તમે અત્યારે 'ગુજરાત સમાચાર' વાંચી રહ્યા છો તે કેવું હોવું જોઇએ? માત્ર 'ગુજરાત સમાચાર' જ નહિં પણ અન્ય અખબાર કે મેગેઝીન કેવા હોવા જોઇએ? શું અખબારના ધારાધોરણ, નીતિમત્તા કે સત્યતા હોવા જોઇએ કે નહિં? કદી આપે તેનો ગંભીરતાપૂર્વક વિચાર કર્યો છે ખરો? કોઇક વિચારકે કહ્યું છે કે 'તમે કદાચ બોલતી વખતે નહિં વિચારો કે શું બોલો છો, પરંતુ જો તમારે લખવું હશે તો તમારી ખુદની બુધ્ધી મુજબ જરૂર વિચાર કરશો કે શું લખવું છે. હું ચોક્કસપણે કહીશ કે તમે વિચારીને સમજીને જ લખશો. પરંતુ જો તમારે વિશાળ ફેલાવો ધરાવતા અખબારમાં લખવાનું હોય તો? અનિષ્ટ, ગેરસમજ કે અંધવિશ્વાસ ફેલાવતી જાહેરખબર છાપવાની હોય તો આખું ગામ જ નહિં આખો દેશ તે વાંચે અને તમારી કિંમત કરે.
તાજેતરમાં અમારા વાચક મિત્ર શ્રી અરવિંદભાઇ શાહે સીબીને ગાંધીજીના ખૂબ જ સુંદર પુસ્તક 'મારા સ્વપ્નાનું ભારત'માં 'વર્તમાનપત્રો'ના શિર્ષક નીચે છપાયેલ પ્રકરણ ૬૮ના બે પાન મોકલ્યા હતા. અખબાર, છાપુ એટલે કે વર્તમાનપત્ર કેવું હોવું જોઇએ તે વિષે ગાંધીજીએ લખેલા એ પ્રકરણને અહિં અક્ષરસ: રજૂ કર્યા છે. આશા છે કે તે વાંચીને આપને 'ગુજરાત સમાચાર'ના વાચક તરીકે ગર્વ થશે કે 'ગુજરાત સમાચાર' ગાંધીજીની અને અને આ દેશની નીતિને અનુરૂપ છાપુ છે.
વર્તમાન પત્રો
વર્તમાન પત્રો સેવાભાવથી જ ચાલવાં જોઈએ... વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાવે છે ને પાકનો નાશ કરે છે, તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા કરતાં વધારે ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે.
આ વિચારસરણી સાચી હોય તો દુનિયામાં કેટલાં વર્તમાનપત્રો નભી શકે? પણ નકામાને બંધ કોણ કરે? કોણ કોને નકામું ગણે? કામનું ને નકામું સાથે સાથે ચાલ્યાં જ કરવાનાં. તેમાંથી મનુષ્યે પોતાની પસંદગી કરવાની રહી. ૧
આજના છાપાંમાં છીછરાપણું, એકપક્ષી વલણ, હકીકતની સચ્ચાઈ વિષે ઉદાસીનતા તથા ઘણી વાર અપ્રમાણિકતા જેવા દોષો પણ પેસી ગયા છે જે શુદ્ધ ન્યાયનો આગ્રહ રાખનાર પ્રામાણિક માણસોને સતત ઊંધે માર્ગે દોરે છે. ૨
મારી પાસે કેટલીક સૂગ ઉપજાવે એવી વસ્તુઓથી ભરેલી છાપાંની કાપલીઓ પડેલી છે. એમાં કોમી ઉશ્કેરણી, નર્યું જૂઠાણું અને ખૂનમાં ગણાય એવી રાજદ્વારી હિંસાની ઉશ્કેરણી, એ બધું છે. બેશક સરકારને માટે મુકદ્દમા માંડવા અથવા દમનના ઓર્ડિનન્સો કાઢવા એ સાવ સહેલું છે. તે ધારેલો હેતુ ક્ષણભર પાર પાડવા ઉપરાંત નિષ્ફળ નીવડે છે, અને આ લેખકોનું હૃદયપરિવર્તન તો કદી કરતા નથી, કેમ કે તેમની પાસેથી જ્યારે છાપાનું ખુલ્લુ ક્ષેત્ર છીનવી લેવામાં આવે છે ત્યારે તેઓ ઘણી વાર ગુપ્ત પ્રચારકાર્યનો આશ્રય લે છે.
