પત્રકારની કલમની સાર્થકતા કેવી હોવી જોઈએ - જે સત્ય લખીને માનવને જાગૃત કરી આવા પાખંડી, સાધુ, બાવા, ભૂવા, ભૂવીના બુરાઈથી જનતાને ચેતવીને બચાવે છે. જે પત્રકારની રગેરગમાં ‘સત્યમેવ જયતે’નું સૂત્ર છવાઈ ગયું હોય તે સાધારણ, ગરીબ વ્યક્તિને ધ્યાનાં લઈ અને તેઓની ખુશી માટે લખે. આ કારમી મોંઘવારીમાં વ્યાજબી દરે, સમયસર ઘરઆંગણે તેઓના અખબાર પહોંચતું કરી 'તરસ્યાને પાણી મળે' તેવા અહેવાસ કરાવીને ખુશ કરે તે પત્રકાર છે.
પત્રકારો દુનિયાના તાજા સમાચાર, લેખો, કવિતાઅો, મહાન વિભૂતિઓની આત્મકથા, જોક્સ, રેસીપી, દરેક હિન્દુ સંસ્થાના તહેવારોના સમાચાર, સંક્ષિપ્ત સમાચાર, ફિલ્મી રસિયા માટે ફિલ્મની માહિતી વગેરે વિપુલ પ્રમાણમાં આપે છે.
પરંતુ આજે વધતા જતા ખર્ચને પહોંચી વળવા જાહેરાતો પણ રજૂ કરવી પડે છે. આ જાહેરખબરો પણ ચીજ વસ્તુઅો કે સેવાઅોની ખરીદીમાં મહત્વનીમદદ કરે છે. પરંતુ અમુક અખબારોના પૈસાદાર પત્રકારો નફાની લાલસામાં પાખંડી સાધુઓના પાપને પોષી (બગભગત સાધુઓ) તેઓની જાહેરખબરો આપીને તગડી રકમ મેળવે છે. આવા બગભગતો દુઃખીયારા અને લાચાર લોકોનું શોષણ કરે છે. ઘણીવખત આવા સાધુઓના પર્દાફાશ થતા જેલ ભેગા કરવામાં આવે છે. વંદન કરું છું 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'ના સિદ્ધાંતવાદી પત્રકારોને, જેઓએ આર્થિક ફાયદો જતો કરી, આવા પાખંડી સાધુની જાહેરાતોને ઠુકરાવી જનતા માટે નેક કામ કરી પુણ્યની પૂંજી કમાઈ છે. આવા ઉત્તમ કામ કરવા માટે ભગવાન તમોને ખૂબ શક્તિ આપે તે જ પ્રાર્થના છે.
- સુધા રસિક ભટ્ટ, બેન્સન
એકલો જાને રે.....
'ચર્ચાના ચોતરે' વાંચી આ પત્ર લખવાની પ્રેરણા જાગી છે. અસભ્ય વાતોથી ભરેલા સમાચાર પત્રો તો રહેવાનાં જ. તેના મૂળ ખૂબ જ ઊંડા છે. એક જ ઉપાય છે - વાચકવર્ગ સભ્ય બને અને તેવા અખબારો કે સમાચાર પત્રોને ખરીદવા બંધ કરે. ત્યારે જ આ અનિષ્ટ બંધ થશે. આ ભગીરથ કાર્ય 'ગુજરાત સમાચારે' ઉપાડ્યું છે તે ખૂબ જ યોગ્ય છે. આજે નહીં તો કાલે ભવિષ્યમાં આની અસર જરૂર પડશે.
એકલો જાને રે એકલો જા
કોઈ સાથ ન આવે તો એકલો જા રે
આ કાવ્યની લીટી યાદ રાખી પ્રયત્ન ચાલુ રાખશો. અંતમાં જીત તમારી જ છે.
તમે 'ચર્ચાના ચોતરે' વિભાગમાં જેનો ઉલ્લેખ કર્યો છે તે પુસ્તક 'મારા સ્વપ્નનું ભારત' હું તમને ભેટ આપું છું. તમારા જેવા ગુણીજનોના હાથથી આ પુસ્તકના ઉમદા વિચારોને લાભ વિશ્વભરના ગુજરાતીઓને મળશે. 'કુમાર' નામના ગુજરાતી માસિકનો આદર્શ હતો 'આવતી કાલના નાગરિકો માટેનું માસિક'.
