ટેકનોલોજીનો દૂરઉપયોગ કરી લંડનગરાઓ પાસેથી લાખ્ખોની તફડંચી કરનાર એશિયન ધૂતારા ટોળકીએ લેસ્ટરને પણ છોડયુ નથી. અરૂણાબેન માલવી નામના બહેને "ગુજરાત સમાચાર"ને એમની આપવિતી જણાવતાં કહ્યું કે, “મારે ઘરે ચારેક વીક પહેલાં કોઇનો ફોન આવ્યો કે તમારા ઘરે તમારા દીકરાનું પાર્સલ આવવાનું છે એમ કહી મારા દીકરાનો મોબાઇલ ફોનનો નંબર લીધો. બીજે દિવસે મારો દીકરો સવારે કામે ગયો અને હું ચ્હા પીતી હતી. ત્યાં મારા દીકરાના મોબાઇલ પરથી કોલ આવ્યો એટલે મેં ફોન આન્સર કર્યો. ત્યાં સામેથી કોઇ બોલ્યું કે, “તારા દીકરો ફ્રોડમાં સંડોવાયો છે એટલે અમે એને પોલીસ સ્ટેશનમાં રાખ્યો છે. એની પાસેથી ગન મળી છે. અમે એને છોડીશું નહિ.
જો તું £૪૦૦૦ કેશ લઇને આવીશ તો છોડીશું. મેં પેલા શખ્સને કહ્યું, “ભાઇ હું કામ, નથી કરતી, મારી પાસે આટલી મોટી રકમ ના મળે.”. ત્યારે પેલા શખ્સે કહ્યું કે, “TSBબેંકમાં તારુ ખાતું છે અને પોસ્ટ ઓફિસમાં તારા પૈસા છે ત્યાં જઇને પૈસા લઇ આવ એ દરમિયાન તારે ફોન પર અમારી સાથે વાત ચાલુ જ રાખવાની. મેં કહ્યું મારે ટોયલેટ જવું છે પણ એને ના જવા દીધી. મેં બેંકમાં જઇ £૧૦૦૦ ઉપાડ્યા. ફોન પર સતત વાત કરનાર ગુજરાતી છોકરી હતી. તેને મને કહ્યું તારા મોબાઇલમાં હોલ્ડ પર બટન દબાવી તારી દીકરીને ફોન કર અને બીજા પૈસાની માગણી કર. મારી દીકરીએ મને પૂછ્યું મમ્મી તારે આટલી મોટી રકમ શું કરવી છે? પણ હું ગભરાયેલી હતી અને મારે દીકરો બચાવવો હતો.
અંતે મારી પાસે જે રોકડ રકમ હતી એ લઇને મને પેલી ગુજરાતી છોકરીએ ગાઇડ કરીને કહ્યું કે, લેસ્ટરમાં આ જગ્યાએ ઓફ લાયસન્સ શોપ છે ત્યાં જઇ યલો બોક્સ છે એમાં અમે જે કોડ આપીએ એ મશીનમાં યુઝ કરી કેશ મૂકવી. હું ઓફ લાયસન્સ દુકાનમાં ગઇ ત્યાં ગુજરાતી મહિલા તરીકે મને જોતાં શોપના માલિકે મને પૂછ્યુ પણ ખરું કે આન્ટી કેમ અહીં આવ્યાં!? તમારે કાંઇ કામ છે?એ વખતે ફોનમાં સાંભળતી પેલી છોકરીએ મને કહ્યું કે, કોઇને પણ જણાવશો તો તમારો દીકરો ટ્રબલમાં મૂકાશે.
મેં જવાબ આપ્યા વગર મશીન પાસે જઇ પેલી છોકરીએ કહ્યા મુજબ £૩૦૦ નાખ્યા. એ દરમિયાન ફોન કટઓફ થઇ ગયો. મેં મારા દીકરાના એ જ મોબાઇલ નંબર પર ફરી ફોન જોડ્યો ત્યાં તો મારા દીકરાનો સાચો નંબર લાગ્યો. એને મને કહ્યું મમ્મી હું તો જોબ પર છું!મને કોઇએ એરેસ્ટ કર્યો નથી!.
ઓફ લાયસન્સ શોપવાળા ગુજરાતી ભાઇએ પણ કહ્યું કે, એ દિવસે ચારેક જણને આવી રીતે યલો કેશ મશીનમાં £૪૦૦૦ રોકડ નાખી જતા જોયા છે. પોલીસને અમે તરત જ જાણ કરી ત્યારે અમને ખબર પડી કે આવી ધૂતારા ટોળકીએ કંઇ કેટલાયને શિકાર
બનાવ્યા છે.