આનો સાચો ઉપાય તો ઝેરી છાપાંને આશ્રય આપવાની ના પાડનાર નીરોગી લોકમત છે. આપણે ત્યાં પત્રકારમંડળ છે. તે એવું એક ખાતું કેમ ન ખોલે કે જેનું કામ જુદાં જુદાં છાપાંનો અભ્યાસ કરવાનું અને વાંધાભરેલા લેખો જડે તે છાપાના તંત્રીના ધ્યાન પર લાવવાનું હોય? ગુનેગાર છાપાં જોડે સંબંધ સ્થાપવો અને જ્યાં એ સંબંધથી ઇચ્છેલો સુધારો થવા ન પામે ત્યાં તે વાંધાભરેલા લેખોની જાહેર ટીકા કરવી, એટલું જ આ ખાતાનું કામ હશે. છાપાંની સ્વતંત્રતા એ એક કીમતી હક છે, અને કોઈપણ દેશ એને જતો ન કરી શકે. પણ કાયદાનો અંકુશ અતિશય સૌમ્યથી વધારે ન હોય – ન હોય એ જ યોગ્ય છે - ત્યાં મેં સૂચવ્યો છે એવો આંતરિક અંકુશ અશક્ય ન હોવો જોઈએ અને તેની સામે રોષ ન કરવો જોઈએ. ૩
‘હું જરૂર માનું છું કે... અનીતિભરેલી જાહેરખબરથી વર્તમાનપત્રો ચલાવવાં એ ખોટું છે. હું એમ પણ માનું છું કે જાહેરખબર લેવી જ હોય તો તેની ઉપર વર્તમાનપત્રોના માલિકો અને અધિપતિઓએ નીમેલી કડક ચોકીદારી હોવી જોઈએ, અને માત્ર સ્વચ્છ જાહેરખબરો જ લેવાવી જોઈએ. આજે અતિશય પ્રતિષ્ઠિત કહેવાતાં વર્તમાનપત્રો અને માસિકોને આ દુષિત જાહેરખબરોનું અનિષ્ટ વળગવા લાગ્યું છે. એ અનિષ્ટ તો વર્તમાનપત્રોના માલિકોની વિવેકબુદ્ધિ શુદ્ધ કરીને જ ટાળી શકાય. આ શુદ્ધિ મારા જેવા શિખાઉ વર્તમાનપત્રકારના પ્રભાવથી ન આવી શકે, પણ તે તો જ્યારે તેમની વિવેકબુદ્ધિ આ વધતા જતા અનિષ્ટને વિષે પોતાની મેળે જાગ્રત થાય, અથવા તો પ્રજાના શુદ્ધ પ્રતિનિધિત્વવાળું અને પ્રજાની નીતિ વિષે ખબરદારી રાખનારું રાજ્યતંત્ર તે વિવેકબુદ્ધિ જાગ્રત કરે તો થઈ શકે. ૪
મારા કહેવાની મતલબ તો એ છે કે જાહેરખબરોમાં સત્ય જળવાવું જોઈએ. સામાન્ય લોકોને ચોપડીમાં કે છાપામાં છપાયેલા શબ્દને વેદવચન માની લેવાની ટેવ હોય છે. તેથી જાહેરખબર લખવામાં અતિશય સાવચેતી રખાવી જોઈએ. જૂઠાણાં મહાભયાનક અને અર્નથકારી છે. ૫
મિત્રો, અખબારનું કાર્ય જનચેતનાનું છે અને જો અખબાર કે મેગેઝીન ખુદ જનહિતનું કાર્ય ન કરે તે કઇ રીતે ચાલે? જો તે અખબાર જનતાનું અહિત થાય, વાચકોને ગેરમાર્ગે દોરે અને નુકશાન થાય તેવી માહિતી કે જાહેરાતો પ્રકાશિત કરતું હોય તો તેવું અખબાર કઇ રીતે સાંખી શકાય? લંડનથી પ્રકાશીત થતું એક ગુજરાતી અખબાર ભૂતભુવા અને