એ તો સનાતન સત્ય છે કે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય, વેપાર, વાણીજ્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજીની ભાષા છે. આપણી યુવાન પેઢી, ચાહે તે ભારતમાં હોય કે પરદેશમાં, જો પરિપૂર્ણ વિકાસ કરવો હોય તો અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવવું અતિ આવશ્યક છે. ફક્ત માતૃભાષા શીખવાથી ક્ષિતિજ માર્યાદીત થઇ જાય છે.
મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે, અંગ્રેજી શીખવા સાથે પોતાની માતૃભાષાનું લખવા-વાંચવાનું જ્ઞાન પણ એટલું જ આવયક્ષક છે. આપણી સંસ્કૃતિ, શાસ્ત્રો અને સાહિત્યને ખરેખર ઊંડાણથી સમજવું હોય, માણવું હોય તો માતૃભાષાના માધ્યમથી જેટલું અસરકારક રીતે સમજી શકાય તેટલું બીજી ભાષામાં કદાચ શક્ય ના હોઈ શકે. આપણી સમૃદ્ધ માતૃભાષાનો વારસો ટકાવી રાખવા, આપણા સાહિત્ય, કવિતા, લોકગીતોનું રસપાન કરવા, માતૃભાષા શીખવી બહુજ મહતવની છે. અંગ્રેજી સાથે આપણી યુવાન પેઢી આપણી ભાષાનો મહિમા સમજે અને સુંદર કાબુ મેળવે તો સોનામાં સુગંધ ભળે. વતન સાથેનો પ્રેમ મજબુત થશે, માબાપની વિચારસરણી સરખી રીતે સમજી શકશે અને નિકટ આવવામાં મદદરૂપ થશે.
આ દેશમાં માતૃભાષા શીખવા માટે ઘણી સારી વ્યવસ્થા હોય છે. વાલીઓ તેમના બાળકોને પ્રોત્સાહન આપે અને સગવડતાનો લાભ જરૂરથી ઉઠાવે.
નિરંજન વસંત, વેસ્ટ નોરવુડ. (ઇમેઇલ દ્વારા)
0000000000
ગુજરાતી ભાષા અને નોકરી
તા. ૧૩-૯-૨૦૧૪ના 'ગુજરાત સમાચાર'ના અંકમાં તમારી વાત વિભાગમાં પ્રસિધ્ધ થયેલ ડો. નગીનભાઈ પટેલ (સાઉથ નોરવુડ વીલ)ના મંતવ્ય સાથે આંશિક રીતે હું સહમત છું.
હું વર્ષ ૨૦૦૬ સુધી ગુજરાતના રાજકોટ શહેરમાં હતો. સીત્તેર-એંસીના દાયકામાં મેં જોયું હતું કે ગુજરાતનો કોઈપણ ગ્રેજ્યુએટ સારી કંપનીમાં જોબ માટે એપ્લીકેશન કરતો ત્યારે તેને નોકરી અપાતી નહીં. આનાથી વધારે દુઃખદ બાબત એ પણ હતી કે ઘણી સારી કંપનીઓ જોબ માટેની જાહેરાતમાં સ્પષ્ટ જણાવતી કે ગુજરાતના ગ્રેજ્યુએટોએ આ જગ્યા માટે અરજી કરવાની જરૂર નથી. આ પણ સત્ય હકીકત છે. જોકે અત્યારે ગુજરાતની સ્થિતિ ઘણી સંતોષજનક છે.
આથી ગુજરાતના ગ્રેજ્યુએટોએ ગુજરાતમાં જ જે મળે તે નોકરી શોધી સંતોષ લેવો પડતો. ફક્ત અંગ્રેજી ભાષાના પ્રભુત્વને કારણે અન્ય શહેર કે રાજ્યોના ગ્રેજ્યુએટોને સહેલાઈથી નોકરી મળી જતી. અહીં બ્રિટનમાં કેટલાય ગુજરાતી પરિવારોના સંતાનો અને પછીની પેઢીના યુવાનો અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છે પણ તેમના માતા-પિતાને તો માત્ર ગુજરાતી જ આવડતું હોય છે. આથી સંતાનો ગુજરાતી માતૃભાષા શીખે, અને જાણે તો તેમાં કાંઈ ખોટું નથી.
- ભક્તિદાસ મહેતા, ક્રોલી.
૦૦૦૦૦
ભાષા ખતમ તો સંસ્કૃતિ ખતમ
ડો. નગીનભાઈ પટેલના પત્ર ઉપરથી તેઓ ગુજરાતી ભાષાથી નારાજ હોય તેવું લાગે છે. માણસનો જન્મ થાય છે ત્યારે તે અનેક ઋણ સાથે જન્મે છે. જેમ કે માતૃઋણ, પિતૃઋણ, માતૃભૂમિનું ઋણ, માતૃભાષાનું ઋણ. જીવનપર્યંત આ ઋણ ચૂકવી શકીએ તો જીવન સાર્થક થાય છે.
માતૃભાષાનું મહત્ત્વ ખૂબ જ છે. જાપાન, ચાઈના, જર્મની અનેક એવા દેશો પોતાની ભાષામાં જ વ્યવહાર કરે છે. ફક્ત ગુજરાતીઓ જ એવા છે કે ગુજરાતી હોવા છતાં ગુજરાતી બોલતા શરમાય છે. અંગ્રેજી પણ જરૂરી છે. મોરારિ બાપુ પણ કહે છે કે અંગ્રેજી કર્મની ભાષા છે, એટલે તમે કામ કરતા હોય તો અંગ્રેજી આવડવી જ જોઈએ. પણ બાપુ ગુજરાતી ભાષામાં જે કથા કહે છે તે કથાનું ભાષાંતર સાંભળતા જે ભાવ થવો જોઇએ તે થતો નથી.
માતૃભાષા એ તો માતા અને માતૃભૂમિ વચ્ચેનો સેતુ છે. એ આપણને સંસ્કૃતિ, ધર્મ અને જીવનમૂલ્યો સાથે જોડે છે. ફાધર વાલેસ કહે છે કે બીજાનું જરૂર અપનાવો પણ પોતાનું શા માટે છોડી દો છો? ગુજરાતીઓને સમજવા તો ફાધર વાલેસ ગુજરાતી શીખ્યા અને ગુજરાતીમાં પુસ્તકો પણ લખ્યા. અંગ્રેજી બોલવાથી કે કહેવાથી અંગ્રેજ નથી બની જવાતું. અંગ્રેજ તો તમને ઈન્ડિયન જ કહેશે. અહીં કેટલાક ગુજરાતી માતા-પિતા પોતાના બાળકને આત્મ ગૌરવની શિક્ષા આપવામાં નિષ્ફળ ગયા છે.
ઈમર્સન કહે છે - જ્યારે કોઈ ભાષા ખતમ થાય છે ત્યારે એક સંસ્કૃતિ નષ્ટ થાય છે. સંસ્કૃતિને જીવંત રાખવા આપણે માતૃભાષાને સતત આત્મસાત રાખવાની છે. કવિ કટ્સના જ શબ્દો છે- માતૃભાષા વિહોણી પ્રજા આત્મગૌરવ વિહોણી બની જાય છે. માતૃભાષાથી વિમુખ થઈને જીવવું એના જેવી બીજી કોઈ મોટી ખરાબ બાબત નથી.
- નયના નકુમ, સાઉથ હેરો