ઘણાં લોકો એવા હોય છે કે જેમની વૃત્તિ હરહંમેશ 'કોનું પડે અને મને જડે' તેવી હોય છે. આવા કહેવાતા અને બની બેઠેલા કહેવાતા નેતાઅો પારકા ભાણે જમી લેવાની વરવી વૃતિ ધરાવતા હોય છે. તેઅો દેખાવ તો એવો કરે કે તેઅો જ સમગ્ર જનસમુદાયનું નેતૃત્વ કરે છે. પણ પાક લણવાનો સમય આવે ત્યારે વરસાદી દેડકાની જેમ ડ્રાઉ ડ્રાઉ કરતા કુદકા મારવા લાગે છે. વાત એવી છે કે એર ઇન્ડિયા દ્વારા અમદાવાદ અને લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થાય તેવી શક્યતાઅોને પારખી જઇને આવા કહેવાતા નેતાઅો રાતો રાત ફૂટી નીકળ્યા છે અને તેમણે કરેલી મહેનતને કારણે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થનાર છે તેવો દેખાવ કરી સફળતાનો યશ ખાટવા પ્રયત્નો કરે છે. આવા તકસાધુને તેમના જેવા થોડાક લોકો પણ મળી રહે એમાં શંકાને સ્થાન નથી.
આપ સૌ સુજ્ઞ વાચક મિત્રો સુપેરે વાકેફ છો કે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા લાગલગાટ છેલ્લા કેટલાય વર્ષથી અમદાવાદ લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરાય તે માટે ભારત અને યુકેમાં જોરદાર ઝુંબેશ ચલાવાઇ રહી છે. આ માટે બે વખત બે બે મહિના સુધી દર સપ્તાહે પેપરમાં પીટીશન પણ પ્રસિધ્ધ કરાઇ હતી અને તેમાં કુલ ૧૬ હજાર કરતા વધારે સહીઅો એકત્ર થઇ હતી. એક વખત એર ઇન્ડિયાના અધિકારીઅોને લંડન અને ભારત ખાતે તેમજ એક વખત હાલના વડાપ્રધાન અને તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને આપણા સ્થાનિક અગ્રણી અને જાણીતા સોલીસીટર મનોજભાઇ લાડવા અને અમદાવાદના એમપી તથા જાણીતા અભિનેતા શ્રી પરેશભાઇ રાવલે પીટીશનની સોંપણી કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આપણી તકલીફ, મુશ્કેલીઅો અને જરૂરિયાતને સારી રીતે સમજે છે અને તેમની પર ભરોસો રાખવો એ આપણી પણ ફરજ તો ખરીને!
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને ગુજરાતના ભાજપ – કોંગ્રેસના નેતાઅો ખુદ આપણી લડતને સમર્થન આપી ચૂક્યા છે.
અમદાવાદ - લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટનો પ્રશ્ન કેન્દ્ર સરકારનો છે અને મોદી સાહેબ તેનો નિકાલ પણ જરૂર લાવશે એમાં બે મત નથી.
તાજેતરમાં એક સાપ્તાહિકમાં અડધા પાનના સમાચાર છપાયા હતા જેમાં જણાવાયું કે મોદી સાહેબ લંડનની મુલાકાતે આવશે ત્યારે તેઅો ડાયરેક્ટ ફ્લાઇટના નિર્ણયની જાહેરાત કરશે. તેમાં એમ પણ જણાવાયું હતું કે નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશનના સલાહકાર શ્રી પ્રફૂલભાઇ પટેલે અમદાવાદ લંડનની ડાયરેક્ટ ફ્લાઇટના કેમ્પેઇનની આગેવાની સંભાળી હતી. આ અહેવાલમાં પ્રફુલ્લભાઇ, આનંદીબેનને મોમેન્ટો અર્પણ કરતા હોય તેવી જુની તસવીર છપાઇ છે. દેખાવ એવો કરાયો છે કે હમણાં જ પ્રફૂલભાઇ આનંદીબેનને મળ્યા છે. પરંતુ જે ફોટો છોપાયો છે તે ફોટો લગભગ એક વર્ષ પહેલા પ્રફૂલભાઇ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેનને મળ્યા તે વખતે છપાયો હતો.
ઘણી વખત એવું બને કે ગાડા તળે કુતરૂ ઉભુ હોય અને તેને એમ લાગે કે તે જ આખા ગાડાનો ભાર ખેંચે છે. ડાયરેક્ટ ફ્લાઇટના આ સમાચાર ગત તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ ભારતના 'ટાઇમ્સ અોફ ઇન્ડિયા'માં પ્રસિધ્ધ થયા હતા અને તેમાં એર ઇન્ડિયા શક્યતાઅો ચકાસી રહ્યું હોવાની રજૂઆત થઇ હતી. આ અંગે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'માં પણ સમાચાર પ્રસિધ્ધ થયા હતા.
પણ વરવી વાસ્તવિકતા એ છે કે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થાય તે પહેલા તેની સફળતાનો યશ પોતાના નામે ખાટી લેવા પ્રયાસ કરતા લોકોએ આ ડાયરેક્ટ ફ્લાઇટના પ્રશ્ન માટે કોને મળ્યા હતા? તેમણે પીટીશન તૈયાર કરી હતી કે કેમ? કેટલી સહીઅો ઉઘરાવી હતી? પોતાના કાર્યના કેટલા દિવસો ફાળવ્યા હતા? તેની જાણ પણ સૌને કરવી જોઇએ. ચાલતી ગાડીએ ચઢી જવાના પ્રયાસમાં મોટે ભાગે અકસ્માત થતા હોય છે તે ભૂલવું જોઇએ નહિ.
વાચક મિત્રો, આપ સૌ આ પ્રશ્ન અંગે વાકેફ છો જ. આપના અભિપ્રાય આવકાર્ય છે અને આજે જ આપના પ્રતિભાવ કમલ રાવ, ન્યુઝ એડિટર, ગુજરાત સમાચાર'ને મોકલી આપવા નમ્ર વિનંતી છે.