મંતરજંતરની થોકબંધ જાહેરખબરો પ્રકાશીત કરે છે. દોરા ધાગા, મંતરજંતર અને દરેક ધર્મના ભગવાનોના નામે મેલીવિદ્યા, વશીકરણ, પ્રેમલગ્નમાં સફળતા, દેવુ ઘટાડો અને અવનવા વાયદાઅો કરતી આ જાહેરખબરો પહેલી જ નજરે ખોટી, દંભી અને ગેરમાર્ગે દોરતી જણાઇ આવે છે. આ જાહેરાતોની ચુંગાલમાં આવી આપણી બહેન દિકરીઅોએ પોતાના શીલ અને નાણાં ગુમાવ્યા હોવાના દાખલા બનેલા છે. લોકો હજારો પાઉન્ડ આવા ધુતારાઅોને સોંપી દે છે અને ફાયદામાં કશું જ થતું નથી. તમે જાહેરાત વાંચો તો પહેલી જ નજરે તમને જણાશે કે આ જાહેરાતમાં મુરખ બનાવવાની વાત છે. પરંતુ જે લોકો તકલીફમાં હોય છે તેઅો પોતાની તકલીફ પોતાના મનમાં જ ધરબી રાખે છે અને આવા બીચારા અને લાચાર લોકો આવી જાહેરાત આપનારાને શરણે થઇ પોતાનું સર્વસ્વ ગુમાવે છે. આવા લેભાગુ લોકોની જાહેરાતો પ્રસિધ્ધ કરી અખબારના પ્રકાશક અને તંત્રી પણ તેમાં આડકતરી રીતે સાથ આપે છે તે ખૂબ જ દુ:ખની વાત છે.
આ અખબારમાં પ્રસિધ્ધ થતી ૧૫-૨૦ જાહેરાતોમાંથી એક પણ જાહેરાતની સત્યતા જો સાબીત થાય તો હું પત્રકારત્વ છોડી નિવૃત્ત થઇ ઘરે બેસવા તૈયાર છું. પરંતુ દુ:ખની વાત એ છે કે તે અખબારના તંત્રી કે પ્રકાશકને તેની ચિંતા નથી. એવું નથી કે તેમની પાસે પૈસો નથી, બંગલા ગાડી વેપાર બધું છે પણ આવી જાહેરાતોના અનિષ્ટને જાણતા હોવા છતાં બસો-પાંચસો પાઉન્ડ વધારાના કમાવાની લાલચ છુટતી નથી.
મને ગર્વથી કહેતા આનંદ થાય છે કે 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'માં આવા પ્રકારની જંતરમંતર અને ભૂતભૂવાની જાહેરાતો પ્રસિધ્ધ કરાતી નથી. અમે આવી જાહેરાતો ન લઇને વર્ષે ૫૦,૦૦૦ પાઉન્ડ જતા કરીએ છીએ. જંતરમંતર દ્વારા કહેવાતો ફાયદો કરાવતી ૮૦૦-૧૦૦૦ પાઉન્ડની જાહેરાતને નકારવાનો જે અધિકાર મને મળ્યો છે તે બદલ હું ગૌરવ અનુભવું છું.
મિત્રો, આ અહેવાલ વાંચીને તમારા મન પર શું અસર થાય છે? શું આપને નથી લાગતું કે આવા અનિષ્ટને કાબુમાં લેવા જોઇએ. શું તમે લોકમત જગાવી ન શકો? જો એક પણ પ્રશ્નનો જવાબ 'હા' હોય તો ઉઠાવો કલમ અને આપના અભિપ્રાય મોકલી આપો. અમે આપના પ્રતિભાવને 'ચર્ચાના ચોતરે' વિભાગમાં રજૂ કરતા ગૌરવ અનુભવીશું કે અમારી પાસે પણ એવા વાચકો છે જેઅો ખુલ્લા મને આવા અનિષ્ટ સામે અવાજ રજૂ કરી શકે છે.