આપણાં 'ગુજરાત સમાચાર'માં તા.૧૦મી ઓક્ટોબરના અંકના પાના નં. ૨૯ ઉપર બહુજ લોકપ્રિય કોલમ 'ચર્ચાના ચોતરે' વાંચીને ખુબ જ આશ્ચર્ય થયું. આ દેશમાં પણ એવા લોકો છે જેમને ડગલેને પગલે 'મોટાભા' થવાની ઘેલી આદત છે. અમુક એવા લોકો જેમને ખરેખર આ દેશમાં ભાગ્યે જ કોઇ ઓળખે છે તેવા આ કહેવાતા આગેવાનોને ધોળે દિવસે અજનબી સ્વપ્નાઓ આવે છે !! આગામી નવેમ્બરમાં ભારતના આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી યુકેની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કહેવાતા આગેવાનોને પોતાની પીઠ થાબડવાના સ્વપ્નાઓ આવી રહ્યા છે. કારણ એ જ છે કે મોદીજી જે તે દેશમાં જાય ત્યારે ત્યાં વસતા ભારતીયોને વિવિધ પ્રકારે ભેટ આપતા હોય છે. દા. ત. વિઝા અોન અરાઇવલ, OCI અને PIOનું જોડાણ વગેરે.
હવે વાત રહી અમદાવાદ - લંડનની સીધી વિમાની સેવાની. આ એક માત્ર મુદ્દો હાલ બાકી છે. યુકેના અને અન્ય યુરોપના દેશના લોકોને ખુબજ સારી રીતે ખબર છે કે 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' ઘણા વર્ષોથી અમદાવાદ - લંડનની સીધી વિમાની સેવા માટે આંદોલન ચલાવે છે. બન્ને અખબારોએ અમદાવાદ લંડનની સીધી વિમાની સેવા માટે ખુબજ પરિશ્રમ કર્યો છે, છાપામાં દર સપ્તાહે લેખો છાપીને તેમજ પીટીશનો છાપીને હજારો લોકોની પીટીશનમાં સહીઅો મેળવી છે. ભારત ખાતેના તમામ પક્ષોનો ટેકો મેળવીને આ અંગે ગુજરાત તેમજ ભારત સરકારના મંત્રીશ્રીઓ, એવીએશન અધિકારીઓ અને ભારતના વડા પ્રધાન અને ભૂતપૂર્વ વડા પ્રધાનને રજૂઆત કરવામાં આવી હતી. 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'એ પાનાઓ ભરીને આ આંદોલનને એક પ્રાણ પ્રશ્ન તરીકે ગણીને જે સ્થાન આપ્યું છે તે જ બતાવે છે કે બન્ને અખબારો યુકેમાં રહેતા લોકો માટે હમેશા જાગૃત છે. આવા પ્રાણ પ્રશ્નો માટે ભૂતકાળમાં પણ 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' હમેશા તત્પર રહેલા અને સફળતાને વર્યા હતા. આ અખબારો હમેશા લોકોની સેવા માટે અગ્રેસર હોય છે.
હવે વાત કરીએ તો કહેવાતા આગેવાનોની. પોતાની વાહ વાહ કરવા અત્યારથી જ તેમને સ્વપ્ના આવી રહ્યા છે અને તેનો વરવો પ્રચાર પણ કરવા લાગ્યા છે. અહિ તેમજ ગુજરાત ખાતેના અમુક અખબારોમાં તેમના કરતૂતોરૂપી સમાચાર છપાવીને તેઅો પોતે કરેલી મહેનતના કારણે અમદાવાદ લંડનની સીધી વિમાની સેવા થનારી છે તેવી જાહેરાત કરાવે છે તે કેટલી હદે યોગ્ય કહેવાય? તેમણે ખરેખર પોતાના અંતરાત્માને પૂછવું જોઇએ કે તમણે ખરેખર કેટલી મહેનત કરી હતી? આ તો ખુબ જ બેશરમીની વાત છે.
નરેન્દ્રભાઇ મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે ખુદ આપણી આ લડતને સમર્થન આપી ચૂક્યા છે અને તેઅો ખૂબ જ સારી રીતે જાણે છે કે આ અંદોલન કોણ ચલાવી રહ્યું છે. બીજા છાપાવાળા છબરડાવાળે ત્યારે એટલુંજ કહેવાનું કે 'કહેતા ભી દિવાના અને સુનતા ભી દિવાના.'
ભરત સચાણીયા, લંડન
બધાને પારકા ભાણે જમી લેવું છે
'ગુજરાત સમાચાર'માં તા. ૧૦મી અોક્ટોબર ૨૦૧૫ના અંકમાં પાન નં. ૨૯ ઉપર ‘ચર્ચાના ચોતરે’ વિભાગમાં માં ‘પારકા ભાણે જમી લેવાની વૃત્તિ’ વાળા લખાણમાં અમદાવાદ – લંડન વચ્ચેની એર ઈન્ડિયાની ડાયરેક્ટ ફ્લાઈટની ઝુંબેશ વિશે 'ગુજરાત સમાચાર'ને તકલીફ થાય તે સમજાય તેવી છે. એવું જ કંઈક જયભિખ્ખુએ તેમની ફૂલની ખુશબોમાં ‘શંભુ મહારાજ’ ચરિત્રાવલીમાં લખેલ છે.
આજે કીર્તિ વગર માણસ એક કદમ પણ ભરતો નથી. કીર્તિ માટે તે ખોટું કરવા પણ તૈયાર છે. તૈયાર ભાણું પડાવી લેવાની જ વાત છે. જૂના જમાનામાં માણસ જીવતા મળેલ કીર્તિને ‘અગ્રાહ્ય’ ગણતો અને માનતો કે કીર્તિ તો માણસને મર્યા પછી જ મળવી જોઈએ. નામ વગર કામ કરવું એ તે વખતે માણસાઈ ગણાતી. આજે એવું ઓછું જોવામાં આવે છે કે. આજ તો 'ચોરી'નો અવગુણ હોંશિયારી ગણાય છે.
કોઈવાર એક વ્યક્તિ આખી સંસ્થાની ગરજ સારે છે. કોઈવાર એક આખી સંસ્થા માંડ માંડ એક વ્યક્તિની પણ ગરજ સારી શકતી નથી. આજકાલ એક-બેનો જમાનો નથી. મંડળીઓનો યુગ છે. ભગવાન મહાવીરે તેમના જીવ અને જગત બાબતના વિચારોમાં કહેલ છે કે 'આ જગત પર કોઈ એવી જગ્યા નથી જ્યાં માત્ર એક જ જીવ હોય. દરેક જીવો જીવવા માટે એક બીજા પર આધાર રાખે છે' આજે એક વ્યક્તિ પોતાની રીતે કામ કરવામાં શ્રદ્ધા ધરાવતી નથી. પણ સહુને સંસ્થાની મોહીની છે. મંડળી વગર જવાય નહીં, સંસ્થા વગર કામ થાય નહીં. પૈસા વગર સેવા થાય નહીં. ફંડ તો અનિવાર્ય અંગ બની ગયું છે. પણ મોટાભાગે ઝઘડા, મારું-તારુંને નિયમોની પક્ષીય ખેંચતાણ વગર બીજી કંઈ સરવાળામાં શેષ જોવાતી નથી.
બધાને પારકા ભાણે જમી લેવું છે. મહેનત કોઈની અને જશની ટોપી આપણી, એ જ વૃત્તિ છે.
- જયમન મહેતા, હેરો, લંડન.