રોએ પોતાના બાળકોનું ઇંગ્લીશ સુધારવા ઘરમાં પણ ઇંગ્લીશ બોલવાનું શરૂ કર્યું હતું. જ્યારે અમને દિકરીની શાળામાંથી સલાહ મળી હતી કે 'તમે ઘરમાં ગુજરાતી બોલો કે અન્ય કોઇ ભાષા, તેનાથી બાળકની ઇંગ્લીશ શિખવાની આવડત પર કોઇ જ ફરક પડશે નહિં'.

શિક્ષકની સલાહથી વધુ સારી સલાહ કઇ હોઇ શકે? બસ અમે દિકરી સાથે ગુજરાતીમાં જ બોલતા અને દિકરાનો જન્મ થયા બાદ નાનપણથી જ અમે તેની સાથે ઘરમાં સૌ ગુજરાતી બોલીએ છીએ. તેને નર્સરીમાં મુક્યો ત્યારે તેને ઇંગ્લીશ બોલવામાં તકલીફ જણાઇ હતી. પરંતુ ત્રણેક માસમાં જ તેણે ઇંગ્લીશ શિખી લીધું અને આનંદ સાથે કહું તો આજે મારો ૬ વર્ષનો દિકરો અને દિકરી બન્ને ખૂબ જ સરસ રીતે ઇંગ્લીશ, ગુજરાતી બોલી શકે છે અને ટીવી સીરીયલ્સ અને બોલીવુડ ફિલ્મોને કારણે હિન્દી પણ બોલી-સમજી શકે છે. જ્યારે દિકરી આ ત્રણ ભાષાઅો ઉપરાંત થોડુ ફ્રેન્ચ અને સ્પેનીશ સમજી શકે છે. આનંદની વાત એ છે કે બન્ને બાળકો કુશળ ટ્રાન્સલેટરની જેમ એકબીજી ભાષામાંથી અનુવાદ પણ કરી શકે છે અને અન્યને પણ સમજાવી શકે છે.

સાચુ કહું તો ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયની જેમ ભાષા પણ એક જ્ઞાન જ છે અને સંશોધનોએ પુરવાર કર્યું છે કે નાની ઉંમરથી જ જો એકથી વધુ ભાષા બોલાતા કે સમજતા આવડતું હોય તો તેને કારણે મગજનો ખૂબજ સુંદર રીતે વિકાસ થાય છે અને વિવિધ ભાષાનું જ્ઞાન ભવિષ્યમાં નોકરી - ધંધામાં ખૂબજ મહત્વની સફળતા અપાવે છે.

બાકી પોતે 'બ્રિટીશ' છે એમ બતાવવા કે રોફ પાડવા માંગતા લોકોને તેમની એ 'ઘેલછા' માટે મુબારક બાદ. આપણે ગમે તેટલું સરસ ઇંગ્લીશ બોલતા હોઇએ પણ આપણી ચામડીનો રંગ આપણને 'ભારતીય' તરીકે જ અોળખાવશે. તો પછી શા માટે ભારતીયતાના દરેક સ્વરૂપને ન અપનાવવું? જેટલું વહેલું અપનાવશો એટલા ફાયદામાં રહેશો નહિં તો પસ્તાવાનો વારો ચોક્કસ આવશે.

- હર્ષનીત બ્રહ્મભટ્ટ, નોર્બરી.

૦૦૦

એક દુ:ખીયારા માબાપની વ્યથા

'ગુજરાત સમાચાર'માં ગત તા. ૨૪-૧-૧૫ના રોજ પ્રકાશિત થયેલા જાણીતા પત્રલેખક અને વિચારક શ્રી રતિલાલભાઇ ટેલરના પત્ર 'ઘડપણ કોણે રે મોકલ્યું'માં વૃધ્ધ માતા-પિતાની દયનીય હાલત અને મુશ્કેલીઅોની વ્યથાકથા પ્રકાશીત કરાયા બાદ અમને દિકરા-વહુ વગર એકલા અટુલા જીંદગી વ્યતીત કરતા વૃધ્ધ યુગલનો નનામો પત્ર મળ્યો છે.

સાધારણ સંજોગોમાં અમે નનામો પત્ર પ્રસિધ્ધ કરતા નથી પરંતુ જ્યારે વ્યથા અને વિતક આપણા જ સમાજને સ્પર્શતી હોય ત્યારે અમે જડ નિયમોને વળગી પણ રહેતા નથી. શ્રી રતિલાલભાઇ ટેલર સાથે સંપૂર્ણ સહમત એવું આ યુગલ જણાવે છે કે 'અમારો દિકરો અને વહુ પણ અમને એકલા અટુલા અને બેસહારા મૂકીને ચાલ્યા ગયા છે અને અમે બેસાહરા જીંદગી જીવીએ છીએ. ક્યાં જઇએ? અમે અમારા નસીબ ઉપર જીવીએ છીએ. અમને દુ:ખીયાને તો શું લખવું તેની પણ કદાચ ખબર નથી.'' લિ. એક દુ:ખીયારા માબાપ.

મિત્રો, કહેવત છે ને કે 'જેવું વાવશો.. તેવું લણશો'. શા માટે આપણે આપણું જ ભવિષ્ય ખરાબ કરીએ છીએ? શું આવા વડિલોના પાલક દિકરા-વહુ ન થઇ શકાય? શું છેલ્લા દિવસો કે મહિના ગણતા મા-બાપ આપણને એટલા બધા ભારે પડે છે કે તેમને જોવા-મળવા પણ ન જઇ શકાય. શું વહુઅો એટલી બધી ખરાબ છે કે પતિને માતા-પિતા પાસે જતા પણ રોકે છે? શું તેઅો એ ભુલી જાય છે કે તેમને પણ સંતાનો છે અને તેઅો પણ મોટા થશે?

મિત્રો, આ વિષય પર આપના મંતવ્ય આવકાર્ય છે અને 'ચર્ચાના ચોતરે' વિભાગમાં તેને પ્રકાશીત કરવા અમે પ્રતિબધ્ધ છીએ. આપના પત્રો ફેક્સ 020 7749 4081, ટપાલ કે ઇમેઇલ [email protected] દ્વારા મોકલી શકો છો.

- કમલ રાવ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter