તા. ૩૧-૧-૨૦૧૫ના ‘ગુજરાત સમાચાર’ના ચર્ચાના ચોતરે વિભાગમાં આવેલ વિગત માટે આપણને બધાને દુઃખ થાય તે સ્વાભાવિક છે. આ દેશમાં આવ્યા બાદ મેં ઘણા કુટુંબોમાં જોયેલ છે. છોકરાઓ મા-બાપનું દિલથી ધ્યાન રાખે છે. ઘણાં પરિવારોમાં તો દીકરાઓ અને તેનો પરિવાર ગજા ઉપરાંત મા-બાપનું ધ્યાન રાખે છે. પરિવાર હોય એટલે સમજીને રહેવું પડે અને આપણા જૂના વિચારમાં ફેરફાર કરવા પડે. પરંતુ સંજોગોવશાત કોઈવાર છુટા પડવાનું આવે તો છોકરાનો પરિવાર જુદા રહે છે પણ મા-બાપનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. આમ છતાં મનદુઃખથી અગર કોઈ કારણસર જુદા થઈ જાય તો મા-બાપે આપણી સંસ્થાઓના વિવિધ કાર્યક્રમોમાં જોડાઈ જવું અને પ્રવૃત્ત રહેવું. આવી સંસ્થાઅોમાં એકબીજાને મળવાનું થાય અને શરીર પણ સારું રહે છે.
સંસ્થામાં આવવા જવા માટે આ દેશમાં બસની સગવડ સરકાર તરફથી વડીલોને વિનામૂલ્યે આપવામાં આવે છે. કહેવાય છે કે આ દેશમાં વડીલો માટે જે સરકાર તરફથી સગવડ મળે છે તેવી દુનિયામાં ક્યાંય નથી મળતી તો તે બધી સગવડોનો લાભ લઈ શકાય. માટે હિંમત રાખી પ્રવૃત્તિં જીવન આગળ વધો. નિરાશ થવાથી તો તબિયત ઉપર અસર થાય.
- રમણિક ગણાત્રા, બેકનહામ કેન્ટ
૦૦૦૦૦૦
પીળુ એટલું સોનું હોતું નથી
શ્રી રતિલાલભાઈ ટેલર અને વૃદ્ધ યુગલના નનામા પત્રોની વિગતો જાણીને દુઃખ જરૂર થયું. પરંતુ યુવાપેઢી સામે ધિક્કારની લાગણી અનુભવી નથી. એ સાચી વાત છે કે વડીલોનો સહારો બનવાની, તેઓનું ઘડપણ સારી રીતે જીવે અને તેઓની માન-મર્યાદા જળવાય તે જોવાની ફરજ અને જવાબદારી યુવા પેઢીની છે. પરંતુ ફળોના પાકમાંથી અમુક સડેલું ફળ હોય તો બધાં જ ફળોને સડેલા કહેવાની જરૂર ખરી? તે જ પ્રમાણે સમગ્ર યુવા પેઢી કે વહુઓને ખરાબ કહેવી એ અયોગ્ય છે.
મા એટલે ત્યાગની મૂર્તિ - દયાનો સાગર, નિઃસ્વાર્થ મમતાનો પ્રવાહ. છોરું કછોરું થાય પરંતુ માવતર કમાવતર ન થાય. તો પછી અમુક કારણોસર કોઈ યુવાપેઢી તેમની જવાબદારી ન નિભાવે તો દુઃખી થવાની જરૂર નથી. પત્ર લખનાર યુગલના નસીબમાં કદાચ તેઓના સંતાનોનો સહારો નહીં લખ્યો હોય અને જો નસીબમાં હશે તો સંતાનોને તેમની ભૂલ સમજાશે ત્યારે મા-બાપ સામે ક્ષમાયાચના સાથે તેઅો આવશે.
જ્યારે કોઈ દીકરી વહુ બનીને નવા પરિવારમાં જાય છે ત્યારે તે દીકરીઓએ ઘણું શીખવાનું અને ઘણું ભૂલવાનું હોય છે. તે જ પ્રમાણે મા કે સાસુની પણ તે નવા સદસ્યની જરૂરિયાતો, રીતભાત સમજવાની ફરજ છે અને હવે દીકરાની તેની પત્ની પ્રત્યેની ફરજો સમજવાની જરૂર છે. જો કુટુંબના દરેક સભ્યો એકબીજાને સમજવાની કોશીશ જાળવી રાખશે તો ચોક્કસ લાગણીભર્યા સંબંધો જળવાઈ રહેશે.
અંતે યુવાપેઢી એક વણમાગી સલાહ - ભૂલો ભલે બીજું બધું પણ મા-બાપને કદી ભુલશો નહીં. જે માવતરે આંગળી પકડીને ચાલતા શીખવ્યું તે મા-બાપને જ્યારે ચાલવામાં મુશ્કેલી આવે ત્યારે તેનો સહારો બનવામાં શરમ અનુભવશો નહીં.
- મુકુંદ આર. સામાણી, લેસ્ટર
૦૦૦૦૦
સમાજે કંઈક કરી છૂટવું જોઈએ
'ચર્ચાના ચોતરે' વિભાગમાં દુઃખીયારા મા-બાપની વ્યથાનું લખાણ વાંચીને દુઃખ થયું છે. આ વડીલ (જેમનું નામ નથી જણાવ્યું) એમની દુઃખની વ્યથા વાંચી ખરેખર દિલગીર છું. આવા ઘણાયે વૃદ્ધો હશે જેમની આવી દયાજનક દશા હશે, અને દુઃખ સહન કરી જીવનના દિવસો વિતાવતાં હશે. એમને માટે આપણા સમાજે કંઈક કરી છૂટવું જોઈએ.
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આપ ૮૫ કે ૮૦ વર્ષ કરતા વધુ વયના વૃધ્ધ વડિલોનું નિમંત્રણ આપી માનભેર સન્માન કરો છો એમ આવા દુઃખીયારા વૃદ્ધો માટે આપ વિવિધ સંસ્થાઅો-સંગઠનોનો સહકાર લઇ કરો તેવી નમ્ર પ્રાર્થના. શું આપણે સૌ આવા વૃધ્ધ માતા-પિતાના દુઃખમાં સહભાગી ન થઈ શકીએ?
આ એક આપની સામે પ્રસ્તાવ રજૂ કર્યો છે, આપને આ યોગ્ય લાગે તો મારો પ્રસ્તાવ અમલમાં લેજો.
- રતિલાલ ટેલર, સાઉથ ગેટ
૦૦૦૦૦૦
માતા-પિતાની જહેમત અને વ્હાલ
ચર્ચાના ચોતરે વિભાગમાં એક દુઃખીયારા મા-બાપની વ્યથા વાંચીને દુઃખ થયું. મા-બાપ પોતાના બાળકો માટે જીવન નીચોવી શરીર ખલાસ કરીને બાળકોને સિદ્ધિના શિખરો સર કરાવે છે અને તે જ મા-બાપ જ્યારે વૃદ્ધ અને અશક્ત થઈ ગયા ત્યારે નાલાયક દીકરાઓએ કેરહોમમાં ફેંકી દીધા. યુગાન્ડામાં જાહોજલાલીમાં રહેલ મા-બાપ અને નાના બાળકોને જ્યારે ઈદી અમીને કાઢી મૂક્યા ત્યારે એવા મા-બાપે આ દેશમાં પોતાના બાળકો માટે કાતિલ ઠંડીમાં કેવા કેવા કામ કરવા પડ્યા છે તેની કલ્પના પણ ન કરી શકાય. અભણ મા'એ એરપોર્ટ ઉપર ઝાડું વાળ્યાં છે, ટોઈલેટને ધોયા છે, ફેક્ટરીમાંથી શર્ટની ગાંસડી ઘરે લાવીને બટન ટાંક્યા છે. કોના માટે? બાળકો માટે જ સ્તો. અમુક જગ્યાએ વૃદ્ધ મા-બાપને બેનિફિટ્સ તથા એનએચએસના પૈસા મળે છે. તે પૈસા તેમના નાલાયક છોકરા-વહુ પોતાના માટે લઈ લે છે, તેમને મારે છે. ૪-૫ મહિનાની કાતિલ ઠંડીમાં ઘરની વીજળીના પૈસા બચાવવા તેઓ કામે જતા આવતા મા-બાપને સવારથી સાંજે મંદિરે ફેંકી આવે છે. બીચારા મંદિરમાં પ્રસાદ, ફળ ખાઈને કલાકો નીરાશામાં રાહ જોતાં બાંકડા ઉપર બેસી રહે છે. જ્યારે મા-બાપ સાવ પરાધિન થઈ જાય છે ત્યારે કેરહોમમાં ફેંકી આવે છે.
મરતી વખતે પહેલા આવા દુઃખી મા-બાપો તેમની ઈચ્છા કેર હોમમાં સ્ટાફ પાસે લખાવે છે કે અમારા મૃત્યુ પછી જરૂર અમારા દીકરાઓ અમારા મૃતદેહને લેવા આવશે ત્યારે તેમને જરૂર કહેજો કે અમારું કોફીન ખોલ્યા પહેલાં અમારું આખરી વસિયતનામું વાંચે.
૧. અમારા પાર્થિવ દેહને હાથ જોડશો નહીં, એ જ હાથ અમોને મારવા ઉપડતા હતા, અમારા અર્થી ઉપર દેખાવ ખાતર ફૂલોની શોભા કરવાની કાંઈ જરૂર નથી - જીવતે જીવન તમારા વાણી વર્તનના કાંટા અમોને ખૂબ ભોંક્યા છે. ૨. અમારી પાછળ શાંતિ પાઠ કરતા નહીં, અમોએ તમારે ત્યાં ખૂબ અશાંતિ ભોગવી છે. ૩. અમોને ઘરમાં ન રાખ્યા, અમે તો ઘરડાં ઘરમાં રહેતા હતા જે અમારું હતું. પણ હવે અમારી રાખને ઘરે સાચવીને દુનિયાને દેખાડવા હરિદ્વાર જઈને અસ્થિ પધરાવવાની કાંઈ જ જરૂર નથી. ૪. અમારી શ્રાદ્ધની તિથિ યાદ ન રાખતા, તમોને અમારો જન્મદિવસ ક્યારે યાદ હતો? ૫. મનુષ્ય જીવન એકવાર મળે છે તમારા મા-બાપ થઈને જીવ્યા, બીજી વખત જન્મ મળે તો અમારે તમારા મા-બાપ બનવું નથી.
- સુધા રસિક ભટ્ટ, બેનસન.