તેવી જ રીતે 'ગુજરાત સમાચાર'નો આદર્શ છે - આવતીકાલના બ્રિટિશ નાગરિકોનું સાપ્તાહિક
- કેશવભાઈ લાડ, આશ્ટન અંડર લાઈન
ઢોંગી બાબા-ધુતારાઅોના ઘરે ઘેરાવ કરો
'ગુજરાત સમાચાર'માં તા. ૬ જૂન ૨૦૧૫ના અંકમાં પાન નં. ૨૬ ઉપર ભાઇ શ્રી કમલ રાવે 'મારા સ્વપ્નનું ભારત: ગાંધીજીની પત્રકારત્વની વ્યાખ્યા' લેખ દ્વારા અખબારો વિષે ખૂબજ સુંદર પ્રકાશ પાડ્યો છે.
અમે નાના હતા ત્યારે અમને શિખવવામાં આવતું હતું કે 'તમારા જીવન ઘડતર માટે અખબાર ખૂબજ જરૂરી છે'. સામાન્ય જ્ઞાન વધે અને દુનિયાદારીની સમજ વધે તે માટે પેપર વાંચવા અમને હંમેશા દબાણ કરવામાં આવતું હતું. જેમ જેમ યુવાન થતાં ગયા તેમ તેમ અમારા રસના વિષયો ખીલવા લાગ્યા હતા અને આજે 'ગુજરાત સમાચાર'ન મળે તો જાણે કે દિવસ આખો ખરાબ જાય છે. તે સમયે ગુજરાતી ભાષા શિખવા માટે અખબાર એક સરસ માધ્યમ લેખાતું હતું. પરંતુ દુ:ખ સાથે કહેવું પડે છે કે આજે બાળકો તો ઠીક અમુક પરિવારો વર્ષના £૩૪ પાઉન્ડ બચાવવા 'ગુજરાત સમાચાર' મંગાવતા નથી. હવે એજ લોકો જો ફરિયાદ કરે કે તેમનું બાળક ગુજરાતી બોલતુ વાંચતુ નથી તો પછી તે ક્યાંથી વાંચે?
આજે હું જોઇ રહ્યો છું કે અમુક છાપા અને મેગેઝીનો જંતરમંતર, ભૂતભૂવા અને ઢોંગી બાબાઅોની જાહેરાતોથી ભરાયેલા છે અને જાણે કે તેમની આવકનો મુખ્ય સ્ત્રોત જ તે જાહેરાતો હોય તેમ તેઅો તેવી જાહેરાતો પર જ નિર્ભર હોય છે. વળી પોતાની જાતને બચાવવા માટે તેઅો નાના અક્ષરોમાં નોટીસ મૂકતા હોય છે. આ નોટીસ જ બતાવે છે કે તેમને ખબર છે કે તેઅો કાંઇક ખોટુ કરી રહ્યા છે અથવા તો ફસાવાય નહિં તે માટે નોટીસ મૂકે છે. આવી જાહેરાતો આપતા ઢોંગી બાબાઅો જેમને બાળક ન હોય તેવી લાચાર મહિલાઅોને બાળકને જન્મ થશે તેમ કહીને તેમનું યૌન શોષણ કરે છે તો અમુક વખત દોરાધાગા કરવાના બહાને મસમોટી રકમ પડાવી લેતા હોય છે.
અાવા ઢોંગી બાબાઅોની જાહેરાતો છાપવાનું બંધ કરવા ઉપરાંત આપણા સામાજીક સંગઠનો અને અગ્રણીઅોએ આવા ઢોંગી બાબા-ધુતારાઅોના ઘર સામે દેખાવો કરી નારા લગાવવા જોઇએ. જો તેમના ઘર પર હલ્લો બોલાવવામાં આવશે તો જ તેઅો ગોરખધંધા કરતા અટકશે.
- ધર્મેન્દ્ર શાહ, વેમ્બલી.